સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય, લાભ પાંચમથી તમામ જિલ્લા કલેક્ટર કચેરીમાં બિન ખેતી પરવાનગી પ્રક્રિયા થશે ઓનલાઈન

નોંધનીય છે કે, 15મી ઓગસ્ટના દિવસે મુખ્યપ્રધાન દ્વારા બિનખેતી પરવાનગી પ્રક્રિયાને ઓનલાઈન કરવાની જાહેરાત કરવામાં આવી હતી. 
 

સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય, લાભ પાંચમથી તમામ જિલ્લા કલેક્ટર કચેરીમાં બિન ખેતી પરવાનગી પ્રક્રિયા થશે ઓનલાઈન

ગાંધીનગરઃ બિનખેતીને લઇ પરવાનગી મેળવવામાં પડતી હાલાકીથી હવે લોકોને રાહત મળશે. લાભપાંચમ બાદ રાજ્યની તમામ જિલ્લા કલેકટર કચેરીમાં બિન ખેતી જમીન માટેની પરવાનગી પ્રક્રિયા ઓનલાઇન કરવાનો નિર્ણય રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવ્યો છે. વિજય રૂપાણીની અધ્યક્ષતામાં આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. તમામ જિલ્લા પંચાયતોમાં બિનખેતી (NA) ની પરવાનગી પ્રક્રિયા ઓનલાઇન થઇ જશે. અગાઉ મહેસૂલ વિભાગે પ્રાયોગિક ધોરણે અમદાવાદ અને ગાંધીનગરની કલેકટર કચેરીમાં NA ની ઓનલાઇન પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. અગાઉ બિન ખેતી માટેની પરવાનગી લાંબી અને જટીલ હોવાથી લોકોને પારવાર હાલાકી પડતી હતી. 

નોંધનીય છે કે, 15મી ઓગસ્ટના દિવસે મુખ્યપ્રધાન દ્વારા બિનખેતી પરવાનગી પ્રક્રિયાને ઓનલાઈન કરવાની જાહેરાત કરવામાં આવી હતી. આ જાહેરાત બાદ 23 ઓગસ્ટથી અમદાવાદ અને ગાંધીનગર જિલ્લામાં ઓનલાઈન પ્રક્રિયાનો પાયલોટ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો હતો. 

આ બંન્ને જિલ્લામાં છેલ્લા ત્રણ મહિનામાં 1000 જેટલી ઓનલાઈન અરજીઓ મળી હતી. ત્યારબાદ આ પ્રક્રિયા સમગ્ર રાજ્યમાં લાગું કરવાનો નિર્ણય સરકાર દ્વારા લેવાયો છે. 

શું છે આ ઓનલાઈન પદ્ધતિની વિશેષતા

  • આ ONLINE NA પરવાનગી માટે onlinerevenue@gujarat.gov.in પર અરજદારે બિનખેતી અરજી ઓનલાઇન કરવાની રહેશે. 
  • અરજદારે માત્ર અરજી અને સોગંધનામુ ONLINE અપલોડ કરવાનું છે. 
  • અરજી સાથે કોઇ પુરાવા, ૭/૧૨, હક્કપત્રક, ઝોનિંગ, F – ફોર્મ, હુકમો રજુ કરવાના રહેશે નહિ. 
  • અરજી ફી (પ્રતિ ચો.મી. ૫૦ પૈસા) ઓનલાઇન પેમેન્ટથી ભરી શકાશે.  
  • ખાસ જરૂરીયાતના કિસ્સામાં જ અને તે પણ ઓનલાઇન જ અભિપ્રાય મંગાવવામાં આવશે. 
  • કેસની વિગતો માટે IRCMS (ઇન્ટીગ્રેટેડ રેવન્યુ કેસ મેનેજમેન્ટ સિસ્ટમ) પરથી જ ઓનલાઇન ડેટા મેળવાશે. 
  • અરજી સ્વીકાર, અરજી ફી ભર્યા સમયે, મંજુર / નામંજુરના કિસ્સામાં SMS અને E-MAIL થી અરજદારને જાણ થશે. 
  • અરજી માત્ર ૩ ટેબલ પર જશે.  (ONLINE) – ચિટનિશ – અધિક નિવાસી કલેક્ટર – કલેક્ટર 
  • જો કોઇ કેસ ન હોય અને ટાઇટલ ક્લિયર હોય તો મહત્તમ ૧૦ દિવસમાં બિનખેતી પરવાનગી મળશે. (ગ્રીન ચેનલ) 
  • ખાસ કિસ્સામાં અભિપ્રાય મેળવવાનો થતો હોય તો મહત્તમ ૩૦ દિવસમાં નિર્ણય થશે. (યલો ચેનલ) 
  • સરકારી જમીન, સરકારનું હિત સમાયેલું જણાય અને મલ્ટિપલ પ્રોસિડિંગ્સ વાળા કિસ્સામાં કાયદા મુજબ મહત્તમ ૯૦ દિવસમાં નિર્ણય થશે.
  • રૂપાંતર કર, વિશેષધારો, લોકલ ફંડ, શિક્ષણ ઉપકર વગેરે ઓનલાઇન ઇ-પેમેન્ટથી જ ભરી શકાશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news