સાધુના વેશમાં લૂંટતી ટોળકીનો પર્દાફાશ, 37 ગુના કબૂલ્યા

બની શકે એ કારમાં બેઠેલા સાધુ નકલી હોય અને તે વાતોમાં ભોળવી તમારું બધું જ લૂંટી લે. મહેસાણા પોલીસે આવા 37 ગુનાને અંજામ આપી ચુકેલા ત્રણ શખ્સોને પકડ્યા છે

સાધુના વેશમાં લૂંટતી ટોળકીનો પર્દાફાશ, 37 ગુના કબૂલ્યા

તેજસ દવે/મહેસાણા :જો તમે રસ્તા પરથી પસાર થઈ રહ્યો છો, અને જો તમારી નજીક કોઇ કાર આવીને ઉભી રહે અને તેમાં કોઈ સાધુ બેઠા હોય અને તમને કોઈ સરનામું પૂછે તો જવાબ આપતા પહેલા 100 વખત વિચારજો. બની શકે એ કારમાં બેઠેલા સાધુ નકલી હોય અને તે વાતોમાં ભોળવી તમારું બધું જ લૂંટી લે. મહેસાણા પોલીસે આવા 37 ગુનાને અંજામ આપી ચુકેલા ત્રણ શખ્સોને પકડ્યા છે. આ ટોળકી સાધુ વેશ ધારણ કરી અત્યાર સુધી લાખો રૂપિયા સેરવી ચૂકી છે. 

હિન્દુ ધર્મમાં સાધુને વિશેષ આદરનું સ્થાન આપવામાં આવ્યું છે. ભગવાના વેશમાં હવે લૂંટનો ધંધો શરૂ થયો છે. મહેસાણા પોલીસે પકડેલા ત્રણ સાધુઓએ એવા કારસ્તાન કર્યાં છે કે તમે જાણીને દંગ રહી જશો. મૂળ ગાંધીનગર જિલ્લાના દહેગામ નજીક આવેલા ગણેશપુરા ગામના રહેવાસી બનાનાથ ઉર્ફે રાજનાથ ઉર્ફે બનીયો તેમજ નરસિંહ નાથ ઉર્ફે નરીયો નામના આ બંને શખ્સોનું મૂળ કામ સાપ પકડવાનું છે. તેઓ લોકોને ખેલ બતાવી મનોરંજન કરવાનું કામ કરે છે. પણ ખેલ બતાવી પૈસા કમાવવાને બદલે આ બંને શખ્સો લૂંટના રસ્તે ચઢી ગયા. આ બંને શખ્સો ગાડી લઈને વિવિધ વિસ્તારમાં નીકળતા અને ગાડીમાં નરસિંહ નાથ સાધુનો વેશ ધારણ કરીને બેસતો હતો. આ બંને શખ્સ કોઈ સોસાયટી નજીક ગાડી ઉભી રાખી ત્યાંથી પસાર થતા વ્યક્તિને બોલાવી તેને પહેલા સરનામું પૂછતાં અને ત્યારબાદ સાધુ વેશે પાછળ બેઠેલા નરસિંહ નાથને બતાવી તે હિમાલયથી તપ કરીને આવેલા સાધુ હોવાની ઓળખ આપો હતો. ત્યાર બાદ વાતોમાં ભોળવી તે વ્યક્તિએ પહેરેલા સોનાના દાગીના ઉતારી લઈ ફરાર થઈ જતા. ત્યારબાદ આ ટોળકી અમદાવાદના સોની સુમિત સોનીને સસ્તા ભાવે સોનાના દાગીના વેચી દેતા હતા. આ ટોળકી ગુજરાત અને અન્ય રાજ્યોમાં 37 જેટલા ગુનાને અંજામ આપી ચૂકી છે. તો અગાઉ 10 કરતા વધુ ગુનામાં પકડાઈ ચૂકી છે.

આ વિશે મહેસાણાના એસપી પાર્થરાજ ગોહિલે જણાવ્યું કે, સાધુ વેશ ધારણ કરી લોકોને છેતરી લેતી ટોળકી સંમોહન વિદ્યા કે કોઈ કેમિકલનો ઉપયોગ કરતી હોવાની અમને શંકા છે. જ્યારે કોઈ વ્યક્તિ તેમની નજીક આવે તો ત્યારે સાધુ વેશે ગાડીમાં બેઠેલો નરસિંહ નાથ તેની આંખોમાં આંખ નાખીને વાત કરતો અને ત્યારબાદ તેની સાથે વાત કરનાર વ્યક્તિ ભોળવાઈ જતો હતો. બાદમાં તક જોઈને દાગીના ઉતરાવી ટોળકી ફરાર થઈ જતી હતી. આ ટોળકીએ મહેસાણામાં ત્રણ ગુનાને અંજામ આપ્યો છે. મોઢેરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બે અને મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં 1 ગુનાને અંજામ આપ્યો છે. તો આ ટોળકી પાસેથી હાલોલમાં આ પ્રકારે ઠગાઈ કરવાના મામલે રૂપિયા 8.05 લાખનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે. 

આ ટોળકીની મોડસ ઓપરેન્ડી જોઈ પોલીસ પણ વિચારતી થઈ ગઈ હતી. જોકે હાલમાં આ ટોળકી પાસેથી કોઈ કેમિકલ કે અન્ય પદાર્થ પકડાયા નથી. સાધુને આપણે ત્યાં માન આપવાની પરંપરા છે. પણ આ બનાવને પગલે અજાણ્યા સાધુને માન આપવા જતા બધું ગુમાવવું પડી શકે છે. જોકે આ પ્રકારની રાજ્યમાં અનેક ઘટનાઓ બની છે. ત્યારે પોલીસે આ ટોળકી સાથે અન્ય કેટલા લોકો જોડાયેલા છે તે જાણવા માટે સઘન તપાસ હાથ ધરી છે.

ગુજરાતના વધુ સમાચાર જોવા ક્લિક કરો અહીં.....

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news