5 લાખમાં 1 કિલો સોનું! સસ્તુ સોનું કહીને મારા હારા છેતરી ગયા, વલસાડથી પકડાઈ રાજસ્થાની ગેંગ
Gold price hits record high : વલસાડ પોલીસે અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર બે યુવકોને ઝડપીને તપાસ કરતા, તેઓ લોકોને સોનાના છેતરપીંડી કરીને ભાગેલા ચોર નીકળ્યા
Trending Photos
Valsad News ઉમેશ પટેલ/વલસાડ : હાલે બજારમાં સોનું 70 હજારને પાર થવાની તૈયારી છે ત્યારે જોકે વલસાડ જિલ્લામાં એક ગેંગ લોકોને 5 લાખ રૂપિયામાં 1 કિલો સોનું આપી રહ્યા છે. તમે પણ સાચું માની ગયા હશો. પરંતુ જો તમને કોઈ સસ્તું સોનું આપવાની લાલચ આપે તો તેમાં ભોળવાઈ ન જતા. વલસાડમાં એક ગેંગ સક્રિય બની છે અને સસ્તું સોનુ આપી જરૂરિયાતમંદ લોકોને છેતરી રહી છે. વલસાડ એસઓજી પોલીસની ટીમે મૂળ રાજસ્થાનના ઝાલોરની ગેંગના 2 સાગરીતોને રંગે હાથ ઝડપી પાડ્યા છે.
વલસાડની એસ ઓ જી પોલીસની ટીમ એ પારડી નજીક અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર બે શંકાસ્પદ વ્યક્તિઓની અટકાયત કરી તેમની પૂછપરછ કરી હતી. તેમની તલાસી લેતા તેમની પાસેથી સોનાના નાના 29 મણકા, સોના જેવી પીળી ધાતુની માળા અને ચાંદીના ગોળ જુના રાણી છાપ સિક્કા અને એક લાખ રૂપિયાથી વધુની રોકડ રકમ મળી આવી હતી. તેથી બંનેને પોલીસ સ્ટેશન લઈ જઈ આગવી ઢબે પૂછપરછ કરી હતી. પૂછપરછમાં આરોપીઓએ પોપટની જેમ પોતાનો ગુનો કબુલ કર્યો હતો. તપાસમાં બહાર તેઓએ થોડા સમય અગાઉ ભીલાડમાં એક વ્યક્તિને અસલી સોનું આપવાની લાલચ આપી આ નકલી સોનું પધરાવી રૂપિયા 50,000 થી વધુની છેતરપિંડી કરી હતી તે કબૂલ્યું.
ત્યારબાદ થોડા સમય અગાઉ જ તેઓએ વાપીના પણ એક વ્યક્તિને શરૂઆતમાં 10000 ની કિંમતમાં નાનો સોનાનો એક મણકો આપ્યો હતો, જેની ખરાઈ કરતાં તે સાચો નીકળતા આરોપીઓએ વાપીના વ્યક્તિને ફરિયાદીને સસ્તામાં અસલી સોનાના એક કિલોની માળા આપવાની લાલચ આપી હતી. માત્ર પાંચ લાખ રૂપિયામાં જ એક કિલો સોનાની નકલી સોનાની માળા મળતી હોવાની લાલચે લાલચમાં ભેરવાઈ ગયા હતા અને ત્યારબાદ આરોપીઓએ તે વ્યક્તિને એક કિલોની પીળી ધાતુની સોના જેવી માળા પણ આપી હતી. જોકે ફરિયાદીને શંકા જતા તેને સોનીની દુકાન પર લઈ જઈ તપાસ કરાવતા તે સોનુ નકલી નીકળ્યું હતું. પરિસ્થિતિ પારખી ગયેલા બંને ઠગો ત્યાંથી ફરાર થઈ ગયા હતા અને આખરે પોલીસના હાથે તેઓ દબોચાઈ ગયા હતા.
વલસાડ એસ.ઓ જીએ બંનેને પકડી લીધા છે. તેમની ઓળખ કરીએ તો જીતેન્દ્ર લાલારામ વાઘેલા અને અર્જુન ભીમાજી સોલંકી મૂળ રાજસ્થાનના ઝાલોરના વતની છે. જોકે છેલ્લા કેટલાક સમયથી પારડીમાં રહે છે. ઝડપાયેલા બંને આરોપી અતિશય રીઢા ગુનેગાર છે. એસઓજી પોલીસે બંનેની ધરપકડ કરી ઊંડાણ પૂર્વક તપાસ કરી હતી. આથી આરોપીઓએ અગાઉ પણ આચરેલ ગુનાઓના ભેદ ઉકેલાઈ રહ્યા છે.
પોલીસની તપાસમાં બહાર આવ્યં કે, આરોપીઓ શરૂઆતમાં ફૂલ વેચવાના બહાને ગલી મોહલ્લાઓને બજારમાં ફરતા હતા અને લાલચમાં ભોળવાઈ જાય તેવા લોકોની શોધ કરતા હતા. બાદમાં પૈસા આપી શકે તેવા વ્યક્તિઓને નિશાન બનાવી તેને શરૂઆતમાં સોનાના અસલી સોનાનો નાનો મણકો આપતા હતા. જેની ખરાઈ કરતા સામેની વ્યક્તિ વધુ લાલચમાં આવી સસ્તામાં સોનુ લેવા લલચાઈ જાય. ત્યારબાદ આરોપીઓ જે-તે ઈસમ સાથે લાખો રૂપિયાની ડીલ કરતા હતા. મકાનના ખોદકામમાં જુના સિક્કા અને સોનાની માળાઓ મળી છે અને તાત્કાલિક રૂપિયાની જરૂર હોવાથી સસ્તું સોનુ વેચવાની મજબૂરીનું કહીને ગરજાઉ વ્યક્તિને ફસાવતા હતા.
આરોપી પાસેથી વલસાડ એસ.ઓ જી પોલીસની ટીમે સોનાના નાના 29 મણકા અને સોના જેવી પીળી ધાતુની અને એક લાખથી વધુની રોકડ રકમ જપ્ત કરી છે. પોલીસે કડક પૂછપરછ કરતા આરોપીઓ અસલી સોનાની લાલચ આપી નકલી સોનું પધરાવીને લોકો સાથે છેતરપિંડી કરતા હોવાનું કબૂલ કર્યું હતું. આરોપીઓ વિરુદ્ધ રાજસ્થાનમાં પણ અનેક ગુનાઓ નોંધાઈ ચુક્યા છે. એસ.ઓ.જી પોલીસની ઊંડાણપૂર્વક તપાસ કરતા રિમાન્ડ દરમિયાન વધુ ગુન્હાઓ ઉકેલાઈ જશે તેવું મનાઈ રહ્યું છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે