અર્થાત: PM મોદીએ લોકાર્પણ કરેલા આરોગ્ય વન, એકતા મોલ અને ચિલ્ડ્રન ન્યુટ્રિશન પાર્કની શું છે ખાસિયતો

આરોગ્ય વન'', ''ધ ચિલ્ડ્રન ન્યુટ્રીશન પાર્ક'' તથા ''એકતા મોલ''  ભારતીય પ્રાચીનતમ ચિકિત્સા પધ્ધતિ, પોષણ તથા હસ્તકલાના વૈવિધ્યસભર વારસાને જાણવાના ''સિંગલ પોઇન્ટ ડેસ્ટિનેશન'' હોવાનો મત વ્યક્ત કરતા વડાપ્રધાન  નરેન્દ્ર મોદી 

અર્થાત: PM મોદીએ લોકાર્પણ કરેલા આરોગ્ય વન, એકતા મોલ અને ચિલ્ડ્રન ન્યુટ્રિશન પાર્કની શું છે ખાસિયતો

* આરોગ્યવન, એકતામોલ અને ચિલ્ડ્રન ન્યુટ્રીશન પાર્કનું કર્યુ લોકાર્પણ 
* ૧૭ એકરમા પથરાયેલા આરોગ્ય વનમાં યોગ, આયુર્વેદ અને ધ્યાનને ખાસ મહત્વઃ ૩૮૦ પ્રજાતિના જુદા જુદા પ લાખ વૃક્ષો વાવવામાં આવ્યા
* ૩૫૦૦૦ ચો.મી વિસ્તારમાં પથરારેલો વિશ્વનો સૌપ્રથમ ટેકનોલોજી સંચાલિત ચિલ્ડ્રન થીમ બેઈઝ ન્યુટ્રિશન પાર્ક
* સ્ટેચ્યુ ઑફ યુનિટી ના આકર્ષણમા વધારોઃ પ્રવાસીઓને માણવા મળશે આહલાદક નજરાણા

વડોદરા : પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ આજે સ્ટેચ્યૂ ઓફ યુનિટી-કેવડીયાના સંકલિત વિકાસ માટેના વિવિધ ૧૭ પ્રોજેકટસના લોકાર્પણ અને ૪ નવા પ્રોજેકટના શિલાન્યાસ પ્રસંગે આજે પ્રથમ ચરણામાં આરોગ્યવન, એકતામોલ અને ચિલ્ડ્રન ન્યુટ્રીશન પાર્કનું લોકાર્પણ કર્યા હતા. આ વેળાએ રાજયપાલ  આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રી  વિજયભાઈ રૂપાણી પણ જોડાયા હતા. પ્રધાનમંત્રીએ સરદાર વલ્લભભાઈ પટેલની ૧૪૫ મી જન્મ જયંતીના પૂર્વ દિવસે આ પ્રવાસન આકર્ષણ પ્રોજેક્ટ્સ ના લોકાર્પણ સંપન્ન કર્યા હતા. આ તમામ પ્રોજેકટસ સ્ટેચ્યુ ઑફ યુનિટીના આકર્ષણમા વધારો કર્યો છે. જે પ્રવાસીઓને આકર્ષવા અને માણવા માટે આહલાદક નજરાણા પુરવાર થશે. 

કેવડીયા ખાતે આ લોકાર્પણ પ્રસંગે રાજયના મુખ્ય સચિવ  ડૉ.અનિલ મુકિમ અને વન વિભાગના અગ્ર સચિવ ડૉ.રાજીવ ગુપ્તા એ આ પ્રોજેકટ અંગે વિસ્તૃત માહિતી વડાપ્રધાનને આપી હતી. આ તમામ પ્રોજેકટ વિક્રમજનક સમયમાં પૂર્ણ થતા કેવડિયા  વિશ્વ સ્તરના એક પ્રવાસન કેન્દ્ર તરીકે ઉભરી આવ્યું છે. જયાં કુટુંબના દરેક વયજૂથના સભ્યો માટે રસપ્રદ આકર્ષણો બની રહેશે. આરોગ્ય વનનું લોકાર્પણ કરતા પ્રધાનમંત્રી મોદીએ ટ્વીટ કરતા જણાવ્યું હતું કે, કેવડિયા સ્થિત " ધ ચિલ્ડ્રન ન્યુટ્રીશન પાર્ક " પોષણને સ્પર્શતા અનેકવિધ  આયામો વિષે જાગૃતિ ફેલાવવા માટેનું સર્જનાત્મક સ્થળ છે. અહીંનું એક મહત્વનું આકર્ષણ છે : ટ્રેન રાઈડ, જે તમને અલગ-અલગ સ્થળે લઇ જઈને વિધવિધ આકર્પણો દર્શાવશે.  ''આરોગ્ય વન '' નું લોકાર્પણ કરતા પ્રધાનમંત્રી મોદીએ ટ્વીટ કરતા જણાવ્યું હતું  કે, 'આ વન ભારતની ઔષધીય વૈભવના પ્રતીક સમાન છે. જ્યાં વિવિધ રોપાની સાથે ભારતની પ્રાચીન આયુર્વેદિક નીરોગિતાની  પ્રણાલિકા તથા ઉત્તમ આરોગ્ય અંગેની જાણકારી પ્રાપ્ત કરવાનું  સુંદર સ્થળ છે " 

એકતા મોલ : ઉદ્ઘાટન સમય વડાપ્રધાન મોદી અત્યંત રોમાંચ અનુભવતા હતા, આ સ્થળ વિષે શાબ્દિક નિરૂપણ કરતા તેમણે જણાવ્યું હતું કે, એકતા મોલ ભારતના વૈવિધ્યપૂર્ણ હસ્તકલાના વારસાને એક જ સ્થળે પામવાનું સંગમસ્થાન છે. અહીં વડાપ્રધાન મોદીએ જમ્મુ-કાશ્મીર, પૂર્વ ભારતના રાજ્યોએ નિરૂપિત કરેલા હસ્તકલાના નમૂનાને માણ્યા હતા. વડાપ્રધાનના વરદ હસ્તે ઉદ્ઘાટન અને ખાતમુહૂર્ત થયેલ પ્રથમ ચરણાના પ્રોજેકટ્સની મુખ્ય વિશેષતાઓ 

આરોગ્ય વન : માનવ સમુદાયના સ્વાસ્થ્ય અને સુખાકારીના વિષય વસ્તુને ધ્યાનમાં રાખીને જુદા જુદા વૈદિક વૃક્ષો સાથેનું આ આરોગ્ય વન ૧૭ એકરમાં પથરાયેલું છે. આરોગ્ય વનમાં યોગ, આયુર્વેદ અને ધ્યાનને ખાસ મહત્વ આપવામાં આવ્યું છે. ૩૮૦ પ્રજાતિના જુદા જુદા પ લાખ વૃક્ષો વાવવામાં આવેલા છે. આ વનમાં કમળ તળાવ, ગાર્ડન ઓફ કલર્સ, આલ્બા ગાર્ડન, લ્યુટીયા ગાર્ડન, એરોમા ગાર્ડન, યોગ અને ધ્યાન - સ્થળ, ઈન્ડોર પ્લાન્ટ સેકશન, ડિઝીટલ ઇન્ફર્મેશન સેન્ટર, સોવીનીયર શોપ, કાફેટેરિયા વગેરેનો સમાવેશ થાય છે. અહિના આરોગ્ય વેલનેસ સેન્ટરમાં કેરાલાના ર્ડાકટર અને નિષ્ણાત સ્ટાફ દ્વારા જુદી જુદી નેચર થેરાપીનો પ્રવાસીઓને લાભ મળે છે. આરોગ્ય વનમાં પ્રવાસીઓ શારિરીક સુખાકારી સાથે કુદરત સાથે તાદમ્ય પણ અનુભવે છે. 

એક્તા મોલ : દેશ-વિદેશના પ્રવાસીઓ કેવડિયાની મુલાકાત દરમિયાન ખરીદીનો વિશિષ્ટ પ્રકારનો અનુભવ લઈ શકે તે માટે બે માળ અને ૩પ,૦૦૦ ચો.ફુટમાં પથરાયેલ વિશાળ એકતા મોલનું નિર્માણ કરવામાં આવ્યું છે. જેમાં દેશના જુદાજુદા રાજયોમાંથી ર૦ જેટલા પરંપરાગત હેન્ડલુમ અને હેન્ડીક્રાફટ એમ્પોરીયા છે. એકતા મોલમાં દેશના જુદા જુદા રાજ્યોની વખણાતી ચીજવસ્તુઓ એક જ જગ્યાએથી ખરીદીનો પ્રવાસીઓ આનંદ માણે છે. જેમાં ગરવી ગુર્જરી, પુરબ, કૈરાલી, મુર્ગનૈની, પુમ્પુહર, ગંગોત્રી, કાવેરી, ખાદી ઈન્ડિયા, કાશ્મીર અને CCI એમ્પોરિયમ આવેલું છે. 

ચિલ્ડ્રન ન્યુટ્રિશન પાર્ક : અદ્યતન ટેકનોલોજી સંચાલિત વિશ્વનો સૌ પ્રથમ ચિલ્ડ્રન ન્યુટ્રિશન પાર્ક છે. આ થીમ બેઝ પાર્ક ૩પ૦૦૦ ચો.મી. વિસ્તારમાં પથરાયેલો છે. બાળકોને જ્ઞાન સાથે ગમ્મત મળે તે હેતુથી અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કરી આ પાર્ક ખાસ ડિઝાઈન કરવામાં આવેલો છે. જેમાં બાળકો મીની ટ્રેન દ્વારા ૬૦૦ મીટર પ્રવાસ કરે છે. પ્રવાસ દરમિયાન ફળ-શાક ગૃહમ્, પાયોનગરી, અન્નપૂર્ણા, પોષણપુરમ્, સ્વસ્થ ભારતમ્ અને ન્યુટ્રી હંટ જેવા સ્ટેશનો આવે છે. આ સ્થળોમાં જુદી જુદી ૪૭ જેટલી ટેકનોલોજીનો ઉપયોગ કરી બાળકોને મનોરંજનની સાથે માહિતી મળે અને ‘‘સહિ પોષણ-દેશ રોશન’’ ચરિતાર્થ થાય તે પ્રયાસ કરવામાં આવ્યો છે. 
વધુમાં નાના-મોટા તમામ પ્રવાસીઓને મનોરંજન માટે મીરર મેઈઝ, 5-D થિયેટર,ભૂલ-ભુલૈયાં પણ છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news