ક્ષત્રિયોના વિરોધના જુવાળમાં પણ વન-વે જીતી ગયા રૂપાલા, રાજકોટે ખોબલે ભરીને મત આપ્યા
Rajkot Election Results : ક્ષત્રિયોના પ્રચંડ વિરોધ વચ્ચે રાજકોટથી ભાજપના પરશોત્તમ રૂપાલાની જંગી લીડથી જીત, રૂપાલા સામે કોંગ્રેસના પરેશ ધાનાણીની હાર
Trending Photos
Gujarat Lok Sabha Chunav Result 2024 : ગુજરાતમાં ભાજપે જ્યાં 5 લાખ જીતથી જીતવાનો દાવો કર્યો હતો, ત્યાં ભાજપને ક્ષત્રિય આંદોલન નડી ગયું હતું. ક્ષત્રિયોનો વિરોધ ભાજપને મોટી અસર કરશે તેવો ડર હતો. પરંતું ક્ષત્રિયોના વિરોધ વચ્ચે રૂપાલા જીતી ગયા છે. એ પણ જંગી લીડથી. ક્ષત્રિયોના પ્રચંડ વિરોધ વચ્ચે રાજકોટથી ભાજપના પરસોત્તમ રૂપાલાની જંગી લીડથી જીત થઈ છે. રાજકોટ લોકસભા બેઠક પર ભાજપનો દબદબો જોવા મળ્યો. ક્ષત્રિય આંદોલન વચ્ચે રૂપાલાની રેકોર્ડ બ્રેક લીડ મેળવી છે. ભાજપ 4.50 લાખથી વધુ મતની લીડ સાથે જીત તરફ આગળ છે. તો આ બેઠક પર કોંગ્રેસના પરેશ ધાનાણીની હાર થઈ છે.
રાજકોટના વિકાસને વેગ આપીશ - રૂપાલા
રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ જીત બાદ પત્રકાર પરિષદ યોજી હતી. રૂપાલાએ કહ્યું કે, તમામ મતદારોનો અંતઃ કરણથી આભાર માનું છું. તમામ કાર્યકર્તાઓનો આભાર માનું છું. સમગ્ર ચૂંટણી દરમિયાન જે પ્રકારે મતદારોએ મતદાન કરવા રુચિ દાખવી તેને વંદન. રાજકોટના વિકાસની કેડીને જે કંડારી તે મશાલને હું હાથમાં લઈશ. વિકાસને વેગ આપીશ.
રૂપાલાના ક્ષત્રિય સમાજ પરના એક નિવેદનને કારણે ઉકળતા ચરુ જેવી સ્થિતિ હતી. આ આગ ફેલાય, તો રાજપૂત વોટબેંક ધરાવતા અન્ય રાજ્યો સુધી પણ પ્રસરે તેમ હતી. પરંતું વિરોધના જુવાળ વચ્ચે રાજકોટવાસીએ રૂપાલાને ખોબલે ભરીને મત આપ્યા હતા.
ધાનાણીની હાર
કોંગ્રેસે પહેલેથી જ રાજકોટ બેઠક પરથી પરેશ ધાનાણીને ઉમેદવાર જાહેર કર્યા હતા. જો કે પરેશ ધાનાણીએ ચૂંટણી લડવાની અનિચ્છા દર્શાવી હતી. પરંતુ ક્ષત્રિયોના વિવાદ બાદ તેઓ રૂપાલા સામે ચૂંટણી લડવા તૈયાર થઈ ગયા હતા. ક્ષત્રિયોએ પણ કોંગ્રેસના ઉમેદવારને સમર્થન આપવાનુ નક્કી કર્યુ હતુ. પરંતુ એ વિરોધ રૂપાલાની જીતના વિજયરથને રોકી શક્યો નથી. ધાનાણીએ આ બેઠક પર પ્રચાર માટે એડીચોટીનું જોર લગાવ્યું હતું. છતાં રાજકોટવાળા રૂપાલા પર મોહી ગયા.
રાજકોટ બેઠક પરથી પરસોત્તમ રૂપાલા પ્રથમવાર લોકસભા ચૂંટણી લડ્યા છે. આ અગાઉ તેઓ ક્યારેય લોકસભાની ચૂંટણી લડ્યા નથી. તેઓ રાજ્યસભાના સાંસદ રહી ચુક્યા છે અને મત્સ્ય અને પશુપાલન મંત્રાલય સંભાળી રહ્યા છે. આ અગાઉ તેઓ અમરેલીથી ધારાસભ્ય પણ રહી ચુક્યા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે