સરદારની વિરાટ પ્રતિમા બનાવવી મૂર્તિકાર રામ સુતાર માટે કેટલું ચેલેન્જિંગ હતું?

સરદારના સ્મારકમાં દિલ્હીના સેક્ટર 63નું ઘણું મહત્ત્વ રહેલું છે. આ સ્થળ પર દુનિયાભરના મહાનુભાવોની આદમકદની પ્રતિમાઓ બની છે. જેને ઘડે છે ભારતના જાણીતા મૂર્તિકાર પદ્મ વિજેતા રામ સુતાર. હવે તે તેમની સાથે તેમનો દીકરો અનિલ સુતાર પણ જોડાયો છે. સરદાર સરોવર ડેમથી અંદાજે 3 કિલોમીટર દૂર સરદાર પટેલની 182 મીટરની દુનિયાની સૌથી ઊંચી પ્રતિમાને સ્વરૂપ આપનાર મૂર્તિકાર રામ સુતારના જેટલા વખાણ કરો તેટલા ઓછા છે. લોકો 31 ઓક્ટોબરની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, જ્યારે સરદારનું આ સ્મારક ખુલ્લુ મૂકાશે. આ દિવસે સરદાર પટેલના જન્મદિવસ હોવાથી ગુજરાતમાં આ અનોખી ધરોહરને રાષ્ટ્રને સમર્પિત કરવામાં આવશે. 93 વર્ષના આ મૂર્તિકાર માટે સરદાર પટેલની આ મૂર્તિ બનાવવી બહુ જ ચેલેન્જિંગ હતું. જેમાં તેમને સાથ આપ્યો તેમના પુત્ર અનિલ સુતારે...
 

1/6
image

રામ સુતાર છેલ્લાં 4 વર્ષોથી સ્ટેચ્યુ ઓફ યુનિટીના કામમાં લાગી ગયા છે. રામ સુતાર માટે આ પ્રતિમા બનાવવી સૌથી વધુ ચેલેન્જિંગ એટલા માટે હતું કે, સરદાર પટેલની પ્રતિમામાં તેમની લોખંડી પુરષની ઈમેજ ઝળકાઈ આવવી જોઈએ. સરદારની મૂર્તિ માટે તેમણે પહેલા જે મોડલ બનાવ્યું હતું, તેમાં બાદમાં કેટલાક ફેરફાર કરવામાં આવ્યા હતા. મૂળ મોડલમાં આગળ-પાછળ પગ હતા, જ્યારે કે સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં બંને પગ એકસાથે છે. ચહેરાની ઊંચાઈ અંદાજે 70 ફૂટ છે. બંને ખભાની પહોળાઈ 140 ફૂટ છે. પ્રતિમા સાત હિસ્સામાં બનાવાઈ હતી, ત્યાર બાદ તેને ગુજરાત લઈ જઈને સ્થાપિત કરાઈ હતી.  

2/6
image

તેમના પુત્ર અનિલ સુતારે કહ્યું કે, સ્ટેચ્યૂને ડિઝાઇન કરતી વખતે એ બાબતનું ખાસ ધ્યાન રાખવાનું હતું કે 182 મીટરની પ્રતિમા 'દૂરથી કેવી દેખાશે? 182 મીટરની મૂર્તિ એ માત્ર દુનિયાની સૌથી ઊંચી મૂર્તિ જ નથી, પરંતુ તેને ઈતિહાસ, શિક્ષણ સાથે પણ જોડવાનું હતું. દેશભરમાં આવેલા સરદારના ઢગલાબંધ સ્ટેચ્યુનો અભ્યાસ કર્યા બાદ આ સ્ટેચ્યુની ડિઝાઈન બનાવી હતી. 

3/6
image

સરદારની મૂર્તિમાં એક્સપ્રેશન્સ, પોશ્ચર અને ડિગ્નીટી રજૂ કરતો તેમનો પોઝ, કોન્ફિડન્સ અને લોખંડી ઈમેજ આ બધુ જ ભેગુ કરવાનું હતું. તેમ છતાં તેમના સ્ટેચ્યુમાં તેમનો ઉદારશીલ સ્વભાવ પણ બતાવવાનો હતો. મૂર્તિકાર પિતા-પુત્રએ 2013થી 2018ની વચ્ચે 10 વાર ચીનની મુલાકાત લીધી, જ્યાં મૂર્તિના ભાગ બની રહ્યા હતા. મૂર્તિમાં સેન્ડલનો આકાર, ચહેરા પરની કરચલીઓ, શાલ ઓઢવાની રીત અને નખને બતાવવા બહુ જ જટિલ હતું. જડબુ, આંખો-કાન, રેટીનાની સાઈઝ, આંખની ભંવર વગેરે માટે તેમણે માત્ર ખભા અને માથાની થર્મોકોલની વિશાળ રેપ્લિકા બનાવી હતી.   

4/6
image

કલા અને મૂર્તિઓ સાથેનો રામ સુતારનો નાતો 65 વર્ષ જૂનો છે. રામ સુતારનો જન્મ ૧૯ ફેબ્રુઆરી, ૧૯૨૫ના દિવસે મહારાષ્ટ્રના ધુળે જિલ્લાના ગોંદુર ગામમાં થયો હતો. પરિવાર આર્થિક રીતે શ્રીમંત ન હોવાને કારણે બાળપણ સંઘર્ષમાં વીત્યું. જોકે, બાળક રામમાં રહેલી આવડત શ્રીરામ કૃષ્ણ જોશી (જે પછી એમના ગુરુજી બન્યા)ના ધ્યાનમાં આવી અને તેમણે તરુણ વયના રામને મુબઇની જે. જે. કૉલેજ ઑફ આર્ટ્સમાં જોડાવા માટે પ્રોત્સાહિત કર્યો. ગુરુએ ચીંધેલો મારગ કેટલો યોગ્ય હતો એની પ્રતીતિ બહુ જલદી થઇ ગઇ, કારણ કે અહીંના અભ્યાસ દરમિયાન રામ સુતારની પ્રતિભા ખીલવા લાગી અને આ હોનહાર વિદ્યાર્થી કાયમ ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ જ આવ્યો. ૧૯૫૩માં કોર્સ પૂરો થયો ત્યારે તેમને પ્રતિષ્ઠિત ગણાતા મેયો ગોલ્ડ મેડલથી સન્માનિત કરવામાં આવ્યા. 

5/6
image

સફળતા વિશે તેઓ માને છે કે, હું કોઈ શિખર પર પહોંચી જવાને સફળતા નથી માનતો. મારા માટે સફળતાનો અર્થ છે કામ કરતા જાઓ અને ખુશ રહો. બહુ પાછળ અને બહુ આગળ પણ ન જોવું જોઈએ. વર્તમાનમાં પૂરતા સન્માન સાથે કામ કરવું જોઈએ. એક સમયે તમે ખુદ અનુભવશો કે, તમે બહુ જ આગળ નીકળી ચૂક્યા છે. 

6/6
image

બ્રોન્ઝની જેટલી પણ પ્રતિમાઓ હોય છે, તેમાં 85 ટકા કોપર, 5 ટકા ઝિંક, 5 ટકા ટિન અને 5 ટકા લેડ હોય છે. આ મિશ્રણથી તૈયાર થતી પ્રતિમાઓને હજારો વર્ષો સુધી પણ કાટ લાગતો નથી.