ગુજરાતનું ગૌરવ : લક્ઝુરિયસ કાર કરતા પણ મોંઘી છે ગુજરાતની આ ભેંસ
Trending Photos
રાજેન્દ્ર ઠક્કર/કચ્છ :તમે ક્યારે વિચાર્યું છે કાર કરતા પણ ભેંસ મોંઘી હોઈ શકે અને આખલાની કિંમત લાખો રૂપિયા હોઈ શકે. પરંતુ આ વાસ્તવિકતા છે. કચ્છના બન્નીમાં 13મો પશુ પ્રદર્શન મેળો યોજાયો હતો. જેમાં કચ્છ સહિત રાજ્યના વિવિધ વિસ્તારમાંથી ભેંસ, કાંકરેજ ગાય, આખલા, બળદ, સિંધી ઘોડા સહિત વગેરેનું પ્રદર્શન કરવામાં આવ્યું.. માં કાંકરેજ ઓલાદનો આખલો આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. સવા બે લાખનો આખલો તંદુરસ્તીની હરીફાઈમાં બધાને પછાડ્યા. તો કાર કરતા પણ બન્નીની ભેંસ મોંઘી નીકળી. બન્ની નસલની 5 થી 6 લાખની કિંમતની ભેંસ 20 લીટર દૂધ આપી હરીફાઈ જીતી છે. આ પશુમેળામાં વિજેતા બનનારને 2 હજારથી 10 હજાર રૂપિયાનું ઈનામ પણ આપવામાં આવ્યું. મહત્વનું છે માલધારીઓ જાગૃત બને તેના માટે આવા પશુમેળા યોજવામાં આવે છે. જેમાં સારી ઓલાદના પશુઓનું ઉછેર કરવાનો મુખ્ય ઉદેશ્ય છે. ત્યારે આ પશુમેળામાં માલધારીઓ 500થી 600 પશુઓ લાવ્યા હતા.
કચ્છ જિલ્લાના બન્ની વિસ્તારના હોડકો ગામમાં બન્ની પશુ ઉછેરક માલધારી સંગઠન દ્વારા 13માં બન્ની પશુ પ્રદર્શન હરીફાઈનું આયોજન કરવામાં આવ્યું હતું. આ હરીફાઈમાં તથા પશુ પ્રદર્શનમાં પશુ વેચાણ, પશુ તંદુરસ્તી હરીફાઈ, કચ્છી ઘોડા દોડ, દૂધ દોહન હરીફાઈ, પ્રદર્શન ઝાંખી સ્ટોલોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભેંસ, પાડા, ગાય, આખલા વગેરે પશુઓનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ભુજ તાલુકાના બન્ની (હોડકો) ખાતે દ્વિદિવસીય પશુમેળાનું ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ નીમાબેન આચાર્યએ ઉદ્ઘાટન કર્યું હતું. કચ્છના રણ પ્રદેશમાં ઘાસિયા પ્રદેશ તરીકે ઓળખાતા બન્ની વિસ્તારમાં દર વર્ષે સંસ્થા તથા સરકારના સંયુકત ઉપક્રમે ભુજ તાલુકાના હોડકો (બન્ની) ગામે યોજાતા પશુમેળાએ સારો એવો આકર્ષણ જમાવ્યું છે.
બન્ની ગ્રાસ લેન્ડના ઘાસિયા મેદાનોમાં વસેલા ગામ હોડકો ખાતે બન્ની પશુ ઉછેરક માલધારી સંગઠન દ્વારા દર વર્ષે પશુ પ્રદર્શન અને જુદી જુદી હરીફાઈઓનું આયોજન કરવામાં આવતું હોય છે. આ પશુ મેળામાં બન્ની વિસ્તારના ખાવડા, હોડકા, ધોરડો, ઢોરી, સુમરાસર, નાના દીનાળા, મોટા દીનાળા વગેરે ગામોમાંથી માલધારીઓ પોતપોતાના પશુઓ આ હરીફાઈમાં લઈને આવ્યા હતા. સ્થાનિક સ્તરે પશુ સંવર્ધનને ટકાવવા તથા પશુ બજાર વ્યવસ્થા માટે રાજ્ય અને દેશસ્તરે વિશષ્ટિ વ્યવસ્થા ઊભી કરવા માટે અસ્તિત્વમાં આવેલ બન્ની પશુ ઉછેરક માલધારી સંગઠન દ્વારા યોજાતા આ પશુ મેળામાં માત્ર કચ્છ જ નહિ, પરંતુ ગુજરાતના અન્ય પ્રાંતમાંથી ભેંસ, કાંકરેજ ગાય, આખા, બળદ, સિંધી ઘોડા, વગેરે પશુઓની લે-વેચની બજાર ઉભી કરાય છે.
મેળાના ઉદ્ઘાટન બાદ સૌ પ્રથમ પશુ વેચાણ કરવામાં આવ્યું હતું. હોડકો ખાતેના આ દ્વિદિવસીય પશુમેળામાં ભેંસ તંદુરસ્તી, ભેંસ દૂધદોહન, પાડા તંદુરસ્તી, ગાય તંદુરસ્તી, આખા તંદુરસ્તી,માણસ દોડ અને બખ્ખ મલાખડોનું આયોજન કરવામાં આવ્યું છે. આ દરેક હરિફાઇના વિજેતાઓને રૂપિયા 2000થી રૂપિયા 10,000 સુધીના ઇનામો આપવામાં આવશે. પશુ મેળામાં આવેલા પશુપાલકે જણાવ્યું હતું કે,અહીંયા અમે કાંકરેજ નસલનો આંખલો તંદુરસ્તી હરીફાઈ માટે લઈ આવ્યા છીએ. આંખલાના તંદુરસ્તી, રૂપ, શિંગડા, વજન પ્રમાણે મૂલ્યાંકન કરવામાં આવે છે.આ આંખલો 2.25 લાખ રૂપિયા માં લીધો હતો અને હવે 3 વર્ષ સુધી અમે અમારા પાસે જ રાખીશું.
પશુ મેળામાં આવેલા પશુપાલકે જણાવ્યું હતું કે, અમારી ભેંસ દૂધ દોહન હરીફાઈ માટે મુકેલી છે, ભેંસ દરરોજ 20 લીટર દૂધ આપે છે. ઘણા વર્ષોથી આ ભેંસ અમારા પાસે છે અને બે વખત તરણેતરના મેળામાં પણ રૂપ સ્પર્ધામાં વિજેતા બની છે આ ભેંસ. બન્ની નસલની આ ભેંસ છે અને ગાભની થયા પછી 8-9 મહિના દૂધ આપે છે અને આ ભેંસની કિંમત અંદાજિત 5 થી 6 લાખ રૂપિયાની હોય છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે