એક સમયના TikTok ફેમ વડોદરાના PSIને હવે ફિલ્મોમાં કામ કરવાનું ઘેલું લાગ્યું! એક ટ્વીટથી ખળભળાટ
વડોદરાના એક PSI છે જેમનું નામ છે અરૂણ મિશ્રા...આમ તો વારસિયા પોલીસ સ્ટેશનના PSI અરૂણ મિશ્રા હંમેશા ખાખીમાં ખોફ જમાવતા નજરે ચડે છે. ગુનેગારો આ સાહેબની એન્ટ્રીથી જ થરથર ધ્રુજે છે.
Trending Photos
હાર્દિક દીક્ષિત/વડોદરા: આમ તો સામાજિક દૃષ્ટિએ પોલીસ પ્રજા માટે હીરો જ હોય છે પરંતુ જો આજ પ્રજાના હીરોને ફિલ્મોમાં કામ કરવાનો ચસ્કો લાગી જાય તો તેને પછી વિલન જેવું પરિણામ ભોગવવું પડતું હોય છે. વડોદરાના એક PSI છે જેમનું નામ છે અરૂણ મિશ્રા...આમ તો વારસિયા પોલીસ સ્ટેશનના PSI અરૂણ મિશ્રા હંમેશા ખાખીમાં ખોફ જમાવતા નજરે ચડે છે. ગુનેગારો આ સાહેબની એન્ટ્રીથી જ થરથર ધ્રુજે છે. ત્યારે ભૂતકાળમાં tiktok સ્ટાર રહી ચૂકેલા મિશ્રા સાહેબને હવે રિયલ સિંઘમમાંથી રીલના સિંઘમ બનવાનો ચસ્કો લાગ્યો છે.
જી હા...અરૂણ મિશ્રા જ્યારથી વડોદરા આવ્યા ત્યારથી સતત સોશિયલ મીડિયામાં reels બનાવવાનું કુટેવના કારણે વગોવાયેલા છે. એકાદ વાર તો ઉપરી અધિકારીએ તેમને ટ્રાફિકમાં બદલી કરી સજા પણ ફટકારી છે. છતાં સાહેબના માથેથી બોલીવુડનું ભૂત ઉતરવા તૈયાર નથી. તાજેતરમાં જ આપણા આ દબંગ મિશ્રાજીએ ટ્વીટર પર એક ટ્વીટ કર્યું ને આવી ગયા સમાચારની સુરખીઓમાં... PSI મિશ્રાએ હવે બોલીવુડમાં કામ મેળવવા માટે શાહરુખ ખાન, અક્ષય કુમાર, રોહિત શેટ્ટી, જ્હોન અબ્રાહમ, જેવી મોટી હસ્તીઓ સામે કામ માટે હાથ લંબાવ્યા છે.
મિશ્રાજીએ એક ટ્વીટમાં ખાખી વર્ધીમાં પોતાનો સ્ટાયલિસ્ટ ફોટો અપલોડ કર્યોને લખી નાખ્યું... RATHYATRA BANDOBAST IN GUJARAT... PLS GIVE ME A ROLE IN IN ANY ONE OF YOUR PROJECT. શુદ્ધ ગુજરાતીમાં સમજીએ તો PSI અરૂણ મિશ્રાએ પોતાના ટ્વીટમાં લખ્યું છે કે, બોલીવુડના સાહેબો હાલ હું ગુજરાતમાં રથ યાત્રાના બંદોબસ્તમાં છું. ભવિષ્યમાં તમારો કોઈ નવો પ્રોજેક્ટ એટલે કે નવી ફિલ્મ આવવાની હોય તો મહેરબાની કરીને મને એમાં (રોલ) કામ આપજો. આ ટ્વીટ મિશ્રાજીએ બોલીવુડની મોટી હસ્તીઓને ટેગ કર્યું છે.
અરૂણ મિશ્રા તો પાછા બોલીવુડના એટલા જબરા ફેન કે તેમની મોટા ભાગની પોસ્ટ બોલીવુડની હસ્તીઓને ટેગ કરેલી હોય છે. ઘણી વાર તો આ સાહેબ બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચનને ય નથી છોડતા. કાંઈક કરતા હોય સેલિબ્રિટી રીઝાઈ જાયને બોલીવુડમાં કામ મળી જાય તો બસ. એ શું સવાર સાંજ બંદોબસ્તની ઝંઝટ! કહેવાનો ભાવાર્થ એટલો જ છે કે અસલમાં સાહેબે પહેલા જ નક્કી કરવાનું હતું કે તેમને રીલમાં હીરો બનવું છે કે રિયલમાં? રિયલમાં હીરો બન્યા એટલે કે ખાખી વર્ધી ધારણ કરી પણ એમાં ખાસ મજા ન આવી એટલે સાહેબને એમ કે હવે ફિલ્મોમાં કામ કરી લઈએ.
પોલીસની નોકરીએ ફક્ત નોકરી નથી બલ્કે સામાજિક જવાબદારી છે. સમાજના તમામ વર્ગના લોકોને સુરક્ષા પૂરી પાડવી એ પોલીસ કર્મીનું પહેલું કર્તવ્ય હોય છે, ત્યારે વડોદરાના PSI અરૂણ મિશ્રાના આ ફિલ્મી મિજાજથી હાલ ઉપરી અધિકારીઓ નારાજ જોવા મળી રહ્યા છે. ધોળા દિવસે ફિલ્મોમાં કામ કરવાના સપના જોતા અરૂણ મિશ્રાને ઉપરી અધિકારીએ ઠપકો આપતાં તેમણે બોલીવુડમાં કામ માંગવાની પોસ્ટ હાલ પૂરતી ડિલીટ મારી દીધી છે. જોકે ઘણી આદતો છૂટવી મુશ્કેલ છે ત્યારે આ સાહેબ આજે પણ પોતાની દરેક ગતિવિધિ કેમેરામાં કેપ્ચર કરવાનું ભૂલતા નથી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે