ISRO MISSIONS : ચંદ્ર પછી હવે સૂર્ય, મંગળ અને શુક્ર ગ્રહનો વારો

ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન(ISRO) દ્વારા તાજેતરમાં જ ચંદ્રયાન-2 સફળતાપૂર્વક લોન્ચ કરાયું છે. આ સાથે જ ચંદ્ર સુધી પહોંચનારો ભારત અમેરિકા, રશિયા અને ચીન પછી વિશ્વનો ચોથો દેશ બની ગયો છે. ઈસરોનું અભિયાન આટલેથી જ અટકવાનું નથી. ઈસરો ચંદ્ર પછી હવે સૂર્ય, મંગળ અને શુક્ર ગ્રહનો અભ્યાસ કરવા માટે પણ આગામી વર્ષોમાં યાન છોડવાની તૈયારી કરી રહ્યું છે. આટલું જ નહીં, ઈસરો 'ગગનયાન' મિશનમાં માનવને પણ અંતરિક્ષમાં મોકલવાની તૈયારી કરી રહ્યું છે. 

ઝી ડિજિટલ ડેસ્ક/અમદાવાદઃ ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન(ISRO) દ્વારા તાજેતરમાં જ ચંદ્રયાન-2 સફળતાપૂર્વક લોન્ચ કરાયું છે. આ સાથે જ ચંદ્ર સુધી પહોંચનારો ભારત અમેરિકા, રશિયા અને ચીન પછી વિશ્વનો ચોથો દેશ બની ગયો છે. ઈસરોનું અભિયાન આટલેથી જ અટકવાનું નથી. ઈસરો ચંદ્ર પછી હવે સૂર્ય, મંગળ અને શુક્ર ગ્રહનો અભ્યાસ કરવા માટે પણ આગામી વર્ષોમાં યાન છોડવાની તૈયારી કરી રહ્યું છે. આટલું જ નહીં, ઈસરો 'ગગનયાન' મિશનમાં માનવને પણ અંતરિક્ષમાં મોકલવાની તૈયારી કરી રહ્યું છે. ઈસરો ગગનયાનમાં બે પુરુષ અને એક મહિલાને અંતરિક્ષમાં મોકલવા માગે છે. આવો જાણીએ ઈસરોના આગામી ખગોળીય મિશનો વિશે....
 

ચંદ્રયાન-2 (જુલાઈ-2019)

1/8
image

ઈસરોએ ચંદ્રયાન-2 તાજેતરમાં જ સફળતાપૂર્વક લોન્ચ કર્યું છે. ચંદ્રયાન-2 લોન્ચ કરવાની સાથે જ ઈસરોએ પોતાના ક્રાયોજેનિક એન્જિન ધરાવતા શક્તિશાળી રોકેટ GSLV Mark IIIની તાકાત પણ દુનિયાને દેખાડી દીધી છે. ચંદ્રયાન-2ની સફળતાની સાથે જ અમેરિકા, રશિયા અને ચીન પછી ભારત વિશ્વનો ચોથો દેશ બની ગયો છે, જેણે ચંદ્ર સુધીના ખગોળિય અભિયાન પાર પાડ્યા હોય. આ અગાઉ ઈસરોએ ચંદ્રયાન-1 પણ સફળતાપૂર્વક છોડ્યું હતું. ચંદ્રયાન-1નો એક વર્ષ પછી ધરતી સાથેનો સંપર્ક તુટી ગયો છે. ચંદ્રયાન-2 સાથે ભારતે 3 યાન છોડ્યા છે, જેમાંથી ઓર્બિટર એક વર્ષ સુધી ચંદ્રની પ્રદક્ષિણા કરશે, જ્યારે વિક્રમ લેન્ડર અને પ્રજ્ઞાન રોવર ચંદ્રના દક્ષિણ ધ્રૂવ પર ઉતરીને ચંદ્રની સપાટી, માટી, ચંદ્ર પર રહેલા ખનિજો, ચંદ્રના વાતાવરણ, પાણી અને વાતાવરણનો અભ્યાસ કરશે. આ બે યાનનો કાર્યકાળ એક ચંદ્ર દિવસ (પૃથ્વીના 14 દિવસ)નો રહેશે. ઈસરો પ્રથમ વખત દક્ષિણ ધ્રુવ પર ચંદ્રયાન-2 ઉતારી રહ્યું છે, જ્યાં હજુ સુધી દુનિયાના એક પણ દેશે પગ મુક્યો નથી. (ચંદ્રયાન-2ની ફાઈલ તસવીર)  

આદિત્ય એલ-1 મિશન (2019-2020)

2/8
image

ઈસરો સૂર્યના આભામંડળ અને સૂર્યના વાતાવરણનો અભ્યાસ કરવા માટે 'આદિત્ય એલ-1' (Aditya-L1) મિશન તૈયાર કર્યું છે. વર્ષ 2019ના અંતમાં કે પછી આગામી વર્ષ 2020માં ઈસરો PSLV રોકેડની મદદથી શ્રીહરીકોટા ખાતેથી આદિત્ય એલ-1 યાનને છોડવા માગે છે. સૂર્યનું આભામંડળ એ સૂર્યનો બહારનો ભાગ છે, જે સૂર્યથી હજારો કિમી દૂર સુધી ફેલાયેલો છે. સૂર્યના આભામંડળનું તાપમાન સૂર્યની સપાટી પર રહેલા તાપમાન (6000 ડિગ્રી કેલ્વીન) કરતાં પણ લાખો ડિગ્રી કેલ્વીન વધુ હોય છે. અત્યારે નાસાનું 'Parker' યાન સૂર્યના આ આભામંડળનો અભ્યાસ કરી રહ્યું છે. સર્યના આ આભામંડળની રચનાથી દુનિયાના વૈજ્ઞાનિકો હજુ સુધી અજાણ છે. (આદિત્ય એલ1ની આકૃતિનો ફાઈલ ફોટો)

ચંદ્રયાન-3 (2020ના અંતમાં)

3/8
image

ઈસરોએ ચંદ્રયાન-2 સફળતાપૂર્વક લોન્ચ કરી દીધું છે, પરંતુ ચંદ્રનું ખેડાણ તે હજુ પણ ચાલુ રાખવા માગે છે. એટલા માટે જ ચંદ્રયાન-2ના લોન્ચિંગ પછી ઈસરોના ચેરમેન કે.સિવને જણાવ્યું હતું કે, ઈસરો નજીકના વર્ષોમાં જ ચંદ્રયાન-3 પણ રવાના કરશે. ઈસરો 2020ના અંતમાં ચંદ્રયાન-3 છોડવા માગે છે. ચંદ્રયાન-3માં ઈસરો ભારતીય રોબોટને ચંદ્રની ધરતી પર ઉતારવા માગે છે. (પ્રતિકાત્મક ફાઈલ ફોટો)

ગગનયાન મિશન (ડીસેમ્બર 2021-જાન્યુઆરી 2022)

4/8
image

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ 2018માં સ્વતંત્રતા દિવસના સંબોધનમાં જાહેરાત કરી હતી કે ભારત 'ગગનયાન' દ્વારા અંતરિક્ષમાં માનવ મોકલશે. આ મિશન રૂ.10,000 કરોડનું છે અને ભારતનું અત્યાર સુધીનું સૌથી મોટું અંતરિક્ષ મિશન છે. ઈસરો ગગનયાનમાં બે પુરુષ અને એક મહિલાને અંતરિક્ષમાં મોકલવા માગે છે, જે આ મિશનની સૌથી મોટી વિશેષતા છે. ઈસરોએ અત્યારે અંતરિક્ષયાનમાં અંદરના તાપમાનને નિયંત્રણમાં રાખવાની સિસ્ટમ વિકસાવી લીધી છે અને તેનું સફળ પરીક્ષણ પણ કરી લીધું છે. ઈસરો સૌથી પહેલા ડિસેમ્બર 2020માં પહેલું માનવરહીત યાન છોડશે અને 2021માં બીજું માનવરહીત અંતરિક્ષયાન છોડશે. આ પરીક્ષણ સફળ થઈ ગયા પછી ડિસેમ્બર, 2021માં ઈસરો સમાનવ અંતરિક્ષ યાન છોડશે. (ઈસરોએ બનાવેલા ગગનયાનની ફાઈલ તસવીર)

મંગલયાન-2 (2022-2023)

5/8
image

મંગળ ગ્રહના અભ્યાસ માટેનું ભારતનું બીજું મિશન 'Mars Orbiter-2' (મંગલયાન-2) છે, જેને ઈસરો 2022 અને 2023 દરમિયાન અમલમાં લાવશે. ઈસરો મંગળયાન-2માં પણ ચંદ્રયાન-2ની જેમ મંગળની ધતી પર ઓર્બીટર, લેન્ડર અને રોવર ઉતારવા માગે છે. આ રીતે ઈસરો મંગળની ધરતીના અત્યાર સુધી વણખેડાયેલા ભાગનો અભ્યાસ કરશે. (મંગળ ગ્રહની પ્રતિકાત્મક તસવીર)

શુક્રયાન (2023-2025)

6/8
image

આપણો પડોશી ગ્રહ 'શુક્ર' હંમેશાં પૃથ્વીને 'ટ્વીન સિસ્ટર' તરીકે ઓળખાવાયો છે, કેમ કે શુક્ર ગ્રહનો આકાર, ઘનતા, રચના અને ગુરુત્વાકર્ષણ બળ બિલકુલ પૃથ્વી જેવું જ છે. એવું કહેવાય છે કે, પૃથ્વી અને શુક્ર ગ્રહની રચના લગભગ એક સાથે 4.5 બિલિયન વર્ષ પહેલા થઈ હતી. શુક્ર ગ્રહ પૃથ્વીની સરખામણીએ સૂર્યની 30 ટકા વધુ નજીક હોવાના કારણે ત્યાં સૂર્યના કિરણોની વધુ અસર થાય છે. એટલા માટે જ ઈસરો તેનો અભ્યાસ કરવા માગે છે. શુક્ર ગ્રહ કાર્બન ડાયોક્સાઈડથી બનેલો છે અને ઈસરો શુક્ર ગ્રહના વાતાવરણનો અભ્યાસ કરવા માટે ઓર્બીટર મિશન છોડવા માગે છે. જોકે, શુક્રયાન-1 માટેના પેલોન્ડ અને યાનની સંરચનાની ડિઝાઈન કરવાની બાકી છે, પરંતુ ઈસરો તેની તૈયારી કરી રહ્યું છે. (શુક્ર ગ્રહની પ્રતિકાત્મક તસવીર)

EXPOSat Planetary Exploration (બ્રહ્માંડનો અભ્યાસ- 2020ના અંતમાં)

7/8
image

ઈસરો તેના AstroSAT મિશન પછી બ્રહ્માંડના અભ્યાસ માટે બીજા EXPOSat મિશનની તૈયારી કરી રહ્યું છે. ઈસરો બ્રહ્માંડના X-Ray (ક્ષ કિરણો)ના અભ્યાસમાં AstroSAT દ્વારા મળેલી સફળતાથી ઘણું જ ઉત્સાહિત છે. આ કારણે જ તેણે બ્રહ્માંડમાં રહેલા ક્ષ-કિરણોના વધુ અભ્યાસ માટે EXPOSat મિશન બનાવ્યું છે. (ઈસરોના AstroSAT યાનની ફાઈલ તસવીર)

ભારતનું પોતાનું અંતરિક્ષ સ્ટેશન (2023)

8/8
image

ઈસરોનો સૌથી મોટો અને સૌથી મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ અંતરિક્ષમાં ભારતનું પોતાનું 'અંતરિક્ષ સ્ટેશન' સ્થાપવાનો છે. અત્યારે અંતરિક્ષમાં આંતરરાષ્ટ્રીય અંતરિક્ષ સ્ટેશન (ISS) કાર્યરત છે, પરંતુ 2028માં તેનો કાર્યકાળ સમાપ્ત થઈ જવાનો છે. ભારતના પ્રસ્તાવિત અંતરિક્ષ સ્ટેશનનું વજન 15-20 ટન હશે અને તેના ઉપર માનવી 15-20 દિવસ સુધી રહી શકશે. ભારતીય અંતરિક્ષ સ્ટેશનમાં 'માઈક્રોગ્રેવિટી પરીક્ષણો' કરી શકાશે. (ફાઈલ ફોટો)