વાંચવા જેવી છે વ્યાજની પીડા: વ્યાજખોરોના ચુંગાલમાં ફસાયેલાં નાગરિકોની દર્દનાક સ્થિતિ, પોલીસ બની દેવદૂત

Gujarat Home Ministry: પાંચ લાખ સામે ડબલ પૈસા ચૂકવી દીધા હોવા છતાં પેલા માણસનો લોભ સમાતો ન્હોતો અને મારું ભલું થાય એવા કોઇ સંજોગો મને દેખાઇ રહ્યા ન્હોતા. પોલીસ મદદ નહીં કરે તો છેલ્લો ઉપાય આપધાતનો નક્કી હતો.

વાંચવા જેવી છે વ્યાજની પીડા: વ્યાજખોરોના ચુંગાલમાં ફસાયેલાં નાગરિકોની દર્દનાક સ્થિતિ, પોલીસ બની દેવદૂત

Money Lenders: વ્યાજખોરોનું વિષચક્ર કેટલું ભયાવહ છે તે સમજવું હોય તો કેટલીક આપવીતી પણ જાણવી પડે. અમરોલીના વિનોદ જેઠવાની આપવીતી તેમના જ શબ્દોમાં જાણીએ તો ખ્યાલ આવશે કે લોકોને કેવી કેવી પીડાનો સામનો કરવો પડે છે અને પોલીસ કેવી રીતે દેવદૂત સાબિત થઇ રહી છે. 

"એ દિવસે મેં નક્કી કરી લીધેલું કે હું અગાશીએથી કૂદી જઇશ અને ક્યાં તો ગળે ફાંસો ખાઇ આપઘાત કરી લઇશ. મારી અંદર એક અજીબ પ્રકારની બેચેની થઇ રહી હતી. શરીર પર ફરી વળેલો પરસેવો આંખોમાંથી આંસુઓ રૂપે વહી રહ્યો હતો. હું સ્તબ્ધ થઇ ગયો હતો. પાંચ લાખ રૂપિયાની સામે મેં મારું મકાન તો લખી જ આપ્યું હતું, 11 લાખ 68 હજાર ચૂકવી ચૂક્યો હતો અને છતાં પેલો માણસ મહિને 15 હજાર માંગી રહ્યો હતો. 

પાંચ લાખ સામે ડબલ પૈસા ચૂકવી દીધા હોવા છતાં પેલા માણસનો લોભ સમાતો ન્હોતો અને મારું ભલું થાય એવા કોઇ સંજોગો મને દેખાઇ રહ્યા ન્હોતા. પોલીસ મદદ નહીં કરે તો છેલ્લો ઉપાય આપધાતનો નક્કી હતો. અમરોલી પોલીસને માંડીને વાત કરી. બધી હકીકતો તપાસી એમણે મારા ખભે હાથ મૂક્યો. કહ્યું, ‘આપઘાતનો વિચાર પણ નહીં કરતા…અમે તમારી સાથે છીએ!’ મારી આંખો ભીની થઇ ગઇ. હું ધ્રુસ્કે-ધ્રુસ્કે રડી પડ્યો. પોલીસે તાત્કાલિક જગદીશ ગોધામ સામે ફરિયાદ દાખલ કરી-એની ધરપકડ કરી. 

જગદીશ ગોધામની ધરપકડ થઇ એ પળ મારા જીવનની ખાસ પળ હતી. મેં આંખો બંધ કરી અને મારા પરિવારનો ચહેરો હસતો દેખાયો. પોલીસે મને જગદીશ ગોધામનાં વ્યાજનાં ચુંગાલમાંથી મુક્ત કરાવ્યો, એમણે મારા પરિવારને વીખાતું બચાવી લીધું. હવે નામદાર કોર્ટની મદદથી મને મારા ફ્લેટની ફાઇલ પાછી મળી જશે. વ્યાજના મહાચુંગાલમાંથી હું બચી ગયો-મારું પરિવાર બચી ગયું. જ્યારે મારી પાસે આપઘાત સિવાય કોઇ વિકલ્પ બાકી ન્હોતો રહ્યો ત્યારે સુરત શહેર પોલીસ મિત્ર બનીને મારી પડખે રહી…!"

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news