ભારતના આ મંદિરોમાં પ્રવેશવા મહિલાઓને લડવી પડી હતી મોટી જંગ
Trending Photos
સુપ્રિમ કોર્ટના ઐતિહાસિક નિર્ણય બાદ આજે સાંજે મહિલાઓ પહેલીવાર સબરીમાલા મંદિરમાં પ્રવેશ કરશે. ભગવાન અયપ્પા મંદિરના પટ થોડી વારમાં ખોલવામાં આવશે. થોડા દિવસો પહેલા જ સુપ્રિમ કોર્ટે મંદિરમાં 10થી 50 વર્ષની ઉંમરની મહિલાઓને પ્રવેશ માટે પરમિશન આપી દીધી હતી. આ નિર્ણયના વિરોધ વચ્ચે આજે મહિલાઓ માટે મોટો દિવસ છે. તેઓ પહેલીવાર મંદિરમાં દર્શન કરશે. મંદિરોમાં પ્રવેશને લઈને લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો હતો. સબરીમાલાથી પહેલા મહારાષ્ટ્રના શનિ શિંગણાપુર અને કોલ્હાપુર જેવા અનેક મંદિરોમાં મહિલાઓને પ્રવેશ અપાવવા માટે લાંબી લડાઈ લડવી પડી હતી, જે સફળ નીવડી હતી. તો જાણી લો કે એવા કયા મંદિર છે, મહિલા પ્રવેશને લઈને ચર્ચામાં રહ્યા છે.
શનિ શિંગણાપુર મંદિર, અહેમદનગર
વર્ષ 2016માં ચૈત્ર નવરાત્રિના પહેલા દિવસે મહારાષ્ટ્રના અહેમદનગર સ્થિત શનિ શિંગણાપુર મંદિરમાં 400 વર્ષ જૂની પરંપરા તૂટી ગઈ હતી. પુરુષોની સાથે સાથે મહિલાઓએ પણ મંદિરના ચબૂતરા પર જઈને શનિદેવને તેલ ચઢાવ્યું હતું. આ વિવાદની શરૂઆત નવેમ્બર, 2015માં થઈ હતી, જ્યારે એક મહિલા જબરદસ્તી શનિ ચબૂતરા પર ચઢી ગઈ હતી. તેના બાદ પૂજારીઓએ શનિ પ્રતિમા પર અભિષેક કરીને શુદ્ધિ કરી હતી. તેના બાદ ભૂમાતા બ્રિગેડની અધ્યક્ષ તૃપ્તિ દેસાઈએ પણ એક આંદોલન ચલાવ્યું હતું. જાન્યુઆરી 2016માં હાઈકોર્ટની ઔરંગાબાદ પીઠમાં અરજી દાખલ કરીને પ્રવેશની પરમિશન માંગવામાં આવી હતી. તેના બાદ એપ્રિલમાં જ હાઈકોર્ટે મહિલાઓને મંદિર પ્રવેશમાં પરમિશન આપી હતી.
મહાલક્ષ્મી મંદિર, કોલ્હાપુર
શનિ શિંગણાપુર મંદિરને પગલે જ 2016માં જ મહારાષ્ટ્રના કોલ્હાપુર સ્થિત મહાલક્ષ્મી મંદિરમાં પણ તમામ મહિલાઓએ ગર્ભ ગૃહમાં પ્રવેશ માટે પરમિશન આપી હતી. મંદિરે વર્ષો જૂની પરંપરા તોડીને એપ્રિલ 2016ના રોજ આ પગલુ ભર્યું, જેમાં બોમ્બે હાઈકોર્ટે શનિ શિંગણાપુર મંદિરવાળા મામલાને ધ્યાનમાં રાખીને મહાલક્ષ્મી મંદિરમાંથી પણ મહિલાઓના પ્રવેશ પર લાગેલા પ્રતિબંધને હટાવી લીધો હતો.
ત્રંબકેશ્વર મંદિર, નાશિક
એપ્રિલ, 2016માં જ મહારાષ્ટ્રના નાસિક સ્થિત ત્ર્યંબકેશ્વર દેવસ્થાન ટ્રસ્ટે પણ મહિલાઓને ભગવાન શિવના પ્રખ્યાત મંદિરના ગર્ભગૃહમાં સશર્ત પ્રવેશની અનુમતિ આપી દીધી હતી. મહિલાઓને રોજ એક કલાક ત્રંબકેશ્વર મંદિરમાં પ્રવેશની પરમિશન આપવામાં આવી હતી, પરંતુ આ શરત સાથે કે ગર્ભગૃહમાં પૂજા અર્ચના માટે મહિલાઓને સુતરાઉ કે સિલ્કના કપડા પહેરવાના રહેશે. ટ્રસ્ટની આ શરતને લઈને પણ વિવાદ થયો હતો.
કપાલેશ્વર મંદિર, નાશિક
એ જ વર્ષે મે મહિનામાં નાસિકના કપાલેશ્વર મંદિરમાં પણ ભૂમાતા બ્રિગેડની તૃપ્તિ દેસાઈએ અનેક નીચલી જાતિની મહિાલઓ સાથે મંદિરના ગર્ભગૃહમાં પ્રવેશ કર્યો હતો. પહેલા તેમને રોકવામાં આવ્યા હતા, પરંતુ બાદમાં તો તેમને મંદિરમાં જવાની પરમિશન આપી દેવાઈ હતી. તૃપ્તિએ ત્યારે કહ્યું હતું કે, જ્યાં તે બીજા મંદિરો માટે મહિલાઓના અધિકારની લડાઈ આપી રહી હતી, ત્યારે કપાલેશ્વર મંદિરમાં જાતિગત ભેદભાવની વિરુદ્ધ લડાઈ પણ હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે