શું ગુજરાતના વિદ્યાર્થીઓ આમ ભણશે? MS યુનિ.માં કોમર્સ ફેકલ્ટીના વિદ્યાર્થીઓ રામ ભરોસે
તાજેતરમાં એમ એસ યુનિવર્સિટીને નેકની ટીમે A+ રેન્કિંગ આપ્યું હતું. યુનિવર્સિટીને A+ રેન્કિંગ મળતાં તમામ લોકોએ તેની ઉજવણી પણ કરી. તેમ છતાં યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ રામ ભરોસે ભણી રહ્યા છે.
Trending Photos
રવિ અગ્રવાલ/વડોદરા: રાજ્ય સરકાર શિક્ષણમાં અવ્વલ હોવાની વાત કરે છે, ત્યારે વડોદરાની એમ એસ યુનિવર્સિટીમાં કોમર્સ ફેકલ્ટીના વિદ્યાર્થીઓ રામ ભરોસે છે. વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડાં થઈ રહ્યા છે. જેને લઈ યુનિવર્સિટી સત્તાધીશો વિવાદમાં આવ્યા છે.
તાજેતરમાં એમ એસ યુનિવર્સિટીને નેકની ટીમે A+ રેન્કિંગ આપ્યું હતું. યુનિવર્સિટીને A+ રેન્કિંગ મળતાં તમામ લોકોએ તેની ઉજવણી પણ કરી. તેમ છતાં યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ રામ ભરોસે ભણી રહ્યા છે. યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં અડધું શૈક્ષણિક સત્ર પૂરું થઈ ગયું હોવા છતાં હજી સુધી પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓના વર્ગો શરૂ કર્યા નથી, સાથે જ પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓનું પરિણામ પણ જાહેર કરાયું નથી. જેના કારણે બીજા અને ત્રીજા વર્ષના વિદ્યાર્થીઓની પ્રવેશ પ્રક્રિયા પણ હજી સુધી થઈ શકી નથી. જેને લઈ વિદ્યાર્થીઓના ભવિષ્યને લઈ અનેક સવાલો ઉઠવા પામ્યા છે.
યુનિવર્સિટીના હોશિયાર તંત્રએ એડમિશન વગર જ કોમર્સના બીજા અને ત્રીજા વર્ષના વિદ્યાર્થીઓને ભણાવવાનું પણ શરૂ કરી દીધું છે, એટલું નહિ વિદ્યાર્થીઓએ હજી વિષય પણ પસંદ કર્યા નથી, તેમ છતાં સત્તાધીશો વિદ્યાર્થીઓને મનફાવે તેમ ભણાવી રહ્યા છે. જેને લઈ વિદ્યાર્થીઓએ અનેક સવાલો ઉઠાવ્યા. ખુદ કોમર્સ ફેકલ્ટીના સેનેટ સભ્યે વાઇસ ચાન્સેલરને પત્ર લખી રજૂઆત કરી કે યુનિવર્સિટીના આંતરિક રાજકારણનો ભોગ વિદ્યાર્થીઓને ન બનાવો. વિદ્યાર્થીઓના વર્ગો અને એડમિશન પ્રક્રિયા વહેલી તકે શરૂ કરવા માંગ કરી.
યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર વિજયકુમાર શ્રીવાસ્તવની ફેકલ્ટીના સત્તાધીશો પર ઢીલી પકડ અને યુનિવર્સિટીના આંતરિક રાજકારણના કારણે વિદ્યાર્થીઓનું શિક્ષણ બગડી રહ્યું છે. ભવિષ્ય અંધકારમય બન્યું છે, તેમ છતાં વાઇસ ચાન્સેલર કુંભકર્ણની નિંદ્રામાં છે. યુનિવર્સિટીના PRO કોરોનાનું કારણ આગળ ધરી સત્તાધીશોની આબરૂ બચાવવાની કોશિશ કરી રહ્યા છે. સાથે જ કોમર્સ ફેકલ્ટીમાં તમામ પ્રક્રિયામાં મોડું થયું હોવાનો સ્વીકાર પણ કરી રહ્યા છે. આ ઉપરાંત દિવાળી બાદ રાબેતામુજબ શૈક્ષણિક સત્ર શરૂ થશે તેવી વાત પણ કરી રહ્યા છે.
મહત્વની વાત છે કે યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરના અણ આવડતના કારણે યુનિવર્સિટીનું નામ ખરાબ થઈ રહ્યું છે. શિક્ષણ ક્ષેત્રે એક સમયે એમ એસ યુનિવર્સિટીનો ડંકો વાગતો હતો, જે આજે સમયસર વર્ગો પણ શરૂ ન કરી શકતા યુનિવર્સિટીની શાખ દાવ પર લાગી છે. ત્યારે કોમર્સ ફેકલ્ટીના વિદ્યાર્થીઓના ભવિષ્યનું શું થશે તેને લઈ અનેક સવાલો ઉઠી રહ્યા છે..
જુઓ આ પણ વીડિયો:-
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે