વડોદરા : એકલી રહેતી 25 વર્ષની યુવતીએ આત્મહત્યા કરી, સ્યૂસાઈડ નોટ પણ ન છોડી...
Trending Photos
- રોજની જેમ બુધવારે પણ દીપિકા કામથી ઘરે આવી હતી. વહેલી સવારથી તેના મિત્રો અને સાથી કર્મચારીઓ તેને સંપર્ક કરી રહ્યા હતા. પંરતુ તેણે કોઈ જવાબ આપ્યો ન હતો
ઝી મીડિયા/બ્યૂરો :વડોદરામાં એક યુવતીએ રહસ્યમયી રીતે આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઈ છે. અકોટા વિસ્તારના એક મકાનમાં એકલી રહેતી સાબરકાંઠાની યુવતીએ આત્મહત્યા કરી લેતા તેના પરિવારજનો પણ હચમચી ઉઠ્યા છે. આઈટી કંપનીમાં એચઆર તરીકે ફરજ બજાવતી 25 વર્ષીય યુવતીએ અગમ્ય કારણોસર જીવન ટૂંકાવ્યું (suicide) છે. જોકે, તેણે કયા કારણોસર આત્મહત્યા કરી છે તે હજી જાણવા મળ્યું નથી.
પ્રાપ્ત માહિતી અનુસાર, દિપીકા બરંડા નામની યુવતી મૂળ સાબરકાંઠાના ભિલોડાની યુવતી છે. હાલ તેનો પરિવાર અમદાવાદમાં રહે છે. દિપીકા બરંડા દિવાળીપુરાની રિલીફ સ્ટાર્ટ ઈન નામની આઈટી કંપનીમાં એચઆર તરીકે કામ કરતી હતી. ત્રણ મહિના પહેલા જ તે અકોટા વિસ્તારમાં આવેલા એક એપાર્ટમેન્ટમાં ત્રીજા માળે ભાડે રહેતી હતી. તે કંપનીમા નાઈટ ડ્યુટી કરી હતી અને રોજ સવારે ઓફિસ આવતી હતી. રોજની જેમ બુધવારે પણ દીપિકા કામથી ઘરે આવી હતી. વહેલી સવારથી તેના મિત્રો અને સાથી કર્મચારીઓ તેને સંપર્ક કરી રહ્યા હતા. પંરતુ તેણે કોઈ જવાબ આપ્યો ન હતો. વહેલી સવારે ઘરકામ કરનારા બહેન પણ દીપિકાના ઘરે આવ્યા હતા. વારંવાર દરવાજો ખખટાવ્યા છતા તેણે અંદરથી દરવાજો ખોલ્યો નહતો. બપોર બાદ તેના મિત્રો એપાર્ટમેન્ટમાં પહોંચ્યા હતા અને દરવાજો ખોલવાનો પ્રયાસ કર્યો હતો. અંદરથી કોઈ જવાબ ન આવતા તેઓએ પોલીસમાં જાણ કરી હતી. જેના બાદ પોલીસે દરવાજો તોડ્યો હતો.
દરવાજો તોડતા ફ્લેટના ડ્રોઇંગ રૂમના પંખા સાથે દીપિકા ગળે ફાંસો ખાધેલી હાલતમાં જોવા મળી હતી. પોલીસને દીપિકાના રૂમમાંથી કોઈ સ્સૂસાઇડ નોટ મળી નથી. પરંતુ, પોલીસે તપાસ કરીને મોબાઈલ અને દીપિકાની અન્ય માહિતી એકઠી કરી છે. જેની તપાસ શરૂ કરી છે. દીપિકાના મોબાઈલમાંથી વધુ માહિતી મળી શકે તે હેતુથી પોલીસે તેના મોબાઈલની તપાસ શરૂ કરી છે. મોબાઈલનો ડેટા મેળવવા પ્રયાસ કરાશે.
દીપિકાના પરિવારમાં બે ભાઈ અને એક બહેન છે. તેનો પરિવાર અમદાવાદમાં છે. દીપિકાના આત્મહત્યાની જાણ થતા જ તેઓ વડોદરા દોડી આવ્યા હતા. પોસ્ટમોર્ટમ બાદ મૃતદેહ પરિવારને સોંપવામાં આવ્યો હતો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે