હવામાન વિભાગે કરી રેડ એલર્ટની આગાહી, સરકારી શાળાઓના સમયમાં કરાયો ફેરફાર

રાજ્યમાં ઉત્તર પશ્ચિમ તરફથી આવતા ગરમ પવનને લીધે અમદાવાદ સહિત રાજ્યભરમાં હવે આકરા ગરમીના દિવસોની શરૂઆત થઈ ગઈ છે. આજે હવામાન વિભાગે ગરમીનો પારો 44 ડિગ્રીએ પહોંચવાની આગાહી કરી છે.

હવામાન વિભાગે કરી રેડ એલર્ટની આગાહી, સરકારી શાળાઓના સમયમાં કરાયો ફેરફાર

અમદાવાદ: રાજ્યમાં ઉત્તર પશ્ચિમ તરફથી આવતા ગરમ પવનને લીધે અમદાવાદ સહિત રાજ્યભરમાં હવે આકરા ગરમીના દિવસોની શરૂઆત થઈ ગઈ છે. આજે હવામાન વિભાગે ગરમીનો પારો 44 ડિગ્રીએ પહોંચવાની આગાહી કરી છે. ત્યારૈ 26 થી 28 એપ્રિલ ઉત્તર ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રમાં હિટવેવની અસર રહેશે. અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠા, બનાસકાંઠા, કચ્છ, વડોદરા, રાજકોટ, સુરેન્દ્રનગર અને અમરેલી સહિતમાં ગરમ પવનો ફૂંકાશે. અમદાવાદ શહેરમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું હતું. 26 એપ્રિલે અમદાવાદ ગરમીનો પારો 45 ડિગ્રીએ પહોંચવાની હવામાન ખાતાએ આગાહી કરી છે અને રેડ એલર્ટ જાહેર કરાયું છે.

આ કાળઝાળ ગરમીને ધ્યાનમાં રાખતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને એક એડવાઇઝરી પણ જાહેર કરી છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે, રાત્રીના 11 વાગ્યા સુધી હવે બાગ બગીચાઓ ખુલ્લા રહેશે. એસટી ડેપો પર પાણીની વ્યવસ્થા કરવામાં આવશે. આ ઉપરાંત બીઆરટીએસના સ્ટેન્ડ પર ઓઆરએસ પેકેટનું વિતરણ કરવામાં આવશે. નોંધનીય છે કે, ગઇકાલે 102 લોકોને ગરમીની અસર થઇ હતી. જેમાં 24 લોકો બેભાન થઇ ગયા હતા.

તો બીજી બાજુ હવામાન ખાતાની ઓરેન્જ અને રેડ એલર્ટની આગાહી બાદ AMC સંચાલિત શાળાઓના સમય ફેરફાર કરવામાં આવ્યો છે. 5 મે સુધી ધોરણ 1થી 8નો સમય સવારે 7થી 11 કરવામાં આવ્યો છે. ત્યારે બાળકોને 10:30 કલાકે મધ્યાહન ભોજન આપવાનું રહેશે. કોર્પોરેશનની 382 શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

ગરમીથી બચવા શું કરવું
હેલ્થ એક્સપર્ટસનું કહેવું છે કે, ગરમીમાં તમામ લોકોએ બહુ જ ધ્યાન રાખવાની જરૂર છે. તરસ ન લાગી હોય તો પણ પુષ્કળ માત્રામાં પાણી પીવું. ઓઆરએસ, લીંબુ પાણી, લસ્સી, છાશ, વરિયાળી શરબત વગેરેનું સતત સેવન કરવું. આછા રંગના, હળવા સુતરાઉ કપડા પહેરવા. બહાર નીકળતા સમયે ટોપી, છત્રી, સ્કાર્ફ, ગોગલ્સનો ઉપયોગ કરવો. તેમજ ફિલ્ડમાં ફરનારા લોકોએ સમયાંતરે છાયડામાં આરામ કરી લેવો. બપોરે 12થી 3 વાગ્યા સુધી તડકામાં ન નીકળવું. રસોઈ કરતા સમયે બારી દરવાજા ખુલ્લા રાખવા. ખાવામાં ચા-કોફી કે અન્ય ગરમ પીણાં, તથા વાસી અને તળેલા ખોરાકનો ઉપયોગ ઓછો કરવો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news