3.5 કલાક શામળાજી હાઈવે રહ્યો બાનમાં : PSIની ગાડી સળગાવી, પથ્થરમારો અને આગચંપી

Sabarkantha Road Accident : સાબરકાંઠામાં ગામડી ગામના યુવકનું મોત થતાં રોષ.....ગ્રામજનોએ પોલીસ પર પણ પથ્થરમારો કર્યો..પોલીસનું વાહન પણ સળગાવવામાં આવ્યું

  3.5 કલાક શામળાજી હાઈવે રહ્યો બાનમાં : PSIની ગાડી સળગાવી, પથ્થરમારો અને આગચંપી

Sabarkantha News મહર્ષ ઉપાધ્યાય/સાબરકાંઠા : હિંમતનગર શામળાજી નેશનલ હાઇવે નંબર આઠ પર રોડ ક્રોસ કરવા જતા આધેડનું મોત નિપજ્યું હતું. જેથી રોષે ભરાયેલા ગામ લોકોએ ચક્કાજામ કરીને વિરોધ પ્રદર્શન કર્યું હતું. એટલું જ નહિ, ગુસ્સે થયેલા ટોળાએ પોલીસની ગાડી પણ સળગાવી હતી. ગામ લોકોએ આખો હાઈવે બ્લોક કરી પોલીસ વાહન સળગાવ્યું હતું. જેના બાદ ટોળાને વિખેરવા 120થી વધુ ટિયરગેસના શેલ છોડવા પડ્યા હતા. 

છેલ્લા છ વર્ષથી નેશનલ હાઇવે નંબર આઠના નવીનીકરણની કામગીરીએ ત્રણ વર્ષમાં 6 લોકોનો ભોગ લીધો છે. ત્યારે આજે સવારે 6:00 વાગે દૂધ ભરાવવા મંડળીમાં હાઇવે ક્રોસ કરીને જતા આધેડને ગામડી હાઇવે પર અજાણ્યા વાહને  ટક્કર મારી હતી. જેમાં તેમનું મોત નિપજ્યુ હતું. ત્યારે છેલ્લા ત્રણ વર્ષમાં આ છઠું મોત થતાં ગામ લોકો ઉશ્કેરાયા હતા અને ગામ લોકોએ વૃક્ષોની આડસો મૂકી હાઇવે ચક્કાજામ કરી દીધો હતો. 

એક તબક્કે નેશનલ હાઇવે નંબર આઠ પર ગામડીથી છેક રાજેન્દ્રનગર અને બીજી તરફ હિંમતનગર એમ બંને તરફ 10 થી 12 કિલોમીટર વાહનોની લાંબી લાઈનો લાગતા ગાંભોઈ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. પરંતુ ઉશ્કેરાયેલા ગામ લોકોએ પોલીસ પર પથ્થરમારો કર્યો હતો અને ગાંભોઈ પીએસઆઈની ગાડીને આગચંપી કરી હતી. તો સાથે સાથે પોલીસના અન્ય ત્રણ વાહનોને પણ નુકસાન કરી પોલીસ પર પથ્થર મારો પણ કર્યો હતો અને હાઇવે પર ત્રણ જગ્યાએ ટાયર સગાવવાના બનાવો પણ બન્યા હતા.

 

ઘટનાની ગંભીરતા જોઈને સાબરકાંઠા એલસીબી સાબરકાંઠા એસ.ઓ.જી અને જિલ્લા પોલીસ વડા વિજય પટેલ સહિતનો પોલીસનો કાફલો ત્યાં ખડકી દેવામાં આવ્યો હતો. સવારે 6:00 વાગ્યાથી થયેલો ચક્કાજામ 9:30 કલાક સુધી રહ્યો હતો. ત્યારે પોલીસે ટીયર ગેસના સેલ છોડતા મામલો બિચક્યો હતો. પરંતુ સમાજના અગ્રણીઓ અને અન્ય લોકો વચ્ચે પડતા આશરે છેલ્લે વૃદ્ધની લાશને સ્થાનિક લોકો ઉઠાવવા તૈયાર થયા હતા અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો હતો. 

અંતે, સાડા ત્રણ કલાક બાદ ટ્રાફિકજામ ખુલ્લો કરાયો હતો. ત્યારે સાબરકાંઠા પોલીસે પણ આ લોકોની જે બ્રિજ બનાવવાની માંગ છે તેની વાત ઉચ્ચ કક્ષાએ પહોંચાડવાની અને તંત્રનું ધ્યાન દોરવાની બાહેધરી આપી હતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news