રાજનાથની અધ્યક્ષતામાં આજે સર્વપક્ષીય બેઠક, શહીદોના અંતિમ સંસ્કારમાં મંત્રીઓ પણ થશે સામેલ

જમ્મુ અને કાશ્મીરમાં થયેલા આતંકી હુમલાની જાણકારી આપવા માટે આજે એક સર્વપક્ષીય બેઠક યોજાવવાની છે.

રાજનાથની અધ્યક્ષતામાં આજે સર્વપક્ષીય બેઠક, શહીદોના અંતિમ સંસ્કારમાં મંત્રીઓ પણ થશે સામેલ

નવી દિલ્હી: જમ્મુ અને કાશ્મીરમાં થયેલા આતંકી હુમલાની જાણકારી આપવા માટે આજે એક સર્વપક્ષીય બેઠક યોજાવવાની છે. અધિકારીઓએ આ જાણકારી આપી. જમ્મુ અને કાશ્મીરના પુલવામામાં થયેલા આતંકી હુમલામાં સીઆરપીએફના 40 જવાનો શહીદ થયાં. આ બેઠક ગૃહમંત્રી રાજનાથ સિંહે બોલાવી છે. તમામ મોટા રાજકીય પક્ષોને આ માટે આમંત્રણ આપી દેવાયું છે. ગૃહ મંત્રાલયના એક અધિકારીએ જણાવ્યું કે તમામ પાર્ટીઓને પુલવામામાં થેયેલા આતંકી હુમલા અને સરકાર દ્વારા અત્યાર સુધીમાં ઉઠાવવામાં આવેલા પગલાં અંગે જાણકારી આપવામાં આવશે. ગૃહમંત્રી રાજનાથ સિંહની અધ્યક્ષતામાં આ બેઠક સંસદમાં સવારે 11 કલાકે શરૂ થશે. શહીદોના પાર્થિવ શરીર તેમના ઘરે પહોંચાડવામાં આવી રહ્યાં છે. જ્યાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં શુક્રવારે થયેલી સીસીએસની બેઠકમાં સર્વપક્ષીય બેઠક બોલાવવાનો નિર્ણય લેવાયો. આ અગાઉ નાણામંત્રી અરુણ જેટલીએ  કહ્યું હતું કે આ  ઘટના અંગે તમામ પાર્ટીઓને જાણકારી આપવા એક બેઠક બોલાવવામાં આવી છે જેથી કરીને આખો દેશ એક સ્વરમાં વાત કરી શકે. 

હુમલામાં શહીદ થયેલા જવાનોના પાર્થિવ શરીર શુક્રવારે દિલ્હી લાવવામાં આવ્યાં હતાં. પીએમ મોદીએ પાલમ એરપોર્ટ પર જઈને જવાનોને શ્રદ્ધાંજલિ આપી હતી. વાયુસેનાના સી-17 વિમાન દ્વારા આ પાર્થિવ શરીર દિલ્હી લવાયા હતાં. પીએમ મોદી ઉપરાંત રક્ષા મંત્રી નિર્મલા સીતારમણ, ગૃહમંત્રી રાજનાથ સિંહ, કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પણ શ્રદ્ધાંજલિ આપવા પહોંચ્યા હતાં. પીએમ મોદીએ ભાજપના તમામ મંત્રીઓ અને સાંસદોને નિર્દેશ પણ આપ્યાં છે કે તેઓ પોત પોતાના રાજ્યોમાં આ જવાનોના અંતિમ સંસ્કારના સમયે  ત્યાં હાજર રહે. 

પુલવામાં હુમલો: આધાર કાર્ડ અને આઈડી કાર્ડથી શહીદ જવાનોની ઓળખ થઈ
જમ્મુ અને કાશ્મીરના પુલવામામાં ગુરુવારે થયેલો આતંકી હુમલો એટલો ભયાનક હતો કે શહીદોના મૃતદેહોને ઓળખવા મુશ્કેલ હતાં. શહીદ થયેલા જવાનોની ઓળખ તેમના આધાર કાર્ડ, આઈડી કાર્ડ અને કેટલાક સામાન થકી થઈ શકી. અધિકારીઓએ શુક્રવારે જણાવ્યું કે ભીષણ વિસ્ફોટથી જવાનોના મૃતદેહો ક્ષત-વિક્ષત થઈ ગયા હતાં. આથી તેમની ઓળખ ખુબ મુશ્કેલ બની હતી. 

આ શહીદોની ઓળખ આધાર કાર્ડ, આઈડી કાર્ડ, પાન કાર્ડ અથવા તેમના ખિસ્સામાં કે બેગોમાં રહેલા તેમની  રજાની અરજીઓથી થઈ શકી. વરિષ્ઠ અધિકારીઓએ જણાવ્યું કે કેટલાક મૃતદેહોની ઓળખ તેમને બાંધેલી ઘડિયાળો અથવા પર્સથી થઈ. આ સામાન તેમના સહયોગીઓએ ઓળખ્યા હતાં. 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પુલવામાના શહીદોને આપી શ્રદ્ધાંજલિ
હાથ જોડીને માથું નમાવીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે સાંજે પુલવામાના શહીદોના તિરંગમાં લપેટાયેલા તાબુતોની પરિક્રમા કરી અને પુષ્પચક્ર ચઢાવીને સમગ્ર દેશ તરફથી નમ આંખે શ્રદ્ધાંજલિ આપી. આ શહીદોના પાર્થિવ દેહોને લઈને વાયુસેનાનું એક ખાસ વિમાન સાંજે પાલમ વાયુસેના ક્ષેત્ર પહોંચ્યું હતું. આ અવસરે કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથ સિંહ હાજર હતાં. 

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અગાઉ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી, સેનાની ત્રણે પાંખોના વડાઓએ પણ શ્રદ્ધાંજલિ આપી હતી. વડાપ્રધાન શ્રદ્ધાંજલિ આપવા આવ્યાં તેમણે હાથ જોડીને માથું નમાવીને તાબુતોની પરિક્રમા કરી અને થોડીવાર સુધી મૌન ધારણ કર્યુ હતું. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news