રાહુલ ગાંધીનું વિવાદિત નિવેદનઃ વાજપેયીની ખોટી નીતિઓને કારણે કાશ્મિરમાં સ્થિતી ખરાબ બની

તમિલનાડુમાં કોલેજના વિદ્યાર્થીઓ વચ્ચેના સંવાદ દરમિયાન રાહુલ ગાંધીએ જણાવ્યું કે, 2004માં જ્યારે યુપીએની સરકાર બની તો ત્યાં પરિસ્થિતિ ઘણી ખરાબ હતી. વાજપેયી સરકારની ખોટી રાજકીય નીતિઓને કારણે કાશ્મિરની સ્થિતી ખરાબ હતી

રાહુલ ગાંધીનું વિવાદિત નિવેદનઃ વાજપેયીની ખોટી નીતિઓને કારણે કાશ્મિરમાં સ્થિતી ખરાબ બની

બેંગલુરુઃ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીએ કાશ્મીરના મુદ્દે બોલતા પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી પર વિવાદિત ટિપ્પણી કરી છે. રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો છે કે, અટલ બિહારી વાજપેયીની ખોટી નીતિઓને કારણે જમ્મુ-કાશ્મિરમાં હાલત ખરાબ થઈ છે. તેમણે જણાવ્યું કે, કોંગ્રેસ હંમેશાં જમ્મુ-કાશ્મીરની સ્થિતી સુધારવાનો પ્રયાસ કરી રહી છે, પરંતુ વાજપેયીની ખોટી નીતિઓને કારણે આજે ત્યાં પરિસ્થિતિ ખરાબ થઈ છે. 

તમિલનાડુમાં કોલેજના વિદ્યાર્થીઓ સાથેના સંવાદ દરમિયાન રાહુલ ગાંધીએ જણાવ્યું કે, વર્ષ 2004માં જ્યારે યુપીએ સરકાર બની તો ત્યાં પરિસ્થિતિ ઘણી જ ખરાબ હતી. વાજપેયી સરકારની ખોટી રાજકીય નીતિઓને કારણે કાશ્મીરની સ્થિતિ ખરાબ હતી. અમારી સરકારની રણનીતિને કારણે ત્યાં સ્થિતિમાં સુધારો થયો હતો. અમે પાકિસ્તાન પર દબાણ પેદા કરવામાં સફળ રહ્યા હતા. અમે જમ્મુ-કાશ્મીરની પ્રજા સાથે સંબંધો સુધારવામાં સફળ થયા હતા. 

રાહુલે જણાવ્યું કે, 2011થી 2013 સુધી જમ્મુ-કાશ્મીરમાં કોઈ આતંકવાદ ન હતો. પીએમ મોદીની ખોટી નીતિઓને કારણે ભાજપે મહેબુબા મુફ્તી સાથે મળીને સરકાર ચલાવી. ત્યાર બાદ કાશ્મીરમાં સ્થિતિ બગડી ગઈ છે. મોદી સરકારની ખોટી નીતિઓને કારણે પાકિસ્તાન કાશ્મીરી લોકોને આતંકવાદની આગમાં નાખવામાં સફળ થઈ રહ્યું છે. 

ઉલ્લેખનીય છે કે, અટલ બિહારી વાજપેયીની સરકાર દરમિયાન 1999માં કારગિલ યુદ્ધ થયું હતું, જેમાં પાકિસ્તાનને હારનો સામનો કરવો પડ્યો હતો. ત્યાર બાદ પણ વાજપેયી પાકિસ્તાન સાથે સંબંધ સુધારવા પ્રયાસ કરતા રહ્યા હતા. તેમના કાર્યકાળમાં જ પીઓકેમાં બસ સેવા શરૂ કરાઈ અને સંબંધો મજબૂત કરવા 'સમજોતા એક્સપ્રેસ' ટ્રેન સેવા પણ ચાલુ કરાઈ હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news