108 ફૂટ લાંબી અગરબત્તીને જગ્યા આપવા તંત્ર અવઢવમાં, હજુ કન્ટેનરમાં પડી છે અગરબત્તી
અયોધ્યામાં 22 જાન્યુઆરીએ યોજાનારા પ્રાણ પ્રતિષ્ઠાના કાર્યક્રમ પહેલા તમામ તૈયારીઓ કરવામાં આવી રહી છે. તો રામ મંદિર માટે દેશભરમાંથી ભેટ મોકલવામાં આવી રહી છે. વડોદરાથી 108 ફૂટ લાંબી અગરબત્તી મોકલવામાં આવી છે.
Trending Photos
અયોધ્યાઃ વડોદરાના એક વ્યક્તિએ તૈયાર કરેલી 108 ફૂટ લાંબી અગરબત્તી 11 દિવસ બાદ અયોધ્યા પહોંચી ચૂકી છે. તો બીજી તરફ પ્રધાનમંત્રી મોદીના વતન વડનગરથી જ્યોત યાત્રા પણ 48 દિવસ બાદ રામનગરી પહોંચી ચૂકી છે. શું છે આ માટેનો માહોલ, જોઈએ આ અહેવાલમાં..
અયોધ્યામાં જે સૌથી અનોથી ભેટ પહોંચી રહી છે, તેની આગેવાની ગુજરાતે લીધી છે. 108 ફૂટ લાંબી અગરબત્તીનો વિચાર સામાન્ય રીતે સ્વપ્ન સમાન હોય છે. પણ વડોદરાના એક વ્યક્તિએ આ સ્વપ્નને સાકાર કરી બતાવ્યું છે.
વિહાભાઈ ભરવાડે તૈયાર કરેલી 108 ફૂટ લાંબી અગરબત્તી 11 દિવસના સફર બાદ અયોધ્યા પહોંચી ચૂકી છે. દ્રશ્યોમાં તમે જોઈ શકો છો કે અગરબત્તી હજુ કન્ટેઈનરમાં જ પડી છે. તેનું કારણ એ છે કે તેને મૂકવા માટે સ્થાનિક તંત્ર તરફથી તેને મૂકવા માટે જગ્યાની કોઈ વ્યવસ્થા કરવામાં નથી આવી. રસ્તામાં તો અગરબત્તીનું ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યું, પણ અયોધ્યા પહોંચ્યા બાદ તેના માટે કોઈ જગ્યા નક્કી નથી થઈ શકી, જેના કારણે છેલ્લા ચાર દિવસથી અગરબત્તી 120 ફૂટ લાંબા કન્ટેઈનરમાં જ પડી છે...
વિહાભાઈ ભરવાડ અયોધ્યાના પ્રશાસન અને મંદિરના ટ્રસ્ટ સાથે સતત સંપર્કમાં છે, જો કે તેમને કોઈ જવાબ નથી મળી રહ્યો. અગરબત્તીને મૂકવા ઓછામાં ઓછી 110 ફૂટ લંબાઈની જગ્યાની જરૂરત પડશે, એવામાં આ મહાકાય અગરબત્તી માટે વ્યવસ્થા કરવામાં અયોધ્યાના તંત્રની પરીક્ષા થઈ જશે..
અગરબત્તી અયોધ્યા પહોંચી ગઈ છે, ત્યારે તેને મૂકવા માટે ક્યાંક તો જગ્યા મળી રહેશે, પણ તેને જ્યારે સળગાવવામાં આવશે, ત્યારે તેની સુવાસ સમગ્ર અયોધ્યા નગરીમાં ફેલાશે...5 લાખ રૂપિયાના ખર્ચે 6 મહિનામાં તૈયાર કરાયેલી અગરબત્તીની સામગ્રી સંપૂર્ણપણે નૈસર્ગિક છે.
108 ફૂટ લાંબી અગરબત્તીને જ્યારે સળગાવવામાં આવશે, ત્યારે તે અગરબત્તી તરીકે દોઢ મહિના સુધી સુવાસ આપી શકે છે, જ્યારે અખંડ જ્યોત તરીકે તેને પ્રજવલિત કરવમાં આવે તો તેમાંથી 21 દિવસ સુધી જ્યોત પ્રજવલિત થઈ શકે છે. અગરબત્તીને જ્યારે પ્રજવલિત કરાશે, ત્યારે તેની દેખરેખ માટે 10થી 15 વ્યક્તિની જરૂર પડશે. વિહાભાઈ ભરવાડનો દાવો છે કે તેમની અગરબત્તી 50 કિલોમીટર સુધીના વિસ્તારમાં સુવાસ ફેલાવી શકે છે. જો કે એક વાત સામાન્ય છે કે આ બંને વિકલ્પમાંથી પસંદગી મંદિરના વહીવટકર્તાઓએ કરવાની છે..
વડોદરાની અગરબત્તીની સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વતન વડનગરથી જ્યોત યાત્રા પણ અયોધ્યા પહોંચી છે. શ્રી રામ જન્મભૂમિ મંદિરની ધાતુની પ્રતિકૃતિને પિક અપ ટ્રકમાં લઈને 1300 કિલોમીટરનું અંતર કાપીને 48 દિવસમાં પગપાળા યાત્રા રામનગરી સુધી પહોંચી છે. વડનગરના પ્રખ્યાત હાટકેશ્વર મંદિરની જ્યોત અયોધ્યા સુધી લાવવામાં આવી છે. યાત્રામાં જોડાયેલા સ્વયંસેવકો રામ મંદિરની પ્રતિકૃતિને મંદિર ટ્રસ્ટને સોંપીને જ્યોતને મંદિરમાં પ્રગટાવવા માગે છે..
કેવડિયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે જે ઈ રિક્ષા ચાલતી તમે જોઈ છે, તેવી જ ઈ રિક્ષા હવે અયોધ્યામાં પણ દોડતી થઈ છે. કેવડિયામાં ઈ રિક્ષા સેવાનું સંચાલન કરતી હૈદરાબાદની ETO મોટર કંપનીએ અયોધ્યામાં પણ આ કામગીરી શરૂ કરી છે. શરૂઆતમાં 100 ઈ રિક્ષા શહેરમાં દોડશે. જેમાંથી 50 રિક્ષા મહિલાઓ દ્વારા ચલાવવામાં આવશે. આ માટે કંપની મહિલાઓને તાલીમ પણ આપે છે...ત્રણ વર્ષ બાદ મહિલા ઈ ઓટોની માલિક પણ બની શકે છે.
અગાઉ અયોધ્યામાં બેટરીથી ચાલતી ગોલ્ફકારની સેવા પણ શરૂ કરવામાં આવી હતી, જેમાં અયોધ્યાદર્શન કરી શકાય છે. હવે ઈ રિક્ષા શરૂ કરાઈ છે. આ સેવાની મહિલા રોજગાર માટેની કેન્દ્રિતા તેની સૌથી મોટી ખાસિયત છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે