તમારી ધારણા કરતા સડસડાટ દોડશે આ ટ્રેન! વિચાર કરશો એટલી વારમાં અમદાવાદથી આબુ પહોંચી જશો
India's first Hyperloop train : સફર બનશે વધુ સરળ... અમદાવાદથી રાજકોટ 20 મિનિટમાં પહોંચાશે... 30 મિનિટમાં 350 કિમીનું અંતર કપાશે... રેલવે મંત્રીએ શેર કર્યો અદભૂત વીડિયો... હાઈપરલૂપ ટેકનોલોજી બનશે વરદાન... ભારતનો પહેલો હાઈપરલૂપ ટેસ્ટ ટ્રેક તૈયાર
અમદાવાદથી રાજકોટ માત્ર 20 મિનિટમાં પહોંચી શકાશે... અમદાવાદથી માઉન્ટ આબુ 20 મિનિટમાં પહોંચાશે... અમદાવાદથી જૂનાગઢ 30 મિનિટમાં પહોંચાશેઆવું શક્ય બનશે... કેમ કે ભારતમાં બુલેટ ટ્રેનની સાથે સાથે એવી સુવિધા ઉભી કરવામાં આવી રહી છે. જેની મદદથી 350 કિલોમીટરનું અંતર 30 મિનિટમાં કપાઈ જશે. ત્યારે કઈ રીતે આ શક્ય બનશે? હાઈપરલૂપ ટ્રેક કઈ રીતે ભારત માટે મહત્વનો સાબિત થશે?... જોઈશું આ અહેવાલમાં
શું આ શક્ય છે ખરું? જી હા, આ બિલકુલ શક્ય બનવાનું છે અને તે પણ આગામી સમયમાં. કેમ કે ભારત બુલેટ ટ્રેનની સાથે સાથે હવે હાઈપરલૂપ ટ્રેકને પણ વિકસાવી રહ્યું છે. હાઈપરલૂપ એક હાઈ સ્પીડ ટ્રેન છે જે ટ્યૂબની અંદર ચાલશે. તે 30 મિનિટમાં 350 કિલોમીટરનું અંતર કાપશે.
હાઈપરલૂપ ટ્રેકને લઈને કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર વીડિયો પોસ્ટ શેર કર્યો. જેમાં તેમણે લખ્યું કે, ભારતનો પહેલો હાઈપરલૂપ ટેસ્ટ ટ્રેક. જેની લંબાઈ 410 મીટર છે. ટીમ રેલવે અને IIT મદ્રાસને તેના માટે ધન્યવાદ.
આ પોસ્ટમાં કેન્દ્રીય મંત્રીએ હાઈપરલૂપ ટ્રેકની ઝલક પણ બતાવી. ટેસ્ટ ટ્રેક ભારતની હાઈ સ્પીડ ટ્રાન્સપોર્ટેશનની દિશામાં મોટું પગલું સાબિત થશે. જે દેશને હાઈપરલૂપ ટેકનોલોજીના ક્ષેત્રમાં વૈશ્વિક સ્તરે નવી ઓળખ અપાવવા માટે સક્ષમ સાબિત થશે.
હવે તમારા મનમાં સવાલ થતો હશે કે આ હાઈપરલૂપ ટ્રેક શું છે? સરળ શબ્દોમાં સમજવાનો પ્રયાસ કરીએ. હાઈપરલૂપને ભવિષ્યની ટેકનોલોજી કહેવામાં આવે છે. આ એક હાઈસ્પીડ ટ્રેન છે જે ટ્યૂબ વેક્યુમમાં ચાલે છે. વિશિષ્ટ કેપ્સ્યુલ અતિ ઝડપી મુસાફરી કરવાની સંભાવના પૂરી પાડે છે. ટ્રેનની મહત્તમ સ્પીડ પ્રતિ કલાક 1000 કિમી સુધી થઈ શકે છે. આ કન્સેપ્ટ દુનિયાની સૌથી ઝડપી મેગ્નેટિક લેવિટેશન ટ્રેન પર આધારિત છે. એલન મસ્કે પહેલીવાર 2013માં દુનિયાની સામે આઈડિયા રજૂ કર્યો. આ કેપ્સ્યુલના પોડમાં એકસમયે 24થી 28 લોકો બેસી શકશે. આ ટ્રેન છેલ્લાં સ્ટેશન પર જઈને જ રોકાશે. યુરોપમાં સૌથી લાંબો હાઈપરલૂપ ટેસ્ટ ટ્રેક ખૂલી ગયો છે.
ભારતમાં પણ આ ટેકનોલોજી વિકસાવવામાં આવી રહી છે. જેના માટે IIT મદ્રાસની આવિષ્કાર હાઈપરલૂપ ટીમ, રેલવે અને TUTR હાઈપરલૂપ સ્ટાર્ટઅપની ભાગીદારીમાં બનાવવામાં આવ્યો છે. આ ટ્રેક 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે શરૂ કરવામાં આવ્યો હતો અને આગામી પરીક્ષણમાં તેમાં 600 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પરીક્ષણ કરવામાં આવશે.
ભારત માટે હાઈપરલૂપ ટેકનોલોજી ખૂબ મહત્વની છે. કેમ કે ભારતમાં દરરોજ લાખો લોકો નોકરી માટે કે પ્રવાસ માટે ટ્રેનનો ઉપયોગ કરે છે. તે સ્થિતિમાં હાઈપરલૂપના કારણે તેમનો કિંમતી સમય બચી જશે. આ સિવાય તે પર્યાવરણને અનુકૂળ અને આર્થિક માધ્યમ પણ સાબિત થઈ શકે છે. પરિવહન તરીકે તેના ઉપયોગથી રોજગારીની તકો ઉભી થઈ શકે છે. ભારતના લોકો માટે આ ટેકનોલોજી વરદાન સાબિત થઈ શકે છે.
હાલ વિશ્વના ઘણા દેશોમાં હાઈપરલૂપ ટેકનોલોજીનો ઉપયોગ થઈ રહ્યો છે. યુરોપમાં સૌથી લાાંબો હાઈપરલૂપ ટેસ્ટ ટ્રેક ખૂલી ગયો છે અને 2050 સુધીમાં યુરોપની આજુબાજુ કુલ 10,000 કિલોમીટર લાંબુ નેટવર્ક ઉભું થઈ જશે. જે તે વિસ્તારના લોકો માટે આશીર્વાદરૂપ સાબિત થશે.
Trending Photos