Gautam Adani: 'અમે 22 રાજ્યોમાં કામ કરીએ છીએ, બધે BJPની સરકાર નથી', જાણો PM મોદી વિશે શું કહ્યું? 

Gautam Adani on PM Modi: ગૌતમ અદાણીના જણાવ્યાં મુજબ જે આલોચકો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે તેમના સંબંધો પર સવાલ ઊભા કરે છે તેઓ ભૂલી જાય છે કે તેમની સફર લગભગ ચાર દાયકા પહેલા શરૂ થઈ હતી, જ્યારે દેશમાં કોંગ્રેસનું શાસન હતું.

Gautam Adani: 'અમે 22 રાજ્યોમાં કામ કરીએ છીએ, બધે BJPની સરકાર નથી', જાણો PM મોદી વિશે શું કહ્યું? 

Gautam Adani: દુનિયાના ત્રીજા સૌથી ધનિક વ્યક્તિ ગૌતમ અદાણીએ એક ઈન્ટરવ્યુમાં કહ્યું કે તેમના કારોબારના વિસ્તરણ પાછળ પીએમ મોદી સાથેના નીકટના સંબંધો હોવાની વાત બિલકુલ પાયાવિહોણી છે. કારણ કે તેઓ અનેક વિપક્ષ શાસિત રાજ્યોમાં પણ કામ કરી રહ્યા છે. તેમણે કહ્યું કે અમારો તો હેતુ રહેશે કે દરેક રાજ્યમાં જ્યાં જ્યાં શક્ય હોય ત્યાં વધુમાં વધુ રોકાણ કરીએ. અદાણી ગ્રુપને એ વાતની ખુશી છે કે આજે અમે 22 રાજ્યોમાં કામ કરી રહ્યા છે અને બધા રાજ્યોમાં ભાજપની સરકાર નથી. અમે તો કેરળમાં ડાબેરી મોરચા સરકાર સાથે પણ કામ કરી રહ્યા છીએ. બંગાળમાં મમતા દીદી સાથે પણ કામ કરીએ છીએ. નવીન પટનાયકજી સાથે પણ કામ કરી રહ્યા છીએ. જગમોહન રેડ્ડી, કેસીઆર...દરેક જગ્યાએ જ્યાં પ્રાદેષિક પાર્ટીઓની સરકારો છે ત્યાં કામ કરી રહ્યા છીએ. હું આજે દાવા સાથે કહી શકું છું કે તેમાંથી કોઈ સરકારથી અમને કોઈ તકલીફ થઈ નથી. 

પીએમ મોદી વિશે નિવેદન
ગૌતમ અદાણીએ ઈન્ડિયા ટીવીને આપેલા એક ઈન્ટરવ્યુમાં કહ્યું કે હું કહેવા માંગુ છું કે મોદીજી પાસેથી તમે કોઈ વ્યક્તિગત સહાયતા લઈ શકો નહીં. તમે તેમની સાથે નીતિ વિષયક વાત કરી શકો છો. તમે દેશના હિતમાં ચર્ચા કરી શકો છો. પરંતુ જે નીતિ બને છે તે બધા માટે હોય છે. તે એકલા અદાણી ગ્રુપ માટે નથી બનતી. 

તેમણે એમ પણ કહ્યું કે તેમના અબજોના કારોબાર કરનારા ગ્રુપ વિશે ગેરસમજ છે કે તેને પ્રમોટ કરવામાં આવી રહ્યું છે. જેના કારણે બેંકો અને સામાન્ય માણસોની બચત જોખમાઈ શકે છે. તેમણે કહ્યું કે છેલ્લા 7-8 વર્ષની અંદર અમારા કરજમાં 11 ટકાનો વધારો થયો છે અને અમારી આવક 24 ટકા વધી છે. આજે અમારી કુલ સંપત્તિ અમારા કરજની સરખામણીમાં 3થી 4 ગણી થઈ ચૂકી છે. 

રાહુલ ગાંધી પર આપ્યું નિવેદન
ગૌતમ અદાણીએ કહ્યું કે તેમનું માનવું છે કે વિપક્ષના નેતા રાહુલ ગાંધી વારંવાર તેમના વિરુદ્ધ ક્રોની કેપિટલિઝમના જે આરોપ લગાવે છે તે રાજનીતિની રીતભાતનો હિસ્સો છે... તેમણે રાજસ્થાનનું ઉદાહરણ આપ્યું જ્યાં કોંગ્રેસની જ સરકાર છે. કોંગ્રેસ શાસિત રાજસ્થાનમાં કરાયેલા 68,000 કરોડ રૂપિયાના રોકાણનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે રોકાણ કરવું અમારું સામાન્ય કામ છે...હું રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતના નિમંત્રણ પર રોકાણ સંમેલનમાં ત્યાં પણ ગયો હતો. ત્યારબાદ રાહુલ ગાંધીએ પણ રાજસ્થાનમાં અમારા રાકાણને બિરદાવ્યું હતું. હું જાણું છું કે રાહુલ ગાંધીની નિતિઓ પણ વિકાસ વિરોધી નથી. 

ગૌતમ અદાણીના જણાવ્યાં મુજબ જે આલોચકો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે તેમના સંબંધો પર સવાલ ઊભા કરે છે તેઓ ભૂલી જાય છે કે તેમની સફર લગભગ ચાર દાયકા પહેલા શરૂ થઈ હતી, જ્યારે દેશમાં કોંગ્રેસનું શાસન હતું. તેમણે કહ્યું કે મારા જીવનમાં 3 મોટા બ્રેક મળ્યા. પહેલો બ્રેક 1985માં જ્યારે રાજીવ ગાંધી પ્રધાનમંત્રી હતા અને નવી આયાત-નિકાસ નીતિ આવી, અમારી કંપની એક ગ્લોબલ ટ્રેડિંગ હાઉસ બની. બીજો બ્રેક 1991માં મળ્યો, જ્યારે પીવી નરસિંહા રાવ અને ડો.મનમોહન સિંહની સરકારના સમયે આપણે પબ્લિક-પ્રાઈવેટ પાર્ટનરશિપ કરી શક્યા, તેનાથી દેશમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચરને નવી દિશા મળી. 

અને ત્રીજો બ્રેક નરેન્દ્ર મોદીના ગુજરાતમાં મુખ્યમંત્રી તરીકે 22 વર્ષના શાસનમાં...હું ગર્વથી કહી શકું છું કે તે ખુબ સારો અનુભવ રહ્યો. તેમણે ભારપૂર્વક કહ્યું કે 'ગુજરાત રોકાણ-ફ્રેન્ડલી છે, અદાણી ફ્રેન્ડલી નહીં.' 

અત્રે જણાવવાનું કે ગત વર્ષ દરમિયાન ગૌતમ અદાણીની સંપત્તિ અન્ય  કોઈ પણ અબજપતિની સરખામણીમાં વધુ વધી છે. તેમના ગ્રુપની કુલ સંપત્તિ 200 અબજ ડોલર છે જેમાં હરિત ઉર્જા, પોર્ટ, ખાણો, એરપોર્ટ, અને મોટા મોટા ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ સામેલ છે. ગૌતમ અદાણીના જણાવ્યાં મુજબ તેમની કંપનીએ ક્યારેય કોઈ પણ પ્રોજેક્ટ બોલી લગાવ્યા વગર મેળવ્યો નથી અને આથી સરકાર પાસેથી વિશેષ ફેવર મળવાનો કોઈ સવાલ જ પેદા થતો નથી. 

જુઓ લાઈવ ટીવી

ગૌતમ અદાણીએ કહ્યું કે જ્યારે લોકો આરોપ લગાવે છે ત્યારે તેઓ એ પણ જણાવે કે અમે એક પણ કામ જો બિડિંગ વગર કર્યું હોય તો. અમે બિડિંગ વગર, મેરિટ વગર, ક્યારેય તે બિઝનેસમાં પ્રવેશ કરતા નથી. અમને પણ ખબર છે કે ભારતમાં તે પ્રકારના કામ કરવામાં વિવાદ વધુ હોય છે. અદાણી ગ્રુપનું એવું છે કે કોઈ પણ ચીજ બિડિંગ વગર અમે ટચ કરતા નથી. પછી ભલે પોર્ટ હોય, એરપોર્ટ હોય, રોડ હોય, વીજળી ઘર હોય, એક પણ બિઝનેસમાં અમે બિડિંગ વગર કામ કર્યું નથી. અમારી ઉપર એક પણ આરોપ નથી કે અમે બિડિંગને મેનેજ કરી હોય. અમારી ઉપર એવો આક્ષેપ રાહુલ (ગાંધી)જીએ પણ નથી નાખ્યો કે બિડિંગ પ્રક્રિયામાં કોઈ ગડબડી હતી. તેમને જ્યારે સફળતાનો મંત્ર પૂછવામાં આવ્યો તો તેમણે કહ્યું મહેનત, મહેનત અને મહેનત. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news