Omicron Update: સાવધાન...રોકેટ ગતિથી વધી રહ્યા છે ઓમિક્રોનના કેસ, ગુજરાત સહિત આ રાજ્યોએ ચિંતા વધારી
ભારતમાં કોરોના વાયરસનું સંક્રમણ સતત વધી રહ્યું છે. કોરોનાનો નવો વેરિએન્ટ ઝડપથી રાજ્યોમાં ફેલાઈ રહ્યો છે.
Trending Photos
નવી દિલ્હી: ભારતમાં કોરોના વાયરસ (Corona Virus) નું સંક્રમણ સતત વધી રહ્યું છે. કોરોનાનો નવો વેરિએન્ટ (Omicron) ઝડપથી રાજ્યોમાં ફેલાઈ રહ્યો છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આજે જાહેર કરેલા આંકડા મુજબ દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 9 હજારથી વધુ દર્દીઓ નોંધાયા છે. જ્યારે ઓમિક્રોનના કેસનો આંકડો 781 થયો છે. હાલ દેશમાં 77002 દર્દીઓ સારવાર હેઠળ છે.
દિલ્હીમાં ઓમિક્રોનના સૌથી વધુ કેસ
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આજે જાહેર કરેલા આંકડા મુજબ દેશભરમાં ઓમિક્રોનના 781 કેસ નોંધાયા છે. ઓમિક્રોનના સૌથી વધુ કેસ રાજધાની દિલ્હીમાં નોંધાયેલા છે. અહીં સંક્રમિતોની સંખ્યા 238 થઈ છે. જેમાંથી 57 લોકો સાજા થયા છે. દિલ્હી બાદ સૌથી વધુ પ્રભાવિત રાજ્ય મહારાષ્ટ્ર છે જ્યાં ઓમિક્રોનના 167 કેસ નોંધાયા છે. જો કે રાજ્યમાં 72 લોકો સાજા પણ થયા છે. સૌથી વધુ ઓમિક્રોન પ્રભાવિત રાજ્યોમાં ગુજરાત ત્રીજા નંબરે છે. અહીં ઓમિક્રોનના 73 કેસ નોંધાયા છે. ત્યારબાદ કેરળમાં 65, તેલંગણામાં 62, રાજસ્થાનમાં 46, કર્ણાટકમાં 34, તમિલનાડુમાં 34, હરિયાણામાં 12, પશ્ચિમ બંગાળમાં 11, મધ્ય પ્રદેશમાં 9, ઓડિશામાં 8, આંધ્ર પ્રદેશમાં 6, ઉત્તરાખંડમાં 4, ચંડીગઢમાં 3, જમ્મુ અને કાશ્મીરમાં 3, ઉત્તર પ્રદેશમાં 2, ગોવા હિમાચલ પ્રદેશ અને લદાખ તથા મણિપુરમાં એક-એક ઓમિક્રોન કેસ નોંધાયા છે. કુલ 781માંથી 241 દર્દીઓ સાજા પણ થયા છે.
દેશમાં કોરોનાની સ્થિતિ
આરોગ્ય મંત્રાલયે આજે બહાર પાડેલા આંકડા મુજબ દેશમાં કોરોનાના કેસમાં ઉછાળો જોવા મળ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 9195 કેસ નોંધાયા છે. હાલ દશમાં કોરોનાના 77002 દર્દીઓ સારવાર હેઠળ છે.
781 Omicron cases in India so far. 9,195 new COVID19 cases reported in the last 24 hours, active caseload at 77,002 pic.twitter.com/T856yGqZ0k
— ANI (@ANI) December 29, 2021
કોરોનાથી બચવું હોય તો કરો આ 7 કામ
એક બાજુ દુનિયામાં ચારેબાજુ નવા વર્ષના સ્વાગત માટે ઉજવણીની તૈયારીમાં લાગેલા લોકો પર કોરોનાનું જોખમ સૌથી વધુ તોળાઈ રહ્યું છે ત્યારે બ્રિટનની સરકારે એક એડવાઈઝરી બહાર પાડી છે જેને ફોલો કરીને મહામારીથી બચી શકાય છે.
1. બહાર નીકળતી વખતે ફેસ માસ્ક પહેરો
ફેસ માસ્ક લગાવવાથી કોરોના ફેલાવવાની સંભાવના ઓછી થાય છે અને જાહેર સ્થળો પર જતા પહેલા માસ્ક લગાવવું સૌથી વધુ જરૂરી છે. કોવિડ-19ના સંક્રમણથી બચવા માટે તમારે હંમેશા ફેસ માસ્ક લગાવીને જ બહાર નીકળવું જોઈએ.
2. સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરો
ફેસ માસ્ક લગાવવાની સાથે જ સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરો અને ભીડભાડવાળી જગ્યાએ જતા બચો. નવા વર્ષના જશ્ન વચ્ચે ભીડ વધવાથી કોરોના સંક્રમણનું જોખમ વધે છે.
3. બરાબર હાથ ધૂઓ
કોરોના વાયરસથી બચવા માટે ક્યાંક પણ બહારથી આવો તો સારી રીતે સાબુ અને પાણીથી હાથ ધૂઓ. જો પાણી ન હોય તો તમે આલ્કોહોલવાળા સેનેટાઈઝરથી હાથને સમયાંતરે સાફ કરતા રહો. આ સાથે જ બહાર જાઓ ત્યારે મોઢા, આંખ અને નાકને બિલકુલ સ્પર્શ ન કરો.
4. બને તો ઘરેથી કામ કરો
મિરરના રિપોર્ટ મુજબ નવા વર્ષની પૂર્વ સંધ્યા પર કોઈને પણ કામ કરવું ગમતું નથી પરંતુ અનેક લોકોએ કામ કરવું પડતું હોય છે. જેને લઈને બ્રિટિશ સરકારે લોકોને સલાહ આપી છે કે કાર્યાલયોમાં કામ કરનારા કર્મચારી જે ઘરેથી કામ કરી શકે તેમ છે તે ઘરેથી કામ કરે.
5. કોઈ પણ ચીજ શેર કરતા બચો
જો તમે ક્યાંક બહાર જાઓ તો કોરોનાનું જોખમ વધુ રહે છે આવામાં મહામારીથી બચવા માટે કોઈ પણ ચીજ એકબીજા સાથે શેર કરતા બચો.
6. કોરોનાના લક્ષણો જોવા મળે તો આઈસોલેશનમાં રહો
જો તમારામાં કોવિડ-19ના લક્ષણો હોય કે તમારો ટેસ્ટ પોઝિટિવ આવ્યો હોય તો ઘરે જ રહો અને ડોક્ટરની સલાહ લેતા રહો. ભલે કોરોના રસીના બંને ડોઝ લીધા હોય પણ લક્ષણ દેખાય તો તરત ટેસ્ટ કરાવો અને જ્યાં સુધી ટેસ્ટ રિપોર્ટ ન આવે ત્યાં સુધી તમે સેલ્ફ આઈસોલેશનમાં રહો. શરદી, ઉધરસ, તાવ, સ્વાદ ન આવવો વગેરે કોરોનાના સામાન્ય લક્ષણ છે.
7 જલદી રસી લો
કોરોના મહામારી વિરુદ્ધ એકમાત્ર હથિયાર હાલ રસી ગણાય છે અને જો તમે રસી લેવા પાત્ર હોવ તો તરત રસી લઈ લો. આ સાથે જ જે લોકોએ રસીનો પહેલો ડોઝ લીધો છે તેઓ સમયસર બીજો ડોઝ લઈ લે. કારણ કે રસી લગાવ્યા બાદ હોસ્પિટલમાં દાખલ થવાનું કે બીમારીથી મોતનું જોખમ ઓછું થઈ જાય છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે