ગેરકાયદેસર હથિયારનો વેપાર કરતા પ્રતીક ચૌધરી સહિત ત્રણ લોકોની ધરપકડ, હથિયાર ખરીદનાર પણ ઝડપાયા

રાજ્યમાં ગેરકાયદેસર હથિયારનું ખરીદ-વેચાણ કરતા લોકોને સોલા પોલીસે ઝડપી લીધા છે. મુખ્ય આરોપી પ્રતીક ચૌધરી પાસેથી પોલીસે હથિયાર પણ જપ્ત કર્યાં છે. જ્યારે આરોપીની પૂછપરછ બાદ હથિયાર ખરીદનારા છ લોકોને પણ પોલીસે ઝડપ્યા છે. 

ગેરકાયદેસર હથિયારનો વેપાર કરતા પ્રતીક ચૌધરી સહિત ત્રણ લોકોની ધરપકડ, હથિયાર ખરીદનાર પણ ઝડપાયા

અતુલ તિવારી, અમદાવાદઃ સોલા પોલીસે બાતમીના આધારે ગેરકાયદે હથિયારનો વેપાર કરતા પ્રતીક ચૌધરીની ધરપકડ કરી છે. સોલા હાઈકોર્ટ પોલીસે મુખ્ય આરોપી પ્રતીક ચૌધરીના હથિયાર જપ્ત કર્યાં છે. પ્રતીક ચૌધરીના મદદકર્તા બિપિન મિસ્ત્રી અને જતીન પટેલ નામના બે શખ્સોની પણ ધરપકડ કરી છે. આ ત્રણેયની પૂછપરછ બાદ પોલીસે અન્ય છ લોકોની પણ ધરપકડ કરી છે. આ છ લોકોને ગેરકાયદેસર રિવોલ્વર વેચવામાં આવી હતી. 

ગેરકાયદે રિવોલ્વર વેચવા, લાયસન્સ બનાવી આપવા અંગે જુદી જુદી કલમો સહિત આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. મુખ્ય આરોપી પ્રતીક ચૌધરીએ તપાસ દરમિયાન પોતે આસામ રાઈફલમાં કામ કરતો હોવાનું કહ્યું, જે અંગે કોઈ આધારભૂત પુરાવો ના મળતા પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. જમ્મુ કાશ્મીરમાં ખાતેથી બસમાં હથિયાર લઈને આવતા હોવાનું તપાસમાં સામે આવ્યું, પોલીસ જમ્મુ કાશ્મીર ખાતે પણ વધુ તપાસ કરશે.

13 ઓગસ્ટના રોજ બપોરે 1:00 વાગે એસપી રીંગરોડ, ઓગણેજ સર્કલ ખાતેથી મુખ્ય આરોપી પ્રતીક ચૌધરીને પોલીસે ઝડપ્યો હતો. પરમિટ વગર 32 બોર રિવોલ્વર તેમજ જીવતા 12 નંગ કારતુસ તથા ફોડેલા 4 કારતુસ તેમજ ટીઆગો કાર સહિત કુલ ₹4,67,400 ના મુદ્દામાલ સાથે પ્રતીક ઝડપાયો હતો. પ્રતિક ચૌધરીની પૂછપરછ કરતા માલુમ પડ્યું હતું કે, અમદાવાદ અને ગાંધીનગર જિલ્લામાં અલગ અલગ લોકોને જમ્મુ કશ્મીર ખાતેથી રિવોલ્વર લાવી ખોટા લાયસન્સ બનાવી વેચાણ કર્યા છે.

પ્રાથમિક માહિતી મુજબ 15 લાખથી 25 લાખ રૂપિયા વસૂલી પ્રતીક ચૌધરી ખોટા લાયસન્સ બનાવી ગેરકાયદે હથિયારનું વેચાણ કરતો હતો. પ્રતીક ચૌધરી દ્વારા વેચાણ કરેલા કેટલાક હથિયારો પણ પોલીસે કબજે કર્યા, કુલ 11 લાખ 43 હજાર 400 રૂપિયાનો મુદ્દામાલ રિકવર કરાયો છે. ખોટા લાયસન્સ સાથેની રિવોલ્વર ખરીદી અને ગેરકાયદે હથિયાર રાખવા બદલ પોલીસે છ શખ્સોને ઝડપ્યા છે જેમાં ભાવેશ ટેવાણી, અનિલ વાઘેલા, નબી ઉર્ફે નબો જાદવ, નવસાદ મલિક, સચિન ઠાકોર તેમજ સુભાષ ઠાકોરનો સમાવેશ થાય છે. 

મુખ્ય આરોપી પ્રતીક ચૌધરીને તેને મદદ કરતા બે શખ્સોની વિગત :
1. મુખ્ય આરોપી પ્રતીક ચૌધરી જે જમ્મુ કશ્મીર ખાતેથી રિવોલ્વર હથિયાર લાવી તેના ખોટા લાયસન્સ બનાવી અલગ અલગ વ્યક્તિઓને વેચતો હતો, જેના કબજામાંથી તપાસ દરમિયાન પાંચ હથિયાર તથા જીવતા કારતુસ મળી આવ્યા. મુખ્ય આરોપી પ્રતીક ચૌધરી મૂળ ઇડરનો રહેવાસી, જે હાલ ગાંધીનગરના સરગાસણમાં રહેતો હતો.

2. મુખ્ય આરોપી પ્રતીક ચૌધરીને મદદ કરતા જતીન પટેલ જે સિક્યોરિટી ગાર્ડ તરીકે નોકરી કરે છે, જે વિસનગરનો રહેવાસી છે. તપાસ દરમિયાન જતીન નિવૃત્ત સૈનિક હોવાનું માલુમ પડ્યું છે. જતીન પટેલ નિવૃત સૈનિકનો સંપર્ક કરી તેઓના લાયસન્સ રીન્યુ કરી આપવાની લાલચ આપી તેમના લાયસન્સ મેળવી મુખ્ય આરોપી પ્રતિક ચૌધરીને મદદગારી કરી આર્થિક લાભ મેળવતો હતો.

3. મુખ્ય આરોપી પ્રતીક ચૌધરીને મદદ કરતા તરીકે જ બિપિન મિસ્ત્રીને પણ પોલીસે ઝડપ્યો. જે અમદાવાદના સાયન્સ સિટી ખાતે રહે છે. બિપિન મિસ્ત્રી મુખ્ય આરોપી પ્રતિક ચૌધરી સાથે જમ્મુ કશ્મીર વેપન લેવા જઈ તેમના ડુપ્લીકેટ લાયસન્સ બનાવવામાં મદદ કરતો હતો.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news