Uttarakhand: ત્રિવેન્દ્ર સિંહ રાવતે ખુરશી છોડી, ઉત્તરાખંડમાં ભાજપના કોઈ મુખ્યમંત્રી 5 વર્ષ ટકી શક્યા નહીં

ઉત્તરાખંડમાં ભાજપના અનેક ધારાસભ્યોની નારાજગીના કારણે મુખ્યમંત્રી ત્રિવેન્દ્ર સિંહ રાવતે મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી દીધું છે. ઉત્તરાખંડના રાજકીય ઈતિહાસમાં નારાયણ દત્ત તિવારીને છોડી દઈએ તો કોંગ્રેસ અને ભાજપના કોઈપણ મુખ્યમંત્રી પોતાનો પાંચ વર્ષનો કાર્યકાળ પૂરો કરી શક્યા નથી.
 

Uttarakhand: ત્રિવેન્દ્ર સિંહ રાવતે ખુરશી છોડી, ઉત્તરાખંડમાં ભાજપના કોઈ મુખ્યમંત્રી 5 વર્ષ ટકી શક્યા નહીં

1. ઉત્તરાખંડના રાજકારણમાં ચૂંટણી પહેલાં ગરમાવો

2. ભાજપના કોઈ મુખ્યમંત્રી 5 વર્ષ ટકી શક્યા નહીં

3. નારાયણ દત્ત તિવારી 5 વર્ષ રહ્યા હતા મુખ્યમંત્રી

નવી દિલ્હીઃ ઉત્તરાખંડમાં વિધાનસભાની ચૂંટણી તો આવતા વર્ષે થવાની છે. પરંતુ તેની પહેલા રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. ભાજપના કેન્દ્રીય નેતૃત્વે મુખ્યમંત્રી ત્રિવેન્દ્ર સિંહ રાવતને અચાનક દિલ્લી બોલાવીને રાજકારણની ધડકન વધારી દીધી હતી. જોકે ભાજપના અનેક ધારાસભ્યોની નારાજગીના કારણે મુખ્યમંત્રી ત્રિવેન્દ્ર સિંહ રાવતે પદ પરથી રાજીનામું આપી દીધું છે. જેના કારણે એક ઈતિહાસ સર્જાતા રહી ગયો છે. કેમ કે ઉત્તરાખંડના રાજકીય ઈતિહાસમાં નારાયણ દત્ત તિવારીને છોડી દઈએ તો કોંગ્રેસ અને ભાજપના કોઈપણ મુખ્યમંત્રી પોતાનો પાંચ વર્ષનો કાર્યકાળ પૂરો કરી શક્યા નથી.

વર્ષ 2000માં ઉત્તરાખંડ રાજ્ય બન્યું:
ઉત્તરાખંડનો રાજકીય મિજાજ જ અસ્થિરતાવાળો રહ્યો છે. રાજ્યની સત્તામાં ભાજપ ત્રીજી વખત બિરાજમાન છે. પરંતુ પાર્ટીનો એકપણ મુખ્યમંત્રી પાંચ વર્ષ સુધી ખુરશી સંભાળી શક્યો નથી. તત્કાલીન પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીની સરકારમાં વર્ષ 2000માં ઉત્તરાખંડ રાજ્યનું સપનું સાકાર થયું હતું. ઉત્તર પ્રદેશથી અલગ થઈને બનેલા ઉત્તરાખંડમાં ભાજપની સરકાર બની અને બે વર્ષમાં બે મુખ્યમંત્રી બન્યા.

પહેલા મુખ્યમંત્રી 1 વર્ષ પણ ન ટક્યા:
ઉત્તરાખંડના પહેલા મુખ્યમંત્રી તરીકે ભાજપના નેતા નિત્યાનંદ સ્વામીએ 9 સપ્ટેમ્બર 2000માં શપથ લીધા હતા. પરંતુ  એક વર્ષ પણ તે ખુરશી સંભાળી શક્યા ન હતા. નિત્યાનંદ સામે ભાજપના નેતાઓઓ મોરચો ખોલી નાંખ્યો. જેના પછી 29 ઓક્ટોબર 2001માં તેમણે મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી દીધું હતું. નિત્યાનંદના રાજીનામા પછી બીજેપીએ પોતાના દિગ્ગજ નેતા ભગત સિંહ કોશ્યારીને વિધાયક દળના નેતા તરીકે પસંદ કર્યા.

બીજા મુખ્યમંત્રી 123 દિવસ જ સીએમ રહ્યા:
ભગત સિંહ કોશ્યારીએ નિત્યાનંદના રાજીનામા પછી બીજા દિવસે એટલે કે 30 ઓક્ટોબર 2001ના રોજ ઉત્તરાખંડના બીજા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. તે પણ મુખ્યમંત્રીની ખુરશી પર 1 માર્ચ 2002 સુધી જ બેસી શક્યા. કેમ કે ઉત્તરાખંડમાં વર્ષ 2002માં વિધાનસભાની ચૂંટણી થઈ હતી. જે બીજેપી કોશ્યારીના આગેવાનીમાં લડી હતી. આ ચૂંટણી ભાજપ માટે મોંઘી પડી અને પાર્ટીને હારનો સામનો કરવો પડ્યો. કોંગ્રેસના હાથમાં ઉત્તરાખંડની કમાન આવી. આ પ્રમાણે ભગત સિંહ કોશ્યારી માત્ર 123 દિવસ માટે મુખ્યમંત્રીની ખુરશી પર બેસી શક્યા.

ત્રીજા મુખ્યમંત્રીએ પાંચ વર્ષનો કાર્યકાળ પૂરો કર્યો:
વર્ષ 2002ની વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસની જીત પછી નારાયણ દત્ત તિવારીને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા અને તેમણે પાંચ વર્ષનો કાર્યકાળ પૂરો કર્યો. વર્ષ 2002થી લઈને 2007 સુધી તે મુખ્યમંત્રી રહ્યા. તેના પછી 2007માં થયેલી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસનો કારમા પરાજયનો સામનો કરવો પડ્યો. અને ફરી ભાજપ સત્તામાં આવ્યું. આ રીતે નારાયણ દત્ત તિવારી રાજ્યના એકમાત્ર મુખ્યમંત્રી છે, જેમણે પાંચ વર્ષનો કાર્યકાળ પૂરો કર્યો છે.

ભાજપે 5 વર્ષમાં 3 મુખ્યમંત્રી બદલ્યા:
વર્ષ 2007ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને પૂર્ણ બહુમત મળ્યો. 2007થી 2012ના પાંચ વર્ષના કાર્યકાળમાં બીજેપીએ ઉત્તરાખંડમાં ત્રણ વખત મુખ્યમંત્રી બદલ્યા.

(1). 2007માં સત્તામાં વાપસી થયા પછી ભાજપે 8 માર્ચ 2007ના રોજ ભુવન ચંદ્ર ખંડુરીને મુખ્યમંત્રી બનાવ્યા. પરંતુ તે 23 જૂન 2009 સુધી જ આ પદ પર રહી શક્યા. તેના પછી ભાજપે ખંડૂરીની જગ્યાએ રમેશ પોખરિયાલ નિશંકને સત્તાની કમાન સોંપી.

(2). નિશંકે 24 જૂન 2009માં ઉત્તરાખંડના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. પરંતુ ચૂંટણીના માત્ર 4 મહિનામાં તેમની ખુરશી જતી રહી.

(3). 10 સપ્ટેમ્બર 2011માં નિશંકને હટાવીને ભાજપે ભુવન ચંદ્ર ખંડૂરીને ફરીથી મુખ્યમંત્રી બનાવી દીધા. પરંતુ વર્ષ 2012ની ચૂંટણીમાં તે પાર્ટીની સત્તામાં વાપસી કરાવી શક્યા નહીં. આ પ્રમાણે કોંગ્રેસના હાથે બીજેપીના પરાજય પછી ખંડૂરીએ 13 માર્ચ 2012માં ખુરશી છોડવી પડી.

2012ની વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ પૂર્ણ બહુમત સાથે સત્તામાં આવી. પરંતુ પાંચ વર્ષના કાર્યકાળમાં બે મુખ્યમંત્રી બદલવા પડ્યા.

(1). સૌથી પહેલાં કોંગ્રેસે 13 માર્ચ 2012ના રોજ વિજય બહુગુણાને મુખ્યમંત્રી બનાવ્યા. પરંતુ બે વર્ષ પછી પાર્ટીએ તેમને હટાવી દીધા. અને હરીશ રાવતના હાથમાં સત્તાની કમાન સોંપી.

(2). હરીશ રાવતે 1 ફેબ્રુઆરી 2014ના રોજ મુખ્યમંત્રી પદના શપથ લીધા. પરંતુ તે પોતાના પાર્ટીના લોકો સામે લડતાં રહ્યા. વર્ષ 2016માં કોંગ્રેસ  ધારાસભ્યોના બળવાના કારણે રાષ્ટ્રપતિ શાસન લાગ્યું. જેના કારણે તેમની ખુરશી ચાલી ગઈ. જોકે કોર્ટમાંથી રાહત મળી અને ફરીથી તે સત્તા પર આવ્યા. જોકે 2017ની વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસનો કારમો પરાજય  થયો. જેના કારણે રાવતે મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપવું પડ્યું. 

વર્ષ 2017માં વિધાનસભાની ચૂંટણીમાં બીજેપીને પ્રચંડ બહુમત મળ્યો તો સત્તાની કમાન ત્રિવેન્દ્ર સિંહ રાવતને મળી. ત્રિવેન્દ્ર સિંહે 18 માર્ચ 2017ના રોજ મુખ્યમંત્રી પદના શપથ લીધા. ત્રિવેન્દ્ર રાવત બીજેપીમાં સૌથી લાંબા સમય સુધી સીએમની ખુરશી પર રહેનારા નેતા બની ગયા.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news