મધ્ય ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલમાં મોટો હોબાળો! માથાભારે તત્વો દ્વારા તબીબો પર હુમલો
વડોદરા શહેરમાં આવેલી સયાજી હોસ્પિટલમાં ગુજરાત સહિત પાડોશી રાજ્યોમાંથી ગરીબ દર્દીઓ સારવાર માટે આવતા હોય છે. ત્યારે આજે પાર્કિંગ કરવા જેવી નજીવી બાબતે કેટલાક માથાભારે ઈસમો દ્વારા તાત્કાલિક સારવાર વિભાગમાં ફરજ બજાવતા ત્રણ તબીબો પર હુમલો કરાતા મામલો ગરમાયો હતો.
Trending Photos
હાર્દિક દીક્ષિત/વડોદરા: મધ્ય ગુજરાતની સૌથી મોટી સયાજી સિવિલ હોસ્પિટલમાં ફરી એક વખત માથાભારે તત્વો દ્વારા તબીબો પર હુમલાની ઘટના સામે આવી છે. હુમલાની ઘટનાથી નારાજ તબીબો અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતરી જતાં ગરીબ દર્દીઓ એ હાલાકી વેઠવાનો વારો આવ્યો છે.
વડોદરા શહેરમાં આવેલી સયાજી હોસ્પિટલમાં ગુજરાત સહિત પાડોશી રાજ્યોમાંથી ગરીબ દર્દીઓ સારવાર માટે આવતા હોય છે. ત્યારે આજે પાર્કિંગ કરવા જેવી નજીવી બાબતે કેટલાક માથાભારે ઈસમો દ્વારા તાત્કાલિક સારવાર વિભાગમાં ફરજ બજાવતા ત્રણ તબીબો પર હુમલો કરાતા મામલો ગરમાયો હતો. જેના કારણે 400થી વધુ જુનિયર તબીબોએ પોતાનો રોષ વ્યક્ત કરી તાત્કાલિક ધોરણે અચોક્કસ મુદ્દતની હડતાળ ની જાહેરાત કરી દીધી હતી.
જોકે હુમલાનો ભોગ બનનાર તબીબોએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે હુમલાની ઘટનામાં હોસ્પિટલમાં જ ફરજ બજાવતો એક કોન્ટ્રાક્ટ પર હું કર્મચારી પણ સામેલ હતો. જ્યારે તબીબોએ ઉચ્ચ સ્તરે રજૂઆત કરી ત્યારે સત્તાધીશોએ મદદ કરવાને બદલે પોલીસ પાસે જવાની સુફિયાણી સલાહ આપી હતી.
સમગ્ર મામલે તાત્કાલિક સારવાર વિભાગના નોડલ ઓફિસરે પણ હોસ્પિટલના વડા તેમ જ સિક્યુરિટી સામે પોતાની નારાજગી વ્યક્ત કરી. જુનિયર તબીબોની તરફેણ કરતા જણાવ્યું હતું કે, દિવસ રાત જોયા વિના ગરીબ દર્દીઓને પોતાની સેવા આપતા તબીબો પર આ રીતે હુમલાની ઘટના બને એ ખૂબ ગંભીર બાબત છે. તાત્કાલિક સારવાર વિભાગ સહિત આખી સયાજી હોસ્પિટલમાં સિક્યુરિટી નો અભાવ છે. ક્યારેક તો વોર્ડમાં ચોરીઓ પણ થાય છે.
અગાઉ અમે આ બાબતે સુપરિટેન્ડેન્ટ ને રજૂઆત કરી છે પરંતુ યોગ્ય નિકાલ નહી આવતા ઉચ્ચ સ્તરે રજૂઆત કરવામાં આવશે. હાલ તમામ જુનિયર તબીબોએ હડતાળની જાહેરાત કરી છે, ત્યારે દર્દીઓ ને હાલાકી ન પડે તેના માટે સિનિયર તબીબો એ મોરચો સાંભળી લીધો છે ને દર્દીઓ ની સારવાર શરૂ કરી છે.
સયાજી હોસ્પિટલમાં ફરજ બજાવતા ત્રણ જુનિયર તબીબો પર હુમલા બાદ 400થી વધુ જુનિયર તબીબો એકાએક હડતાળ પર ઉતરી જતાં હોસ્પિટલ તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે એક ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવવામાં આવી હતી. જેમાં તમામ વિભાગોના વડાઓને સામેલ કરવામાં આવ્યા હતા. ઇન્ચાર્જ મેડિકલ સુપ્રિટેનડેન્ટ ગોખલે, RMO ડી કે હેલૈયા, સહિત ના તબીબી અધિકારીઓ આ બેઠક માં ઉપસ્થિત રહ્યા હતા.
ઉલ્લેખનીય છે કે સિક્યોરિટીની નિષ્ક્રિયતાને કારણે હોસ્પિટલમાં વારંવાર તબીબો સાથે ઘર્ષણ તેમજ હુમલાની ઘટના ઓ બનતી રહે છે ત્યારે સમગ્ર મામલે ખુલાસો કરવા રાજ્ય સરકાર સંચાલિત GISF સિક્યુરિટીના વડાને પણ બેઠકમાં બોલાવવા માં આવ્યા હતા, જેમાં GISFની સુરક્ષા એજન્સીની બેદરકારી છતી થઇ હતી. SSGના વિવિધ વિભાગોના વડાઓએ સુરક્ષા એજન્સી પ્રત્યે અસંતોષ દર્શાવ્યો હતો.
ખુદ RMOએ પણ સુરક્ષા એજન્સી પ્રત્યે અસંતોષ દર્શાવ્યો હતો, ત્યારે બેઠકમાં હાજર મીડિયા કર્મીઓએ GISFના સુપરવાઈઝર રાઉલજીને બેદરકારી બદલ સવાલો કરતા તેઓ બેઠક મહત્વપૂર્ણ બેઠક છોડી અચાનક ભાગ્યા હતા અને મીડિયાના કેમેરાથી પોતાનું મ્હો છુપાવી લીધું હતું, ત્યારે રેસીડેન્સ મેડિકલ ઓફિસર તેમજ હાલના ઇન્ચાર્જ સુપરિટેન્ડેન્ટ ડૉ દેવસિંહ હેલૈયા એ પોતાનું નિવેદન આપતા જણાવ્યું હતું કે અમે રાજ્ય સરકાર ની GISF ફોર્સથી સંતુષ્ઠ નથી. તબીબો તેમજ દર્દીઓને સુરક્ષા આપવામાં રાજ્ય સરકાર સંચાલિત GISF સિક્યુરિટી સદંતર નિષ્ફળ સાબિત થઈ છે. SSG હોસ્પિટલ માંથી GISFને બદલી કરવા સરકારમાં ઉગ્ર રજૂઆત કરીશું.
સયાજી સિવિલ હોસ્પિટલમાં તબીબો પર થયેલા હુમલાની ઘટનામાં ખુદ હોસ્પિટલમાં ફરજ બજાવતો કોન્ટ્રાક્ટ પરનો કર્મચારી સામેલ હોવાના આક્ષેપો થતા અહી હૉસ્પિટલ ના સત્તાધીશો સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે, તો સાથે જ હુમલાની ઘટના બાદ ગરીબ દર્દીઓના સ્વાસ્થ્યની સહેજ પણ ચિંતા કર્યા વિના તબીબોની હડતાળ પાડવી કેટલી યોગ્ય? ત્યારે સયાજી હોસ્પિટલના જ બે વિભાગોના કકળાટમાં ગરીબ ઘરના દર્દીઓએ હાલ હાલાકી ભોગવવી પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે