કર્ણાટક: યેદિયુરપ્પાનું અલ્ટિમેટમ, 'સોમવાર કુમારસ્વામી સરકારનો છેલ્લો દિવસ'

કર્ણાટકમાં વિશ્વાસ મત મુદ્દે રાજકીય ઘમાસાણ ચાલી રહ્યું છે. રાજ્યપાલ વજુભાઈ વાળાએ મુખ્યમંત્રી એચડી કુમારસ્વામીને પત્ર લખીને શુક્રવારે બપોરે 1.30 કલાક સુધીમાં બહુમત સાબિત કરવાનું કહ્યું હતું.

કર્ણાટક: યેદિયુરપ્પાનું અલ્ટિમેટમ, 'સોમવાર કુમારસ્વામી સરકારનો છેલ્લો દિવસ'

બેંગ્લુરુ: કર્ણાટકમાં વિશ્વાસ મત મુદ્દે રાજકીય ઘમાસાણ ચાલી રહ્યું છે. રાજ્યપાલ વજુભાઈ વાળાએ મુખ્યમંત્રી એચડી કુમારસ્વામીને પત્ર લખીને શુક્રવારે બપોરે 1.30 કલાક સુધીમાં બહુમત સાબિત કરવાનું કહ્યું હતું. પરંતુ તેમની વાતને અવગણીને વિધાનસભા સ્પીકર રમેશકુમારે સદનની કાર્યવાહી 22 જુલાઈ સુધી સ્થગિત કરી દીધી. રાજ્યપાલે વળી પાછી ફરીથી ડેડલાઈન આપી હતી અને શુક્રવારે સાંજે 6 વાગ્યા સુધીમાં બહુમત સાબિત કરવાનું કહ્યું હતું. પરંતુ આમ છતાં તેની અવગણના થઈ. આ બાજુ કર્ણાટક ભાજપના અધ્યક્ષ બીએસ યેદિયુરપ્પાએ અલ્ટિમેટમ આપતા કહ્યું કે સોમવાર એચડી કુમારસ્વામીની સરકાર માટે છેલ્લો દિવસ હશે. 

યેદિયુરપ્પાએ કહ્યું કે "એચડી કુમારસ્વામીની સરકાર માટે સોમવાર છેલ્લો દિવસ હશે. તેમની પાસે બહુમત નથી અને તેઓ જેમની પાસે બહુમત છે તેમને સરકાર બનાવવા દેતા નથી. અમે બધા મળીને 106 સભ્યો છીએ. સુપ્રીમ કોર્ટે કહ્ુયં છે કે જે ધારાસભ્યો મુંબઈમાં છે, તેમને વિધાનસભાના સત્રમાં સામેલ થવા માટે ફોર્સ કરી શકાય નહીં."

રાજ્યપાલના પત્ર મુદ્દે સીએમ ગયા સુપ્રીમ કોર્ટ
રાજ્યપાલ વજુભાઈ વાળાના પત્ર વિરુદ્ધ સીએમ એચડી કુમારસ્વામી સુપ્રીમ કોર્ટ ગયા છે. તેમણે રાજ્યપાલ દ્વારા વિશ્વાસ મત પર વોટિંગ માટે ડેડલાઈન નક્કી કરવા બદલ આપત્તિ વ્યક્ત કરતા કોર્ટને કહ્યું કે ગવર્નર વિધાનસભાની કાર્યવાહીમાં હસ્તક્ષેપ કરી શકે નહીં. આ બાજુ સદનમાં વિશ્વાસ પ્રસ્તાવ પર વોટિંગ શુક્રવારે કરાવવા મુદ્દે ભાજપ-કોંગ્રેસના ધારાસભ્યોમાં ખુબ ચર્ચા થઈ. ભજાપના ધારાસભ્યોએ આ મામલાને લાંબો ખેંચવાનો સવાલ ઊભો કર્યો હતો. 

જુઓ LIVE TV

આજના દિવસમાં આ ત્રણ સંભાવના હોઈ શકે છે
1. કર્ણાટકમાં આજે બધાની નજર રાજ્યપાલ પર ટકેલી છે કે કારણ કે 3 વાર પત્રો લખવા છતાં તેમની અવગણના થઈ છે. રાજ્યપાલ કેન્દ્રને પોતાનો રિપોર્ટ મોકલશે. જોવાનું રહેશે  કે કેન્દ્ર આ રિપોર્ટ પર શું વલણ અપનાવે છે. 

2. સુપ્રીમ કોર્ટમાં શનિવારે કોંગ્રેસ અને જેડીએસની અરજી પર સુનાવણી થઈ શકે છે. કર્ણાટકના મુખ્યમંત્રી એચડી કુમારસ્વામીએ સુપ્રીમ પાસે 17 જુલાઈના આદેશ પર સ્પષ્ટીકરણની માગણી કરી છે જેમાં 15 બળવાખોર ધારાસભ્યોની સદનની કાર્યવાહીમાં ભાગ નહીં લેવાનો વિકલ્પ પસંદ કરવાની મંજૂરી અપાઈ છે. મુખ્યમંત્રીએ કહ્યું કે બહુમત પરીક્ષણ કરવાના મામલે રાજ્યપાલ હસ્તક્ષેપ કરી રહ્યાં છે. આ બાજુ કર્ણાટક કોંગ્રેસના અધ્યક્ષ દિનેશ ગુંડુ રાવે પણ શુક્રવારે સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવ્યાં છે. દાવો કર્યો છે  કે કોર્ટનો 17 જુલાઈનો આદેશ પાર્ટીના પોતાના ધારાસભ્યોને વ્હિપ જારી કરવાના અધિકારનું હનન કરે છે. 

3. ભાજપ સમગ્ર રાજ્યમાં વિરોધ પ્રદર્શન કરી શકે છે. ભાજપના ધારાસભ્યોએ બહુમત પરીક્ષણમાં થઈ રહેલા વિલંબ પર ગુરુવારે વિધાનસભામાં આખી રાત ધરણા ધર્યા હતાં. ભાજપના નેતા યેદિયુરપ્પા સતત દાવો કરી રહ્યાં છે કે તેમની પાસે 106 ધારાસભ્યોનું સમર્થન છે. ભાજપ પોતાના વિરોધ પ્રદર્શનનો દાયરો વધારી શકે છે.  

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news