Amit Shah Arunachal Visit: અરુણાચલમાં અમિત શાહનો હુંકાર, 'કોઈ અમારી જમીન પર  કબજો જમાવી શકે નહીં'

Amit Shah Arunachal visit: ચીને કહ્યું કે આ ક્ષેત્રમાં સત્તાવાર પ્રવૃત્તિઓ ચીનની પ્રાદેશિક સાર્વભૌમત્વનું ઉલ્લંઘન કરે છે.  ત્યારે બીજી બાજુ ગૃહમંત્રી અમિત શાહે સોમવારે અરુણાચલ પ્રદેશની ધરતીથી વિરોધીઓને જડબાતોડ જવાબ આપ્યો. જાણો શું કહ્યું. 

Amit Shah Arunachal Visit: અરુણાચલમાં અમિત શાહનો હુંકાર, 'કોઈ અમારી જમીન પર  કબજો જમાવી શકે નહીં'

Amit Shah on China: ગૃહમંત્રી અમિત શાહે સોમવારે અરુણાચલ પ્રદેશની ધરતીથી વિરોધીઓને જડબાતોડ જવાબ આપ્યો. અમિત શાહે કહ્યું કે ભારતની સરહદો સંપૂર્ણ રીતે સુરક્ષિત છે અને કોઈ પણ આપણી જમીન પર કબજો જમાવી શકશે નહીં. ભારત-ચીન સરહદ નજીક આવેલી કિબિતુ ગામમાં અમિત શાહે ચીનનું નામ લીધા વગર કહ્યું કે સમગ્ર દેશ આજે પોતાના ઘરોમાં આરામથી ઊંઘી શકે છે કારણ કે આપણા ITBP ના જવાન અને સેના સરહદો પર રાત દિવસ ચોંકી કરે છે. આપણા પર ખરાબ નજર નાખવાની કોઈનામાં હિંમત નથી. અત્રે જણાવવાનું કે અમિત શાહ હાલ અરુણાચલ પ્રદેશના પ્રવાસે છે. બ દિવસના પ્રવાસે પહોંચેલા અમિત શાહે અરુણાચલ પ્રદેશના કિબિથુ વિસ્તારમાં વાઈબ્રન્ટ વિલેજ પ્રોગ્રામની શરૂઆત કરી. તેનાથી સરહદી ગામડાઓમાં રહેતા લોકોના જીવનની ગુણવત્તામાં સુધાર આવશે. આ સાથે જ પલાયનને રોકવા  અને સરહદોને મજબૂત કરવાના મુદ્દે પણ વાઈબ્રન્ટ વિલેજ પ્રોગ્રામ ખુબ મહત્વનો માનવામાં આવી રહ્યો છે. 

કિબિથુ ગામ ચીન સાથે જોડાયેલી સરહદ નજીક છે. અમિત શાહની વાઈબ્રન્ટ વિલેજ યોજના પર 4800 કરોડ રૂપિયા ખર્ચાશે. તેમનો આ પ્રવાસ ખુબ મહત્વનો ગણાઈ રહ્યો છે. કારણ કે હાલમાં જ ચીને અરુણાચલ પ્રદેશના 11 સ્થળોના નામ બદલી નાખ્યા હતા. અમિત શાહના આ પ્રવાસથી ચીનને પણ ખુબ મરચા લાગ્યા છે. તેમની મુલાકાતને લઈને ચીનમાં હોબાળો મચી ગયો છે. શાહની અરુણાચલની મુલાકાત પર ચીને કહ્યું કે તે ગૃહમંત્રીની મુલાકાતનો સખત વિરોધ કરે છે.

અમિત શાહ ગૃહમંત્રી તરીકે ઉત્તરપૂર્વીય રાજ્યની તેમની પ્રથમ મુલાકાતમાં ભારત-ચીન સરહદે આવેલા ગામ કિબિથુમાં 'વાઇબ્રન્ટ વિલેજ પ્રોગ્રામ' (VVP) લોન્ચ કર્યો.. બે દિવસની મુલાકાત દરમિયાન તેઓ લિકાબલી (અરુણાચલ પ્રદેશ), છપરા (બિહાર), નૂરનાદ (કેરળ) અને વિશાખાપટ્ટનમ (આંધ્રપ્રદેશ) ખાતે ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધારવા માટે ઇન્ડો-તિબેટિયન બોર્ડર પોલીસ (ITBP) પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કરશે. ચીન અને ભારત વચ્ચેના તણાવ વચ્ચે ગૃહમંત્રીની આ વિસ્તારની મુલાકાત થઈ રહી છે. ચીને 2 એપ્રિલે જાહેરાત કરી હતી કે તે અરુણાચલ પ્રદેશમાં 11 સ્થળોના નામ "માનક" કરશે. ચીનના નાગરિક બાબતોના મંત્રાલયે નકશા પરના 11 સ્થાનોની યાદી બહાર પાડી છે જે અરુણાચલ પ્રદેશના વિસ્તારોને દક્ષિણ તિબેટીયન વિસ્તારની અંદરના વિસ્તારો તરીકે દર્શાવે છે, જેને ચીન "ઝાંગનાન" કહે છે.

શાહની મુલાકાત અંગેના એક પ્રશ્નના જવાબમાં પ્રવક્તા વાંગ વેનબિને રોઇટર્સને જણાવ્યું હતું કે "ઝાંગનાન ચીનનો પ્રદેશ છે," તેમણે ઉમેર્યું હતું કે "ભારતીય અધિકારીની ઝંગનાનની મુલાકાત ચીનની પ્રાદેશિક સાર્વભૌમત્વનું ઉલ્લંઘન કરે છે અને સરહદ શાંતિ અને શાંતિવાર્તા માટે અનુકૂળ નથી."

ભારત સરકારે 4 એપ્રિલે આ ક્ષેત્ર પર ચીનના સાર્વભૌમત્વને સંપૂર્ણ રીતે નકારી કાઢ્યું હતું. એક નિવેદનમાં વિદેશ મંત્રાલયના સત્તાવાર પ્રવક્તા, અરિંદમ બાગ્ચીએ પુનરોચ્ચાર કર્યો કે અરુણાચલ પ્રદેશ ભારતનો આંતરિક ભાગ છે. “અમે આવા અહેવાલો જોયા છે. આ પહેલીવાર નથી જ્યારે ચીને આવો પ્રયાસ કર્યો હોય. અમે તેને સ્પષ્ટપણે નકારીએ છીએ.

વ્હાઇટ હાઉસે પણ આ ક્ષેત્રનું નામ બદલવાના ચીનના પગલાં સામે "જોરદાર વિરોધ" વ્યક્ત કર્યો છે. વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી કેરીન જીન-પિયરે કહ્યું કે યુનાઇટેડ સ્ટેટ્સ, જેમ તમે જાણો છો, લાંબા સમયથી તે પ્રદેશને માન્યતા આપી છે અને અમે વિસ્તારોના નામ બદલીને પ્રદેશ પરના દાવાને આગળ વધારવાના કોઈપણ એકપક્ષીય પ્રયાસનો સખત વિરોધ કરીએ છીએ.

તમને જણાવી દઈએ કે અમિત શાહે સોમવારે કિબિથુમાં 'ગોલ્ડન જ્યુબિલી બોર્ડર ઇલ્યુમિનેશન પ્રોગ્રામ' હેઠળ બનેલા નવ માઇક્રો હાઇડ્રોઇલેક્ટ્રિક પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું. VVP હેઠળ, સરકાર અરુણાચલ પ્રદેશ, સિક્કિમ, ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશ અને કેન્દ્રશાસિત પ્રદેશ લદ્દાખ રાજ્યોમાં 19 જિલ્લાના 46 બ્લોકમાં 2,967 ગામોના વિકાસ પ્રોજેક્ટને પ્રાયોજિત કરશે. અધિકારીઓએ જણાવ્યું હતું કે આ પ્રોજેક્ટ્સ આજીવિકા પ્રદાન કરશે અને સરહદી ગામોમાં રહેતા લોકોને વધુ સશક્ત બનાવશે. મંગળવારે, શાહ વાલાંગ યુદ્ધ સ્મારક પર શ્રદ્ધાંજલિ આપવા કિબિથુના માર્ગ પર વાલાંગથી લગભગ 7 કિમી દૂર નમતીની મુલાકાત લેશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news