Cow dung for Covid Cure: ગાયના છાણનો શરીર પર લેપ કરવાથી કોરોના વાયરસ ભાગી જાય છે? જાણો શું કહે છે ડોક્ટર્સ
Trending Photos
નવી દિલ્હી: જે ઝડપથી ભારતમાં કોરોનાની બીજી લહેર ફેલાઈ રહી છે તેટલી જ ઝડપથી દરરોજ કોઈને કોઈ ઘરેલુ નુસ્ખા કે ઉપાય સામે આવી રહ્યા છે જેમાં કોરોના વાયરસ સંક્રમણથી બચવાનો દાવો થઈ રહ્યો છે. પરંતુ દરેક ઘરેલુ ઉપાય કે આયુર્વેદિક નુસ્ખો તમારા માટે જરૂરી હોય તે જરૂરી નથી. આવો જ એક દાવો ગાયના છાણને લઈને પણ થઈ રહ્યો છે.
કોરોનાથી બચવા માટે શરીર પર લગાવવામાં આવી રહ્યું છે ગોબર
હાલના દિવસોમાં દેશના અનેક ભાગોમાંથી એવા સમાચાર આવતા રહે છે કે લોકો કોરોનાથી બચવા માટે પોતાના આખા શરીર પર ગાયનું છાણ લેપની જેમ લગાવી લે છે કારણ કે તેમને એવું લાગે છે કે તેનાથી તેમની ઈમ્યુનિટી મજબૂત થશે અને તેમને કોવિડ-19 બીમારી થશે નહીં. પરંતુ ડોક્ટરોએ છાણના ઉપયોગને લઈને સાવધ કર્યા છે. ડોક્ટરોનું માનીએ તો એ વાતમાં કોઈ વૈજ્ઞાનિક તથ્ય નથી અને આ સાથે જ ગાયના ઉપયોગથી અનેક અન્ય બીમારીઓ થવાની શક્યતા છે.
શું ગોબર લગાવવાથી કોરોના વિરુદ્ધ ઈમ્યુનિટી મજબૂત થશે?
ગુજરાતમાં અનેક લોકો એવા છે જે સપ્તાહમાં એકવાર ગૌશાળા જઈને પોતાના આખા શરીર પર ગાયનું છાણ અને ગૌમૂત્ર લગાવે છે કારણ કે તેમને લાગે છે કે આમ કરવાથી તેમની ઈમ્યુનિટી મજબૂત થશે અને કોરોના વાયરસના સંક્રમણનું જોખમ નહીં રહે. તેમાં કોઈ શક નથી કે હિન્દુ ધર્મમાં ગાય, ગાયના છાણ અને ગૌમૂત્રને ખુબ જ પવિત્ર ગણવામાં આવ્યા છે. સેંકડો વર્ષોથી ગામડાઓમાં માટીના ઘરોની સાથે સાથે છાણથી પણ લીપી લેવાની પ્રથા ચાલતી આવી છે. એટલે સુધી કે પૂજાપાઠમાં પણ છાણાનો ઉપયોગ થાય છે.
અનેક લોકો નિયમિત રીતે શરીર પર છાણ લીપાવી રહ્યા છે
એક દવા કંપનીમાં એસોસિએટ મેનેજર ગૌતમ મણિલાલ બોરિસા કહે છે કે 'ગત વર્ષે તેમને કોવિડ થયો હતો અને ગોબરના લેપે જ તેમને કોરોના વાયરસથી સાજા થવામાં મદદ કરી હતી. ગૌતમ કહે છે કે અમે જોયું છે કે અનેક ડોક્ટરો પણ અહીં આવે છે. તેઓ માને છે કે આ થેરેપીથી તેમની ઈમ્યુનિટી વધી જાય છે અને તેઓ કોઈ પણ ડર વગર પોતાના દર્દીઓની સારવાર કરી શકે છે.' ગત વર્ષ કોરોનાથી સાજા થયા બાદ ગૌતમ નિયમિતપણે શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ જઈ રહ્યા છે.
દૂધ કે છાશથી ધોવાય છે ગોબરનો લેપ
અહીં આવતા લોકોના શરીર પર છાણ અને ગૌમૂત્ર ભેળવીને તૈયાર કરાયેલું મિશ્રણ લગાવવામાં આવે છે. જ્યારે તે સૂકાઈ જાય છે ત્યારે બધા લોકો ગૌશાળામાં રહેલી ગાયોને ભેટે છે. યોગ કરે છે જેથી કરીને તેમની ઉર્જાનું લેવલ જળવાઈ રહે. છાણનો આ લેપ સૂકાઈ ગયા બાદ તેને દૂધ કે છાશથી ધોવામાં આવે છે. જો કે દેશભરના વૈજ્ઞાનિકો અને ડોક્ટર લોકોને વારંવાર એવી ચેતવણી આપે છે કે આ પ્રકારના ખોટા દાવાની તેમના સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડી શકે છે.
ડોક્ટરોનો દાવો છાણનો ઉપયોગ ન કરો
ઈન્ડિયન મેડિકલ એસોસિએશનના રાષ્ટ્રીય અધ્યક્ષ ડો. જે એ જયલાલ કહે છે કે "એ વાતના કોઈ પાક્કા પુરાવા નથી કે ગાયનું છાણ કે ગૌમૂત્ર કોવિડ-19 વિરુદ્ધ ઈમ્યુનિટી મજબૂત કરવામાં મદદ કરે છે. આવી કોઈ ચીજો શરીર પર લગાવવાથી અનેક પ્રકારની બીમારીઓ પણ થઈ શકે છે. એટલું જ નહીં જાનવરોથી માણસોમાં પણ અનેક પ્રકારની બીમારીઓ ફેલાઈ શકે છે. આ પ્રકારની પ્રેક્ટિસમાં એક જ જગ્યા પર અનેક લોકો ભેગા થઈ જવાના કારણે વાયરસ ફેલાવવાનું જોખમ પણ વધુ હોઈ શકે છે."
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે