અમદાવાદ સહિત દેશ પર તોળાઈ રહ્યું છે 'લાલ ઝેર'નું જોખમ, ખાસ વાંચો અહેવાલ 

નશાની દુનિયામાં દક્ષિણ અમેરિકા અને યુરોપના અનેક દેશોમાં કહેર વર્તાવ્યા બાદ હવે સૌથી ખતરનાક ડ્રગ્સમાંની એક લાલ કોકેન હવે ભારતમાં પ્રવેશી ચૂક્યું છે.

અમદાવાદ સહિત દેશ પર તોળાઈ રહ્યું છે 'લાલ ઝેર'નું જોખમ, ખાસ વાંચો અહેવાલ 

મુંબઈ: નશાની દુનિયામાં દક્ષિણ અમેરિકા અને યુરોપના અનેક દેશોમાં કહેર વર્તાવ્યા બાદ હવે સૌથી ખતરનાક ડ્રગ્સમાંની એક લાલ કોકેન હવે ભારતમાં પ્રવેશી ચૂક્યું છે. કેન્દ્રીય એજન્સી નારકોટિક્સ કંટ્રોલ બ્યુરો અને મુંબઈ પોલીસની એન્ટી નારકોટિક્સ સેલને પોતાના ઈન્ટેલિજન્સ સૂત્રો દ્વારા જાણકારી મળી છે કે નફાખોરી માટે નશાના સોદાગર દેશના યુવાઓની નસોમાં આ નવા ઝેરને ઘોળવા માટે અધીરા થયા છે. એટલું જ નહીં મોડી રાત સુધી ચાલતી પાર્ટીઓમાં યુવાઓને પીરસવા માટે આ ખતરનાક ડ્રગ્સની મોટી ખેપ મુંબઈ, દિલ્હી, બેંગ્લુરુ, ચેન્નાઈ, હૈદરાબાદ, કોલકાતા, અમદાવાદ, ઉદયપુર, અને જયપુર જેવા પ્રમુખ શહેરોમાં પહોંચી ચૂકી છે. 

હવે પોલીસ આ ડ્રગ પેડલરો અને તેના મુખિયાની શોધમાં લાગી છે. આ ડ્રગ્સ એટલા માટે પણ ખતરનાક છે કારણ કે તે કોકેન અને લાલ રંગના એક કેમિકલનું મિશ્રણ છે. કોકેનમાં કેમિકલ ભેળવીને આ ઝેર વધુ ખતરનાક સ્વરૂપ ધારણ કરી લે છે. લાલ રંગના આ કોકેનથી નશો સામાન્ય કોકેન કરતા વધુ થાય છે અને અસર પણ લાંબા સમય સુધી રહે છે. 

જાણકારોના કહેવા મુજબ કોકેનનું સેવન કર્યા બાદ માણસ પોતાને ખુબ જ ફુર્તીલો અને મદમસ્ત મહેસૂસ કરે છે. જ્યારે તેમાં મેળવેલા લાલ રંગના એક ખાસ કેમિકલથી મગજ પર નિયંત્રણ ગુમાવી બેસે છે. જેના કારણે નશા દરમિયાન થયેલી ઘટના હોશમાં આવ્યાં બાદ પણ બિલકુલ યાદ રહેતી નથી. જેટલા સમય સુધી નશાની અસર રહે છે તે સમય તેની મેમરીમાંથી હંમેશા માટે બાદબાકી થઈ જાય છે. 

ડોક્ટરોનું કહેવું છે કે લાંબા સમય સુધી આ ડ્રગ્સનું સેવન કરવાથી માણસને બ્રેઈન હેમરેજનું જોખમ થઈ શકે છે અને જીવલેણ પણ સાબિત થઈ શકે છે. આ એક મોંઘો નશો છે અને નશાના સોદાગર પોતાના કસ્ટમર મેળવવા માટે સામાન્ય રીતે અમીર પરિવારોના નબીરાઓની તલાશમાં રહે છે. સૂત્રોના જણાવ્યાં મુજબ ચપટી જેટલા એક ગ્રામ કોકિનની કિંમત લગભગ 8000થી 10,000 રૂપિયા સુધીની હોય છે. ઈન્ટેલિજન્સ સૂત્રો પાસેથી પોલીસને મળેલી જાણકારી મુજબ નશેડીઓ તેને પોતાની કોડવર્ડની ભાષામાં લાલ મીર્ચ પાઉડર પણ કહે છે. 

આ ડ્રગ સૌથી પહેલા સફેદ કોકેન તરીકે દક્ષિણ અમેરિકાના કોલંબિયા દેશથી આફ્રિકાના દેશોમાં સ્મગલ કરાય છે. અહીં તેમાં લાલ કેમિકલ ભેળવીને એક રેકેટ દ્વારા યુરોપીયન દેશોમાં સ્મગલ કરાય છે જ્યારે બીજુ રેકેટ નેપાળના રસ્તે દિલ્હી અને મુંબઈ પહોંચાડે છે. ત્યારબાદ લાલ કોકેન મુંબઈથી ખાડી દેશોમાં પણ ઉપલબ્ધ કરાવાય છે. જ્યારે બાંગ્લાદેશ અને મ્યાંમાર પહોંચનાર ખેપને થાઈલેન્ડ કંબોડિયા અને મલેશિયા જેવા દેશોમાં પહોંચાડવામાં આવે છે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news