ગુમ સ્વીટી પટેલ કેસમાં નવો વળાંક, દહેજમાં બિલ્ડીંગ પાછળ મળેલા હાડકા કોના?

ગુમ સ્વીટી પટેલ કેસમાં નવો વળાંક, દહેજમાં બિલ્ડીંગ પાછળ મળેલા હાડકા કોના?
  • દહેજ પાસેના અટાલી ગામ નજીક આવેલા 3 માળના અવાવરુ બિલ્ડિંગની શોધખોળ કરાતાં મકાનની અંદર તથા પાછળના ભાગેથી સળગેલી હાલતમાં કેટલાંક હાડકાં મળ્યાં

રવિ અગ્રવાલ/વડોદરા :વડોદરા જિલ્લાના પીઆઈ અજય દેસાઈના પત્ની ગુમ થવાનો મામલો સ્વીટી પટેલ છેલ્લા એક મહિનાથી પણ વધુ સમયથી ગુમ છે. પોલીસ દહેજમાં મોટાપાયે શોધખઓળ ચલાવી રહી છે. ત્યારે પોલીસને તપાસ દરમિયાન શંકાસ્પદ હાડકા મળી આવ્યા છે. દહેજના અટાલી ગામ પાસે અવાવરૂ જગ્યા પર આવેલ બિલ્ડિંગ
પાછળથી હાડકા મળ્યા છે. હાલ પોલીસે આ શંકાસ્પદ હાડકા તપાસ માટે FSL માં મોકલ્યા છે. તેના DNA ટેસ્ટ પણ કરાશે. આ હાડકા સ્વીટી પટેલના હોવાનું પોલીસ અનુમાન લગાવી રહી છે. FSL અને DNA રિપોર્ટ બાદ જ સત્ય હકીકત સામે આવશે.

પોલીસ છેલ્લા પાંચ દિવસથી દહેજમાં સર્ચ અભિયાન ચલાવી રહી છે. ત્યારે શનિવારે બપોર બાદ દહેજ પાસેના અટાલી ગામ નજીક આવેલા 3 માળના અવાવરુ બિલ્ડિંગની શોધખોળ કરાતાં મકાનની અંદર તથા પાછળના ભાગેથી સળગેલી હાલતમાં કેટલાંક હાડકાં મળ્યાં હતા. આ હાડકા પોલીસ માટે પણ કોયડો સમાન બન્યા છે. પહેલાતો આ હાડકાં માનવ શરીરનાં છે કે પ્રાણીઓનાં છે તે તપાસમાં આવશે. હાડકાને એકઠા કરી એફએસએલમાં મોકલી દેવાયા છે. એફએસએલ દ્વારા હાડકાંના નમૂના એકત્ર કરીને તપાસ શરૂ કરાઇ હતી. 

35 દિવસથી ગુમ છે સ્વીટી પટેલ 
સ્વીટી પટેલના ગુમ થયાના 35 દિવસ થઈ ચૂક્યાં છે. પરંતુ હજી સુધી પોલીસને તેના કોઈ સમાચાર મળ્યા નથી. પોલીસ હાલ PI દેસાઈના સીડીએસ રિપોર્ટની રાહ જોઈ રહી છે. જેમાં વધુ ચોંકાવનારી માહિતી મળી શકે છે. પરંતુ સ્વીટી પટેલ અને પીઆઈ અજય દેસાઈનું પ્રેમપ્રકરણ ભારે ચર્ચામાં રહ્યુ હતું. સ્વીટી પટેલના અગાઉ લગ્ન થયા હતા. પતિથી અલગ થયા બાદ સ્વીટી અમદાવાદના બોપલ વિસ્તારમાં રહેતી હતી. વર્ષ 2015 માં અમદાવાદ રૂરલમાં એલ.આઇ.બી.માં પી.એસ.આઇ. તરીકે અજય દેસાઈનું પોસ્ટીંગ હતું. એક સ્કૂલમાં "માઇન્ડ પાવર" નામના યોજાયેલા ક્રાયક્રમમાં પી.આઇ. એ.એ. દેસાઇ અને સ્વીટી પટેલ સંપર્કમાં આવ્યા હતા. તે બાદ તેઓ વચ્ચે પ્રેમ પ્રાંગર્યો હતો. તેના બીજા જ વર્ષે 2016 માં બંનેએ લગ્ન કર્યા હતા. 

સ્વીટીની હત્યાની શંકાથી મૃતદેહોની તપાસ કરી 
ગુમ થયાના એક મહિના બાદ સ્વીટીની હયાતીના કોઈ પુરાવા મળ્યા નથી. તેથી પોલીસે હવે બીજી દિશામાં તપાસનો દોર શરૂ કર્યો છે. રાજ્યના બિનવારસી મૃતદેહોની શોધખોળ બાદ પોલીસે પાડોશી રાજ્યોમાં બિનવારસી મૃતદેહોની તપાસ તરફ ધ્યાન કેન્દ્રિત કરતાં હત્યાની શંકા સેવાઈ રહી છે. રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાંથી બિનવારસી મૃતદેહોની માહિતી એકત્ર કરવા સાથે તપાસ શરૂ કરી છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news