મધ્ય ગુજરાતના આ શહેરમાં થઈ ખતરનાક લમ્પી વાયરસની એન્ટ્રી, પશુપાલક ચિંતામાં

Lumpy Virus Spreads : વડોદરામાં ઢોર ડબ્બામાં રખાયેલા 3 પશુઓને લમ્પી વાયરસનો ચેપ ક્યાંથી લાગ્યો તે હજુ સામે આવ્યુ છે. પરંતુ આ કારણે પશુમાલિકોમાં ભય ફેલાયો

મધ્ય ગુજરાતના આ શહેરમાં થઈ ખતરનાક લમ્પી વાયરસની એન્ટ્રી, પશુપાલક ચિંતામાં

રવિ અગ્રવાલ/વડોદરા :સૌરાષ્ટ્ર-કચ્છમાં હાહાકાર મચાવ્યા બાદ હવે મધ્ય ગુજરાતમાં લમ્પી વાયરસની એન્ટ્રી થઈ છે. વડોદરામાં લમ્પી વાયરસની એન્ટ્રી થઈ છે, જેને કારણે તંત્ર હરકતમાં આવ્યુ છે. વડોદરામાં ત્રણ ગાયોમાં લમ્પી વાયરસની અસર દેખાઈ છે. જેથી પાલિકાએ આ તમામ ગાયોને આઇસોલેટ કરી છે.

વડોદરા કોર્પોરેશનની પાંજરાપોળમાં મૂકાયેલા ઢોરો સુધી લમ્પી વાયરસ પહોંચી ચૂક્યો છે. ત્રણ ગાયોમાં લમ્પી વાયરસના લક્ષણો જોવા મળ્યાં છે. આ ગાયોને અન્ય ગાયોથી અલગ મૂકવામાં આવી છે, તેમજ તાત્કાલિક અસરથી તેમને સારવાર આપવાનુ શરૂ કરાયુ છે. સાથે જ અન્ય ગાયોને સુરક્ષિત કરી દેવાઈ છે. ઢોર ડબ્બામાંથી 76 પશુઓને દૂર પણ કરાયા છે, જેથી તેમનામાં લમ્પી વાયરસ ન ફેલાય.

ઢોર ડબ્બામાં રખાયેલા પશુઓને લમ્પી વાયરસનો ચેપ ક્યાંથી લાગ્યો તે હજુ સામે આવ્યુ છે. પરંતુ આ કારણે પશુમાલિકોમાં ભય ફેલાયો છે. ઢોર ડબ્બામાં રહેલી ત્રણેય ગાયોની સારવાર શરૂ કરાઈ છે. વડોદરાના ત્રણ ઢોર ડબ્બા છે, જેમાં 600 ઢોર રાખવામાં આવ્યા છે. આ ઢોર સુધી લમ્પી ન પહોંચે તે માટે તકેદારીના પગલા લેવામાં આવી રહ્યાં છે. પશુ વિભાગ દ્વારા તમામ પાંજરાપોળમાં ચેકિંગ હાથ ધરાયુ છે. એક પુશમાંથી બીજા પશુમાં આ બીમારી ન ફેલાય તે માટે રસીકરણની કામગીરી પણ હાથ ધરાશે. 

ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં લમ્પી વાયરસ પશુપાલકોનાં પશુઓનો દુશ્મન બન્યો છે. ગુજરાતના એક હજારથી વધુ ગામડાંમાં લમ્પી વાયરસ ફેલાયો છે. જેથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે ઉચ્ચસ્તરીય બેઠક બોલાવી છે.  

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news