Bakrid: બકરી ઈદ પર કોરોના નિયમોમાં છૂટ આપવા મુદ્દે સુપ્રીમ કોર્ટે કેરળ સરકારને ખુબ ફટકાર લગાવી

બકરી ઈદના અવસરે કોરોના સંલગ્ન પ્રતિબંધોમાં છૂટછાટ આપવાના કેરળ સરકારના નિર્ણય પર સુપ્રીમ કોર્ટે ફટકાર લગાવી છે.

 Bakrid: બકરી ઈદ પર કોરોના નિયમોમાં છૂટ આપવા મુદ્દે સુપ્રીમ કોર્ટે કેરળ સરકારને ખુબ ફટકાર લગાવી

નવી દિલ્હી: બકરી ઈદના અવસરે કોરોના સંલગ્ન પ્રતિબંધોમાં છૂટછાટ આપવાના કેરળ સરકારના નિર્ણય પર સુપ્રીમ કોર્ટે ફટકાર લગાવી છે. સુપ્રીમ કોર્ટે કેરળની પિનરઈ વિજયન સરકારને કહ્યું કે બજારના દબાણથી સ્વાસ્થ્યના અધિકાર સાથે રમત કરી શકાય નહીં. 

સુપ્રીમ કોર્ટે કહ્યું કે આવી સ્થિતિ હોવા છતાં પ્રતિબંધોમાં આ પ્રકારે છૂટ આપવામાં આવી તે ડરામણું છે. જો કે આ તમામ ટિપ્પણીઓ કરવા છતાં કોર્ટે બાદમાં એમ પણ કહ્યું કે હવે અમે કેરળ સરકારના નોટિફિકેશનને રદ કરી શકીએ નહીં કારણ કે ઘોડો તબેલામાંથી છૂટી ચૂક્યો છે. 

નોંધનીય છે કે કેરળમાં બકરી ઈદના અવસરે કોરોના ગાઈડલાઈન્સમાં છૂટછાટ આપવામાં આવી. આ છૂટ 18થી 20 જુલાઈ વચ્ચે આપવામાં આવી જેમાં બજાર સંલગ્ન નિયમોમાં ઢીલ પણ સામેલ છે. એક બાજુ જ્યાં કોરોનાના જોખમને ધ્યાનમાં રાખીને અનેક રાજ્યોમાં કાવડ યાત્રા રદ કરવામાં આવી ત્યાં કેરળ સરકારના આ નિર્ણય બાદ સવાલ ઉઠવા લાગ્યા. મામલો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચી ગયો. 

Supreme Court says it is shocking state of affairs that the Kerala government has given in to the demand of traders in relaxing lockdown norms pic.twitter.com/NtD5ytOw0M

— ANI (@ANI) July 20, 2021

જીવનના અધિકારને દાવ પર લગાવી ન શકાય
સુપ્રીમ કોર્ટે કેરળ સરકાર પાસે આ મુદ્દે જવાબ માંગ્યો હતો. મંગળવારે કોર્ટમાં આ મામલે સુનાવણી થઈ. સુનાવણી દરમિયાન કોર્ટે કહ્યું કે સમાજના કેટલાક સમુદાયોના દબાણમાં નાગરિકના સૌથી કિમતી જીવનના અધિકારને દાવ પર લગાવી શકાય નહીં. કોર્ટે એમ પણ કહ્યું કે કેરળ સરકારે ઉત્તર પ્રદેશ સરકારને અપાયેલા અમારા નિર્દેશોનું પાલન કરવું જોઈએ. 

કોર્ટ તરફથી એવું પણ કહેવાયું કે કેરળ સરકાર બંધારણની કલમ 21 એટલે કે બધાને સમાન અધિકાર અને જીવનના અધિકાર જેવા મૌલિક અધિકારોની સાથે સાથે કલમ 144 ને પણ ધ્યાનમાં રાખે. 

અત્રે જણાવવાનું કે ઈદના અવસરે પ્રતિબંધોમાં અપાયેલી છૂટનો વિરોધ ઈન્ડિયન મેડિકલ એસોસિએશન તરફથી પણ કરાયો હતો. એસોસિએશને રાજ્ય સરકારને કોરોનાનો ખતરો ગણાવતા ચેતવી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news