પાટણના પ્રોફેસર બટાકામાંથી બનાવશે એવુ પ્લાસ્ટિક, જે 8 દિવસમાં આપોઆપ ઓગળી જશે

પાટણ યુનિવર્સિટીના લાઇફ સાયન્સ વિભાગ દ્વારા બટાટામાંથી બનાવાશે બાયોપ્લાસ્ટિક. બાયોપ્લાસ્ટિક એક જ અઠવાડિયામાં પર્યાવરણમાં કુદરતી રીતે નાશ પામે છે. બાયોપ્લાસ્ટિક માટે ડીસાના બટાકાનો ઉપયોગ કરવામાં આવશે

પાટણના પ્રોફેસર બટાકામાંથી બનાવશે એવુ પ્લાસ્ટિક, જે 8 દિવસમાં આપોઆપ ઓગળી જશે

પ્રેમલ ત્રિવેદી/પાટણ :વર્તમાન સમયમાં ગ્લોબલ વોર્મિંગ અને પર્યાવરણની સમસ્યાથી દેશ અને દુનિયા ચિંતિત છે. અત્યારે વરસે દહાડે એક લાખ 50 હજાર કિલોગ્રામ પ્લાસ્ટિક નીકળે છે. વર્ષ 2050 સુધીમાં જે વધીને 761 મેટ્રીક ટન થવાનો અંદાજ છે. ત્યારે પર્યાવરણને નુકશાન ન થાય તે માટે ઓછા ગ્રેડવાળા બાયો પ્લાસ્ટિક બનાવવા માટે ગુજરાત સ્ટેટ બાયોટેકનોલોજી મીશન દ્વારા પાટણ યુનિવર્સિટીના લાઇફ સાયન્સ વિભાગના ડો.આશિષ પટેલને રૂપિયા 47 લાખનો રિસર્ચ પ્રોજેક્ટ આપવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટથી પર્યાવરણનું જતન અને તેની જાળવણી થશે.

પાટણ  સ્થિત હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના લાઇફ સાયન્સ વિભાગ ખાતે ડો. આશિષ પટેલ અને તેમની રિસર્ચ ટીમ તેમની લેબોરેટરીમાં પર્યાવરણની જાળવણી માટે બટાટાના સ્ટાર્ચમાંથી બાયો પ્લાસ્ટિક બનાવવાનું રિસર્ચ કરી રહી છે. બટાટાના સ્ટાર્ચમાંથી બનાવેલ  બાયો પ્લાસ્ટીક માત્ર એકજ અઠવાડીયામાં નાશ પામે છે. જો કે હાલમાં વપરાતા સાદા પ્લાસ્ટિકને કુદરતી રીતે નાશ પામવામાં 400 વર્ષનો સમય લાગે છે. જેને કારણે આજે પર્યાવરણને નુકશાન થઇ રહ્યુ છે. ત્યારે પર્યાવરણને નુકશાન ન થાય તે માટે પાટણ યુનિવર્સિટીની રીસર્ચ લેબોરેટરીમાં ઇતિહાસમાં પ્રથમવાર બાયોપ્લાસ્ટીક બનાવવાનું સંશોધન કરવામાં આવી રહ્યું છે. પર્યાવરણ અને તેના જતનના નુકશાનને અટકાવવા બટાકાના સ્ટાર્ચમાંથી ઓછા ગ્રેડવાળા બાયો પ્લાસ્ટીક બનાવવામાં આવશે.

સમગ્ર ભારતમાં બટાકાનું હબ ગણાતા ડીસામાં બટાકાનું સૌથી વધુ ઉત્પાદન થાય છે .જેને કારણે ખેડૂતોને પુરતા ભાવ પણ મળતા નથી . ત્યારે જો બટાકાના સ્ટાર્ચ માંથી બાયોપ્લાસ્ટિક બનાવવામાં આવે તો ખેડૂતોને તેના પુરતા ભાવ પણ મળશે અને પર્યાવરણને પણ બચાવી શકાશે . બાયો પ્લાસ્ટીક માત્ર એકજ અઠવાડીયામાં પર્યાવરણમાં કુદરતી રીતે નાશ પામતુ હોવાથી માનવજીવન અને પર્યાવરણ પર તેની કોઇ આડ અસર થતી નથી તેવું રીસર્ચ લેબોરેટરીના ડો.આશીષ પટેલે જણાવ્યું છે . 

નોંધનીય છે કે પાટણ યુનિવર્સિટીના લાઇફ સાયન્સ વિભાગને મળેલા 47 લાખ રુપિયાના પ્રોજેક્ટમાં યુનિવર્સિટીના લોગોવાળી પ્રથમ પ્લાસ્ટિકની બેગ બનાવવામાં આવશે. આ ઉપરાંત આ બાયો પ્લાસ્ટિકનો ઉપયોગ શોપીંગ બેગ, સ્પોર્ટસના સાધનો,  દવા માટેની કેપ્સુલની કેપ, ઈન્જેક્ટ ટેબલ, કોસ્મેટીક પ્રોડક્શન, કપડા સહિત અન્ય ચીજવસ્તુઓના ઉપયોગમાં પણ મહત્વનો ભાગ ભજવશે. આ પ્રોજેક્ટનું સંશોધન અંદાજે 3 વર્ષમાં પૂર્ણ કરવામાં આવશે.

યુનિના ઇતિહાસમાં સૌથી મોટો પ્રોજેક્ટ 
આ અંગે યુનિ.ના આશિષ પટેલે જણાવ્યું હતુ કે હાલના સમયમાં પ્લાસ્ટિકની માંગ ખુબ જ ઝડપ થી વધી રહી છે. જે પર્યાવરણ માટે અને સમગ્ર માનવજાત માટે ખુબ જ નુકશાન કારક છે. દુનિયામાં અત્યારે 150 મેટ્રિક ટન એટલે કે અંદાજે ૧,૫૦,૦૦૦ કિલોગ્રામ પ્લાસ્ટિક એક વર્ષમાં નીકળે છે. જે વધીને 2050 સુધીમાં 761 મેટ્રિક થવાનો અંદાજ છે. જેના માટે થઈને ગુજરાત સ્ટેટ બાયોટેકનોલોજી મિશન (જી.એસ.બી.ટી.એમ.) દ્વારા રૂપિયા 47 લાખનો રિસર્ચ પ્રોજેક્ટ આપવામાં આવ્યો છે. જે અત્યાર સુધીમાં યુનિવર્સિટીને મળેલા રિસર્ચ પ્રોજેક્ટમાં સૌથી મોટો છે. 

ભારતમાં ડીસા એ બટાટાનું સૌથી વધુ ઉત્પાદન કરે છે. જેના લીધે ઘણીવાર ખેડૂતોને પૂરતા ભાવ નથી મળતા. તો આ બટેટાના સ્ટાર્ચમાંથી જો પ્લાસ્ટિક બનાવામાં આવે તો તેમને પૂરતા ભાવ પણ મળે અને પર્યાવરણને પણ બચાવી શકાય. આ બાયો પ્લાસ્ટિક એક જ અઠવાડિયામાં પર્યાવરણમાં કુદરતી રીતે નાશ પામે છે અને તેની પર્યાવરણ તેમજ માનવો ઉપર કોઈ આડઅસર થતી નથી. તેમના જણાવ્યા પ્રમાણે, હાલમાં બાયો પ્લાસ્ટિકનો કાચો માલ આપણે ચીનથી આયાત કરીએ છીએ. જો આ પ્રોજેક્ટ સફળતાપૂર્વક પૂર્ણ થશે તો આવનારા સમયમાં આપણે ભારતમાં જ બાયો પ્લાસ્ટિકના કાચા માલનું નિર્માણ કરી શકશું અને સ્વચ્છ ભારત તરફ મોટું પગલું ભરી શકશું.

બેઝિક બાયો પ્લાસ્ટિક તો બની પણ ગયું 
યુનિવર્સિટીમાં બટાકામાંથી બાયો પ્લાસ્ટિક બનાવવાનું સંશોધન કરી રહેલ લાઈફ સાયન્સની ટીમ દ્વારા હાલમાં બટાકામાંથી બેઝિક બાયો પ્લાસ્ટિક બનાવવામાં સફળતા હાંસલ કરી છે. ત્યારે હવે સરકારને મળેલા પ્રોજેક્ટ માંથી આગામી ત્રણ વર્ષમાં બાયો પ્લાસ્ટિકના અલગ અલગ બનાવવા માટે સંશોધન કરી તેની પ્રોક્ટ બનાવવાની કામગીરી હાથ ધરાશે. જો પ્રોજેક્ટને સફળતા મળશે તો ભવિષ્યમાં પ્લાસ્ટિકની સમસ્યાથી લોકોને મુક્તિ મળશે અને પર્યાવરણનું જતન પણ થઈ શકશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news