અમારી સરકાર બની તો આર્થિક સર્વે કરાવશે કોંગ્રેસ, ગુજરાતની ધરતી પર બોલ્યા રાહુલ ગાંધી
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ આજે પાટણમાં ચૂંટણી રેલી સંબોધી હતી. પોતાના સંબોધનમાં રાહુલ ગાંધીએ કેન્દ્રની સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે તે બંધારણ ખતમ કરવા ઈચ્છે છે. આ સાથે રાહુલ ગાંધીએ કહ્યું કે કોંગ્રેસની સરકાર બની તો આર્થિક સર્વે કરવામાં આવશે.
Trending Photos
પાટણઃ ગુજરાતમાં 7 મેએ ત્રીજા તબક્કામાં મતદાન થવાનું છે. રાજકીય પાર્ટીઓ જોરશોરથી ચૂંટણી પ્રચાર કરી રહી છે. આજે પાટણમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. રાહુલ ગાંધીએ સોમવારે કહ્યું કે જો કેન્દ્રમાં તેમની સરકાર બને છે તો તે પ્રાથમિકતાના આધાર પર દેશમાં જાતિ અને આર્થિક સર્વેક્ષણ કરાવશે. રાહુલે કહ્યું કે દેશની 90 ટકા વસ્તી એસસી, એસટી અને ઓબીસી છે પરંતુ તેમને કોર્પોરેટ, મીડિયા, ખાનગી હોસ્પિટલ, ખાનગી વિશ્વવિદ્યાલયો કે સરકારી વિભાગમાં યોગ્ય પ્રતિનિધિત્વ મળી રહ્યું નથી.
રાહુલ ગાંધીએ આ દરમિયાન ભાજપ અને આરએસએસ પર બંધારણમાં ફેરફાર કરવાના ષડયંત્રનો આરોપ લગાવ્યો હતો. તેમણે દાવો કર્યો કે સત્તામાં રહેલું એનડીએ અનામતની વિરુદ્ધ છે. રાહુલ ગાંધીએ કહ્યું- અનામતનો અર્થ છે ગરીબો, આદિવાસીઓ, દલિતો અને પછાતવર્ગની ન્યાયપૂર્ણ ભાગીદારી. નરેન્દ્ર મોદી ખાનગીકરણને હથિયાર બનાવી તમારો આ હક છીનવી લેવા માંગે છે. અમે સત્તામાં આવ્યા બાદ સૌથી પહેલા જાતિ અને આર્થિક સર્વેક્ષણ કરાવશું. રાહુલ ગાંધીએ પાટણથી કોંગ્રેસ ઉમેદવાર ચંદનજી ઠાકોર માટે ચૂંટણી પ્રચાર કર્યો હતો.
રાહુલ ગાંધીએ કહ્યું કે હિન્દુસ્તાનમાં 40 ટકા ધન પર માત્ર 1 ટકા લોકોનો અધિકાર છે. આ દેશનું સત્ય છે. પછી નરેન્દ્ર મોદી અને ભાજપના લોકો કહે છે કે અનામત હટાવી દેશું. અગ્નિવીર અને ખાનગીકરણ જેવા કામ અનામતને ખતમ કરવાની રીત છે. વર્તમાન સમયમાં બે વિચારધારાની લડાઈ છે. એક તરફ કોંગ્રેસ અને INDIA ગઠબંધન છે, જે બંધારણ બચાવવામાં લાગ્યા છે. બીજીતરફ મોદી અને આરએસએસ છે, જે બંધારણ ખતમ કરવાનો પ્રયાસ કરી રહ્યાં છે.
રાહુલ ગાંધીએ કહ્યું કે વર્તમાન સમયમાં બે હિન્દુસ્તાન બની રહ્યાં છે. તમે રામ મંદિરના ઉદ્ઘાટનમાં જોયું જેમાં ધનવાન લોકો જોવા મળ્યા, પરંતુ એકપણ ગરીબ, કિસાન, મજૂર નહોતા. રાષ્ટ્રપતિ જે આદિવાસી સમાજથી આવે છે, તેમને જવા દેવામાં આવ્યા નહીં. આ શરમની વાત છે. દેશમાં ડ્રામા ચાલી રહ્યો છે અને અદાણીજી પૈસા બનાવી રહ્યાં છે. અમારી સરકાર બની તો અમે અગ્નિવીર યોજના હટાવી દેશું. કોંગ્રેસ મહાલક્ષ્મી યોજના લઈને આવશે જેનાથી દર ગરીબ પરિવારની એક મહિલાને દર વર્ષે 1 લાખ રૂપિયા મળશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે