જાફરાબાદમાં સિંહણ આવી જતા લોકો ઘરમાં પૂરાયા, ફિલ્મો જેવા દ્રશ્યો સર્જાયા

અમરેલી જિલ્લાના દરિયા કાંઠે જાફરાબાદ બંદર પર માછીમારોના રહેણાંક વિસ્તારમા સિંહણ આવી જતા અફરાતફરી સર્જાઇ હતી. અંતે ચાર કલાક બાદ રાજુલા વનવિભાગ દ્વારા રેસ્ક્યુ ઓપરેશન કરી બાબરકોટ નર્સરી ખાતે ખસેડતા સ્થાનિક લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

જાફરાબાદમાં સિંહણ આવી જતા લોકો ઘરમાં પૂરાયા, ફિલ્મો જેવા દ્રશ્યો સર્જાયા

કેતન બગડા/અમરેલી :અમરેલી જિલ્લાના દરિયા કાંઠે જાફરાબાદ બંદર પર માછીમારોના રહેણાંક વિસ્તારમા સિંહણ આવી જતા અફરાતફરી સર્જાઇ હતી. અંતે ચાર કલાક બાદ રાજુલા વનવિભાગ દ્વારા રેસ્ક્યુ ઓપરેશન કરી બાબરકોટ નર્સરી ખાતે ખસેડતા સ્થાનિક લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

ગુજરાતનું ગૌરવ અને એશિયાટિક સિંહોનો સૌરાષ્ટ્રમાં દબદબો છે. મોટાભાગે સિંહો ગ્રામીણ વિસ્તાર અને જંગલ વિસ્તારમાં રહે છે, પરંતુ અમરેલી જિલ્લાના દરિયા કાંઠાના વિસ્તાર રાજુલા જાફરાબાદ પંથકમાં સિંહોએ હવે અહીં નવું ઘર બનાવ્યું હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. જાફરાબાદ શહેરમાં સામાકાંઠા વિસ્તાર એટલે કે માછીમારોનો રહેણાંક વિસ્તાર છે. જ્યાં ગઈકાલે સવારે આશરે 5 વર્ષની સિંહણ ઘૂસી આવી હતી અને ફિલ્મોમાં સર્જાય તેવા દ્રશ્યો આ વિસ્તારમાં સર્જાયા હતા. ‘સિંહ આવ્યો સિંહ આવ્યા’નું વાતાવરણ ઉભું થતા સ્થાનિક લોકો દ્વારા રાજુલા વનવિભાગને જાણ કરવામાં આવી હતી. રાજુલા વનવિભાગનો મોટો કાફલો રેસ્ક્યુ ડોક્ટરોની ટીમ સાથે જાફરાબાદ શહેરમાં આવી પહોંચ્યો હતો. સ્થાનિક લોકોને દૂર ખસેડી વનવિભાગ દ્વારા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું હતું. જોકે અહીં આવી ચડેલી સિંહણ પણ હાંફળી ફાંફળી બની હતી અને અતિશય ક્રોધમાં આવી ગઈ હતી. વનવિભાગની ટીમે ચારે તરફથી તેમનો ઘેરાવ કર્યો અને ત્યાર બાદ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું.

Sighan.JPG

રાજુલા રેન્જ વનવિભાગનો સ્ટાફ, ડોક્ટર ટીમ અને રેસ્ક્યુ વનવિભાગ દ્વારા સિંહણને બેભાન કરી તેનું રેસ્ક્યુ ઓપરેશન કર્યું હતું. જોકે આ રેસ્ક્યુ ઓપરેશન કલાકો સુધી ચાલ્યું હતું. આખરે બપોરના 1 વાગ્યા આસપાસ સિંહણ પાંજરે પૂરાઈ હતી. જેથી જાફરાબાદના સ્થાનિક માછીમારો સહિત સ્થાનિક લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. પકડાયેલી સિંહણને વનવિભાગ દ્વારા બાબરકોટ નર્સરી ખાતે ખસેડવામાં આવી હતી. 

ઉલ્લેખનીય છે કે, જાફરાબાદમાં સિંહ આવવાની પહેલીવાર ઘટના નથી બની. 2016માં 2 જાન્યુઆરીના રોજ એક સિંહ જાફરાબાદના લાઈટ હાઉસ વિસ્તારમાં ઘૂસી ગયો હતો. લોકોની ભીડ વધી જતા સિંહે દરિયામાં કૂદકો માર્યો હતો. જેના બાદ વનવિભાગે રેસક્યૂ કરીને તેનો જીવ બચાવ્યો હતો. સતત બની રહેલી આ ઘટનાઓ પરથી લાગી રહ્યું છે, સિંહો હવે જાફરાબાદ પંથકમાં પોતાનું ઘર બનાવી રહ્યાં છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news