ગુજરાતમાં કાયદોની સ્થિતિ સારી, દિવાળી બાદ પાછા ફરશે પરપ્રાંતિયો

મુખ્યમંત્રીના અધ્યક્ષ સ્થાને કેબિનેટની મહત્વપૂર્ણ બેઠક સવારે યોજાશે. જેમાં પરપ્રાંતિયો પર થયેલા હુમલા અને તે બાબતે લેવાયેલ પગલાંના સંદર્ભમાં સમીક્ષા કરવામાં આવશે. જે

ગુજરાતમાં કાયદોની સ્થિતિ સારી, દિવાળી બાદ પાછા ફરશે પરપ્રાંતિયો

અમદાવાદ: મુખ્યમંત્રી વિજય રૂપાણીની અપીલ બાદ ગુજરાતમાંથી ઉત્તર ભારતીયોનું પલાયન ચાલુ છે. કેટલાક વિસ્તારોમાં તેમને ટાર્ગેટ બનાવ્યા બાદ મંગળવારે મહદઅંશે પરપ્રાંતિયો, મજૂરો ટ્રેનો અને બસો દ્વારા પોતાના વતન ફરી રહ્યા છે. ઔદ્યોગિક ક્ષેત્રોની આસપાસ અને જ્યાં આ પરપ્રાંતિય મજૂરો રહે છે ત્યાં પોલીસ સતત પેટ્રોલિંગ કરી રહી છે. પોલીસે સઘન તપાસ કરતાં પરપ્રાંતિયો આગામી દિવાળી અને છઠ્ઠનો તહેવાર મનાવવા વતન જતા હોવાની જાણકારી આપી હતી. ઉપરાંત પરપ્રાંતીયો સાથે વાત કરતાં ગુજરાતમાં કાયદાની સ્થિતિ સારી હોવાની જાણકારી સામે આવી હતી. તહેવાર બાદ ફરી પરપ્રાંતિયો ગુજરાતમાં રોજગારી માટે પરત આવશે તેવો આશાવાદ પણ પરપ્રાંતિયોએ વ્યકત કર્યો હતો.

તો બીજી તરફ મુખ્યમંત્રીના અધ્યક્ષ સ્થાને કેબિનેટની મહત્વપૂર્ણ બેઠક સવારે યોજાશે. જેમાં પરપ્રાંતિયો પર થયેલા હુમલા અને તે બાબતે લેવાયેલ પગલાંના સંદર્ભમાં સમીક્ષા કરવામાં આવશે. જેમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ બાબતે પણ ચર્ચા થશે. ઉપરાંત રાજયમાં ઓછા વરસાદનાં કારણે અન્ય વિસ્તારોમાં પણ અછત જાહેર કરવાનાં સંદર્ભમાં નવા વિસ્તારો તેની સ્થિતિ વિશે જરૂરી પગલાં લેવા બાબતે મહત્વપૂર્ણ ચર્ચા કરાશે તથા સ્ટેચ્યુ ઓફ યુનિટી સહિત  અન્ય મુદ્દે ચર્ચા વિચારણા કરાશે.

પંચમહાલમાં પરપ્રાંતિયોની હિજરત મામલે ગોધરા પ્રાંત અધિકારીએ રેલવે સ્ટેશનની મુલાકાત લીધી હતી. ગુજરાત છોડી જતા પરપ્રાંતિયોને સુરક્ષાની ખાતરી અપાઇ હતી. પોતાનાં રોજગાર સ્થળે પરત ફરવાની કરી સમજાવટ કરાઇ હતી.

પરપ્રાંતિયોની પરિસ્થિતી જાણવા અમદાવાદ કલેક્ટર કાલુપુર રેલવે સ્ટેશન પહોંચ્યા
અમદાવાદના કલેક્ટર વિક્રાંત પાંડેએ મોડી સાંજે કાલુપુર રેલવે સ્ટેશનની મુલાકાત લીધી હતી અને વતન જઈ રહેલા ઉત્તર ભારતીયો સાથે વાતચીત કરી હતી. તેમણે વતન જઈ રહેલા લોકોને પાછા જવાનું કારણ પુછ્યું હતું અને શહેરમાં તેમને કોઈ પણ પ્રકારનું જોખમ ન હોવાનું જણાવ્યું હતું. 

રાજ્યમાંથી મોટી સંખ્યામાં ઉત્તર ભારતીયોના પલાયન વચ્ચે અમદાવાદાના કલેક્ટર પોલીસ કાફલા સાથે કાલુપુર સ્ટેશન દોડી આવ્યા હતા.અહીં તેમણે સ્ટેશન પર ટ્રેનની રાહ જોઈ રહેલા ઉત્તર ભારતીયો સાથે વાતચીત કરીને તેમને સાંત્વના પાઠવી હતી.

યૂપી, એમપી અને બિહારના 20 હજાર લોકોએ છોડ્યું ગુજરાત
ગુજરાતમાં હિન્દીભાષી પ્રવાસીઓ પર હુમલા બાદ તેઓ ગુજરાત છોડીને ઝડપી જઇ રહ્યાં છે. ઉત્તર ભારતીય વિકાસ પરિષદના અધ્યક્ષ મહેશસિંહ કુશવાહએ દાવો કર્યો છે કે હાલની સ્થિતિને જોઇને ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ અને બિહારના લગભગ 20 હજાર લોકો ગુજરાત છોડીને નીકળી ગયા છે. ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ લોકોને હિંસમાં શામેલ ના થવાની અપીલ કરી છે. રાજ્ય સરકારે પ્રવાસીઓની સુરક્ષાનું આશ્વાસન આપતા કહ્યું છે કે હુમલાના સંબંધમાં 431 લોકોની ધરપકડ કરવામાં આવી છે અને 56 એફઆઇઆર દાખલ કરવામાં આવી છે.

રાજ્ય સરકાર પુરતી તપાસ કરી રહી છેઃ ગૃહમંત્રી જાડેજા
ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું છે કે, ઉત્તર ભારતના લોકો ગુજરાત છોડીને જાય તેવું ષડયંત્ર રચાયું છે. કોંગ્રેસના ૨૦ જેટલા કાર્યકરો અને સંગઠનના સભ્યોનાં નામ ખુલ્યા છે તથા તેમની ધરપકડ કરવામાં આવી છે. કોઈ પણ મોટો નેતા હશે તો પણ કોઈ ચમરબંધી ને છોડવામાં નહીં આવે. રાહુલ ગાંધી માત્ર ટ્વીટર પર ટ્વીટ કરે તે ચિંતા નથી.  કોંગ્રેસના નેતાઓ તોફાન કરાવે એટલે ડબલ ભુમિકા કોંગ્રેસ ભજવી રહી છે. અલ્પેશ ઠાકોરનું નામ લીધા વગર ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ ઈશારો કર્યો હતો.

ઔદ્યોગિક એસોસિએશન અને પોલીસ અધિકારીઓની બેઠક
ગુજરાતમાં ઉત્તરભારતના લોકો પર હુમલાના બનાવોને ધ્યાને રાખી અમદાવાદના વિવિધ ઔધ્યોગીક એસોસિએશન અને પોલીસ અધિકારીઓની ખાસ બેઠક મળી હતી. જેમાં વિવિધ ઉદ્યોગોમાં કામ કરતા ઉત્તર ભારતીયોની સુરક્ષા અને ઔધ્યોગીક એકમોની સુરક્ષા અંગે પોલીસે લીધેલા પગલા અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. 

અમદાવાદમાં વટવા, ઓઢવ અને નરોડામાં આવેલી ઇન્ડસ્ટ્રીઝમાં મોટાપાયે કામ પરપ્રાંતીય શ્રમીકો અંગે પોલીસ અને એકમોના માલીકો ચિંતામાં હતા. આથી, ગુજરાત ડાયસ્ટફ મેન્યુફેક્ચરીંગ એસોસિએશનની પાલડી ખાતેની ઓફીસે શહેરના એડિશનલ પોલીસ કમિશ્નર અશોક યાદવ અને ઔદ્યોગીક એકમોના હોદ્દેદારોની મહત્વની બેઠક મળી હતી. જેમાં વર્તમાન પરિસ્થિતી અને તેને આનુસંગીક પગલા અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી. ઔદ્યોગિક એકમોએ પોલીસ તંત્રની કાર્યવાહી પ્રત્યે સંતોષ વ્યક્ત કરીને આભાર માન્યો હતો.

રાજ્યમાં પરપ્રાંતીયોને પૂરતી સુરક્ષા અપાશે
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે, પરપ્રાંતીયો પર હુમલા કરી ગુજરાતની શાંતિ ડહોળવાનો પ્રયાસ કરનારા તત્વોની પોલીસ દ્વારા ગણતરીના કલાકોમાં જ ધરપકડ કરવામાં આવી છે. પરપ્રાંતીયોની સુરક્ષા માટે પોલીસ દ્વારા પૂરતા પગલાં લેવામાં આવ્યા છે અને તેમને પૂરતી સુરક્ષા આપવામાં આવશે.

ગુજરાત અને ગુજરાતીઓની આ વિશેષતા છે કે, તેમણે અન્ય રાજ્યના લોકોને પોતીકા ગણ્યા છે. ત્યારે, સૌ નાગરિક ભાઇઓ બહેનોને મુખ્યમંત્રીએ અપીલ કરી છે કે રાજ્યમાં સૌ કોઇ ભાઇચારા અને શાંતિનો માહોલ બનાવી રાખે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news