સૌથી ઘાતક વાયરસ કયો? કોરોનાથી મંકીપોક્સ સુધી...દુનિયાભરમાં કહેર મચાવી ચૂક્યા છે આ 8 ખતરનાક વાયરસ

8 Dangerous Viruses Have Spread All Over The World: દુનિયાભરમાં કોરોના વાયરસ સિવાય બીજા વાયરસનું સંક્રમણ પણ ઝડપથી ફેલાવા લાગ્યું છે. મંકીપોક્સનો વાયરસ અત્યાર સુધી 27 કરતાં વધારે દેશોમાં ફેલાઈ ચૂક્યો છે. ભારતમાં પણ વેસ્ટ નાઈલ ફીવર અને ટોમેટો ફ્લૂ જેવા સંક્રમણનો ખતરો વધી ગયો છે. 

સૌથી ઘાતક વાયરસ કયો? કોરોનાથી મંકીપોક્સ સુધી...દુનિયાભરમાં કહેર મચાવી ચૂક્યા છે આ 8 ખતરનાક વાયરસ

જયેશ જોશી, અમદાવાદ: અઢી વર્ષ કરતાં વધારે સમય પસાર થઈ ગયો છે. તેમ છતાં પણ કોરોના વાયરસ હજુ પોતાની અસર બતાવી રહ્યો છે. કોરોનાના ખતરાની વચ્ચે દુનિયામાં બીજા અનેક ખતરા મંડરાવા જઈ રહ્યા છે. એક્સપર્ટ્સ પહેલાં જ ચેતવી ચૂક્યા હતા કે કોરોના છેલ્લી મહામારી નથી. એવામાં નવા-નવા વાયરસ સામે આવ્યા પછી દુનિયા પર વધુ એક મહામારીનો ખતરો મંડરાઈ રહ્યો છે. 

દુનિયામાં બીજી મહામારીનો ખતરો?
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના જણાવ્યા પ્રમાણે દુનિયાના અનેક દેશોમાં ગંભીર બીમારીઓ ફેલાઈ રહી છે. દુનિયાના 27થી વધારે દેશોમાં મંકીપોક્સના લગભગ 800થી વધારે કેસ સામે આવી ગયા છે. તે સિવાય અન્ય 33 દેશોના બાળકોમાં એક્યૂટ હેપેટાઈટિસના 650 કેસ સામે આવ્યા છે. ભારતમાં પણ કોરોના સિવાય બીજી અન્ય બીમારીઓ ફેલાઈ રહી છે. ખાસ કરીને કેરળમાં. કેરળમાં ટોમેટો ફ્લૂ, વેસ્ટ નાઈલ ફીવર, સ્વાઈન ફ્લૂ અને નોરોવાયરસથી મોત થઈ ચૂક્યા છે તો તેના દર્દી મળી આવ્યા છે.

દુનિયામાં કયા વાયરસ ક્યાં ફેલાઈ રહ્યા છે:
1. મંકીપોક્સ:
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના જણાવ્યા પ્રમાણે 2 જૂન સુધી દુનિયાના 27 દેશોમાં મંકીપોક્સના 780 કેસ સામે આવ્યા છે. ચિંતાની વાત એ છે કે આ બીમારી તે જગ્યા પર ફેલાઈ રહી છે. જ્યાંથી આ વાયરસ એન્ડેમિક સ્ટેજમાં નથી. આ સંક્રમણ ઝડપથી ફેલાઈ રહ્યું છે. 29 મે સુધી 257 મામલા નોંધાયા હતા. જ્યારે 2 જૂન સુધી તેનો આંકડો 780 સુધી પહોંચી ગયો. રાહતની વાત એ છે કે અત્યાર સુધી તેનાથી કોઈપણ વ્યક્તિનું મોત થયું નથી.

2. Hemorrhagic ફીવર: 
આ બીમારી ઈરાકમાં ફેલાઈ રહી છે. તેનું આખું નામ ક્રીમીન-કોંગો Hemorrhagic ફીવર છે. 1 જાન્યુઆરીથી 22 મે સુધી તેના 212 કેસ નોંધાયા હતા. અને 7 લોકોના મોત થયા છે. આ બીમારી સંક્રમિત પશુને ખાવા કે સંક્રમિત વ્યક્તિના સંપર્કમાં આવવાથી ફેલાય છે.

3. એક્યૂટ હેપેટાઈટિસ:
દુનિયાના 33 દેશોમાં એક્યૂટ હેપેટાઈટિસના 650 કેસ સામે આવ્યા છે. હજુ આ બીમારી બાળકોમાં ફેલાઈ રહી છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના જણાવ્યા પ્રમાણે આ બીમારી વધારે ગંભીર છે અને બાળકોમાં લિવર ફેલ્યોરનું કારણ બની રહી છે.

4. સ્વાઈન ફ્લૂ: 
11 મેના રોજ જર્મનીએ જણાવ્યું હતું કે સ્વાઈન ફ્લૂનો એક કેસ સામે આવ્યો હતો. આ મામલો નોર્થ રાઈન-વેસ્ટફાલિયામાં સામે આવ્યો હતો. જોકે તેના પછી ત્યાં કોઈ કેસ સામે આવ્યો નથી. ભારતમાં પણ કેરળના કોકિઝોડમાં 12 વર્ષની એક બાળકીનું સ્વાઈન ફ્લૂથી મોત થયું હતું.

5. મર્સ:
2012માં મિડલ ઈસ્ટ રેસ્પિરેટરી સિન્ડ્રોમ એટલે MERSનો પહેલો કેસ સામે આવ્યો હતો. આ પણ કોરોના વાયરસ પરિવારનો જ એક વાયરસ છે. તેનાથી 850થી વધારે લોકોના મોત થયા હતા. હાલમાં જ ઓમાનમાં 34 વર્ષનો એક વ્યક્તિ આ વાયરસથી સંક્રમિત મળ્યો છે. તેના પછી તેના સંપર્કમાં આવેલા 6 નજીકના અને 27 હેલ્થકેર વર્કર્સને આઈસોલેટ કરી દેવામાં આવ્યો છે.

6. વેસ્ટ નાઈલ ફીવર:
ગયા મહિને કેરળમાં વેસ્ટ નાઈલ ફીવરથી 47 વર્ષના એક વ્યક્તિનું મોત થયું હતું. આ વાયરસથી કેરળમાં ત્રણ વર્ષ પછી કોઈનું મોત થયું છે. તેનાથી 2019માં પહેલું મોત થયું હતું. વેસ્ટ નાઈલ ફીવર મચ્છરો દ્વારા માણસોમાં ફેલાય છે.

7. ટોમેટો ફ્લૂ: 
કેરળના કોલ્લમ જિલ્લામાં ગયા મહિને 80 બાળકો ટોમેટો ફ્લૂથી સંક્રમિત થયા હતા. આ બીમારીથી સંક્રમિત થાય ત્યારે શરીર પર લાલ ચકામા થઈ જાય છે. આથી તેને ટોમેટો ફ્લૂ કહેવામાં આવે છે. આ બીમારીથી નાના બાળકોને વધારે ખતરો છે.

8. નોરોવાયરસ:
કેરળમાં નોરોવાયરસના બે કેસ સામે આવ્યા છે. તિરુવનંતપુરમમાં બે સ્કૂલના બાળકોમાં આ સંક્રમણ મળ્યું છે. ઝાડા-ઉલ્ટી તેના મુખ્ય લક્ષણ છે. સંક્રમિત થવાના 12થી 48 કલાક સુધી તેના લક્ષણ દેખાવાના શરૂ થઈ જાય છે. એકથી ત્રણ દિવસમાં તેનાથી સારું પણ થઈ જાય છે. પરંતુ અનેકવખત તેનાથી ગંભીર બીમારી પણ થઈ જાય છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news