ભારતીય સૈનિકો પણ આ મંદિરની દૈવી શક્તિને માને છે, જ્યાં ઝીંકાયા હતા પાકિસ્તાનના 450 બોમ્બ
નવી દિલ્હી
આપણા દેશમાં અનેકવાર દૈવી શક્તિનો પરચો જોવા મળ્યો છે. આવો જ એક અદભૂત કિસ્સો છે રાજસ્થાનમાં આવેલ તનોટ માતાનું મંદિર. જેસલમેરમાં આવેલ આ મંદિરની ચમત્કારિક શક્તિ ખૂદ ભારતીય આર્મીએ 1965ના વર્ષે પણ જોઈ લીધી છે. જેસલમેર જિલ્લામા પાકિસ્તાન બોર્ડર પાસે તનોટ માતાનું મંદિર આવેલુ છે, જે આવડ માતાના મંદિર તરીકે પણ પ્રખ્યાત છે.
હિંગળાજ માતાનો અવતાર માનવામાં આવતા તનોટ માતાના મંદિરને ચમત્કારી માનવામાં આવે છે. કહેવાય છે કે 1965માં ભારત પાકિસ્તાનના યુદ્ધ દરમ્યાન તનોટ પર પાકિસ્તાનના લગભગ ૩૦૦૦ બોમ્બ ફેંકાયા હતા. પરંતુ મંદિર અને ગામને આંચ પણ નહોતી આવી. કહેવાય છે કે એ ૩૦૦૦માંથી ૪૫૦ બોમ્બ મંદિરના પરિસરમાં પડયા હતા, પરંતુ તેમાંથી એક પણ બોમ્બ ફાટયો નહોતો. હાલ આ બધા બોમ્બ મંદિરના પરિસરમાં બનાવવામાં આવેલા સંગ્રહાલયમાં મૂકવામાં આવ્યા છે.
1965ના યુદ્ધ પછી તનોટ માતાના મંદિરની જવાબદારી બીએસએફના તંત્રે સ્વીકારી હતી. મંદિરના પરિસરમાં બીએસએફની ચોકી પણ છે. બીએસએફના જવાનોને તનોટ માતામાં અખૂટ શ્રદ્ધા ધરાવે છે. 1971ની લડાઇ દરમિયાન મંદિરની નજીકના લોંગેવાલામાં પાકિસ્તાનની ટેન્ક રેજિમેન્ટ સામે ભારતીય સૈનિકોના વિજય બાદ મંદિર-પરિસરમાં વિજય સ્તંભ પણ બાંધવામાં આવ્યો છે. એ લડાઇમાં શહીદ સૈનિકોની યાદમાં દર વર્ષે 16 ડિસેમ્બરે ત્યાં ઉત્સવ પણ ઊજવવામાં આવે છે.
મંદિરનો કાર્યભાળ સીમા સુરક્ષા દળના એક ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે. દર વર્ષે અશ્વિન અને ચૈત્ર નવરાત્રિમાં અહીં ભવ્ય મેળાનું આયોજન કરવામા આવે છે.
હિંગળાજ માતાનો અવતાર માનવામાં આવતાં તનોટ માતાને આવડ માતાના નામે પણ ઓળખવામાં આવે છે. તનોટ માતાના ઇતિહાસ બાબતે મંદિરના પૂજારીએ જણાવ્યું હતું કે, લગભગ ૧૨૦૦ વર્ષ પહેલાં મામડિયા નામના નિઃસંતાન ચારણે સંતાન પ્રાપ્તિની પ્રાર્થના સાથે હિંગળાજ શકિતપીઠની સાત વખત પગપાળા યાત્રા કરી હતી. પછી હિંગળાજ દેવીએ તેમના સપનામાં આવીને તેમની ઇચ્છા પૂછી હતી. ત્યારે ચારણે દેવીને પોતાના ઘરે જન્મ લેવાની ઈચ્છા પ્રકટ કરી હતી. ત્યાર પછી મામડિયાના ઘરે સાત દીકરીઓ અને એક દીકરાનો જન્મ થયો હતો. એ સાત દીકરીઓમાં એકનું નામ આવડ હતું. કહેવાય છે કે સાતેય દીકરીઓ ચમત્કારી હતી અને એ સાત કન્યાઓએ હુણ પ્રજાના આક્રમણથી માડ પ્રદેશનું રક્ષણ કર્યું હતું.
Trending Photos