પોખરણ રેન્જમાં વધુ એક મીગ-27 વિમાન તુટી પડ્યું, પાઈલટનો બચાવ

છેલ્લા એક મહિનામાં આ ત્રીજી ઘટના છે જ્યારે ઈન્ડિયન એરફોર્સનું જેટ વિમાન તુટી પડ્યું હોય 

પોખરણ રેન્જમાં વધુ એક મીગ-27 વિમાન તુટી પડ્યું, પાઈલટનો બચાવ

જેસલમેરઃ પોખરણ રેન્જમાં ટ્રેઈનિંગ મિશન પર નિકળેલું ઈન્ડિયન એરફોર્સનું મીગ-17 વિમાન તુટી પડ્યું હતું. જોકે, આ દુર્ઘટનામાં પાઈલટનો બચાવ થયો હતો. છેલ્લા એક મહિનામાં આ ત્રીજી ઘટના છે, જ્યારે ભારતીય વાયુસેનાનું જેટ વિમાન તુટી પડ્યું હોય. 

સમાચાર એજન્સી ANIના જણાવ્યા મુજબ, તાલીમ માટે ઉડાન ભરી રહેલું જેટ વિમાન લગભગ સાંજે 6.10 કલાકની આસપાસ તુટી પડ્યું હતું. પાઈલટ પોતાનો જીવ બચાવવામાં સફળ રહ્યો હતો. ઘટનાની તપાસ માટે વાયુસેના દ્વારા કોર્ટ ઓફ ઈન્ક્વાયરી બેસાડી દેવામાં આવી છે. 

છેલ્લા એક મહિનામાં આ ત્રીજી ઘટના છે જ્યારે ઈન્ડિયન એરફોર્સનું જેટ વિમાન તુટી પડ્યું હોય. 28 જાન્યુઆરીના રોજ જગુઆર વિમાન ઉત્તરપ્રદેશના કુશીનગર વિસ્તારમાં આવેલા એક ખેતરમાં તુટી પડ્યું હતું અને આગની જ્વાળાઓમાં લપેટાઈ ગયું હતું. જગુઆરના પાઈલટે ગોરખપુર એર બેઝથી ઉડાન ભરી હતી અને પોતાનો જીવ બચાવવામાં તે સફળ રહ્યો હતો. 

1 ફેબ્રુઆરીના રોજ બેંગલુરુમાં ચેમલુર એરપોર્ટ પર મિરાજ 2000 ટ્રેઈની ફાઈટર જેટ તુટી પડ્યું હતું. આ દુર્ઘટનામાં ટ્રેઈનિંગ લઈ રહેલા બંને પાઈલટનું મોત થયું હતું. 

ગયા વર્ષે સપ્ટેમ્બર મહિનામાં જોધપુરમાં મીગ-17 ફાઈટર જેટ તુટી પડ્યું હતું, જેના પાઈલટે સમયસર કૂદી જઈને પોતાનો જીવ બચાવ્યો હતો. 

મીગ-27 ફાઈટર જેટની મૂળ નિર્માતા કંપની 'મિકોયાન-ગુરેવિચ' છે, જેણે સોવિયત સંઘના સમયમાં આ ડિઝાઈન બનાવી હતી. હાલ તેનું નિર્માણ હિન્દુસ્તાન એરોનોટિક્સ દ્વારા 'બહાદ્દુર'ના નામથી કરવામાં આવે છે. 

આ વિમાનનું નિર્માણ મીગ-23 ફાઈટર વિમાનની જેમ કરાયું છે અને તેનો ઉપયોગ હવાથી જમીન પર હુમલો કરવા માટે થાય છે. હાલ વિશ્વમાં ભારત, કઝાખ અને શ્રીલંકાની વાયુ સેનાઓ મીગ-27 વિમાનનો જમીન પર હુમલા કરવા માટે ઉપયોગ કરે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news