વનડેમાં ભારત માટે સૌથી ઝડપી અડધી સદી ફટકારનાર પાંચ બેટ્સમેન

ભારતીય ક્રિકેટ ટીમ હંમેશા પોતાના બેટ્સમેનો માટે જાણીતી રહી છે. ટીમની પાસે સારા બોલરો પણ છે પરંતુ બેટ્સમેનોને વધુ મહત્વ આપવામાં આવે છે. ઘણા ભારતીય બેટ્સમેનોએ પોતાના પ્રદર્શનથી અલગ ઓળખ બનાવી છે. વનડે ક્રિકેટમાં ભારતીય બેટ્સમેનો ઝડપથી રન બનાવવા માટે સક્ષમ છે. ભારતે વિશ્વને ઘણા સારા બેટ્સમેનો આપ્યા છે. આજે અમે તમને ભારત તરફથી વનડે ક્રિકેટમાં સૌથી ઝડપી અડધી સદી ફટકારનાર પાંચ બેટ્સમેનો વિશે જણાવીએ છીએ. 
 

અજીત અગરકર (21 બોલ)

1/5
image

ભારત તરફથી વનડે મેચોમાં સૌથી ઝડપી અડધી સદી ફટકારવાનો રેકોર્ડ અજીત અગરકરના નામે નોંધાયેલો છે. તેણે 2000માં રાજકોટમાં ઝિમ્બાબ્વે વિરુદ્ધ 21 બોલમાં અડધી સદી બનાવી હતી. ભારતે આ મેચ 39 રનથી પોતાના નામે કરી હતી. અગરકરે 25 બોલમાં 67 રન બનાવ્યા હતા. અગરકર ભારતીય ટીમમાં બોલર તરીકે રમતો હતો પરંતુ જ્યારે પણ તક મળતી તે સારી બેટિંગ કરી શકતો હતો. 

કપિલ દેવ (22 બોલ)

2/5
image

ભારત માટે વનડે મેચોમાં પ્રથમ સદી ફટકારનાર કપિલ દેવના નામે પણ 22 બોલમાં અડધી સદીનો રેકોર્ડ છે. તેમણે 1983માં વેસ્ટઈન્ડિઝના પ્રવાસ પર માઇકલ હોલ્ડિંગ, એન્ડી રોબર્ટ્સ, મૈલકમ માર્શલ જેવા બોલરોની સામે આ ઈનિંગ રમી હતી. આ મેચમાં તેણે 38 બોલમાં 72 રન બનાવ્યા હતા. ભારતે આ મેચ 27 રનથી કબજે કરી હતી. 

વીરેન્દ્ર સહેવાગ (22 બોલ)

3/5
image

ભારતીય ટીમના પૂર્વ વિસ્ફોટક બેટ્સમેન વીરેન્દ્ર સહેવાગે પણ વનડેમાં 22 બોલમાં અડધી સદી ફટકારી છે. તેણે કેન્યા વિરુદ્ધ 2001માં આ ઈનિંગ રમી હતી. આ મેચમાં ભારતનો 186 રને વિજય થયો હતો. 23 બોલમાં 55 રનની ઈનિંગમાં વીરૂએ 7 ફોર અને 3 સિક્સ ફટકારી હતી. વીરૂ ભારત માટે શરૂઆતથી જ આક્રમક રમતો હતો અને તે ઈનિંગની શરૂઆત પણ બાઉન્ડ્રીથી કરતો હતો. 

રાહુલ દ્રવિડ (22 બોલ)

4/5
image

પૂર્વ ભારતીય કેપ્ટન અને ધ વોલના નામથી જાણીતા રાહુલ દ્રવિડ પોતાની ધૈર્યપૂર્ણ બેટિંગ માટે જાણીતો હતો. તેમ છતાં દ્રવિડે ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ 2003માં હૈદરાબાદમાં 22 બોલ પર અડધી સદી ફટકારી હતી. ભારતે આ મેચ 145 રનથી પોતાના નામે કર્યો હતો. દ્રવિડે પોતાની ઈનિંગમાં 5 ફોર અને 3 સિક્સ ફટકારી હતી. 

યુવરાજ સિંહ (22 બોલ)

5/5
image

ભારતીય ટીમના દિગ્ગજ ઓલરાઉન્ડર ખેલાડી યુવરાજ સિંહે વનડે મેચોમાં 22 બોલમાં અડધી સદી ફટકારી છે. તેણે બાંગ્લાદેશ વિરુદ્ધ 2004માં 22 બોલમાં અડધી સદી બનાવી હતી. આ મેચમાં યુવીએ 32 બોલમાં 69 રન ફટકાર્યા હતા. ભારતે આ મેચ 91 રનથી પોતાના નામે કરી હતી. મહત્વનું છે કે, યુવરાજ સિંહના નામે ટી20 ક્રિકેટમાં સૌથી ઝડપી અડધી સદીનો વિશ્વ રેકોર્ડ છે.