દલખાણીયા રેન્જમાં વધુ એક સિંહનું મોત, કુલ મૃત્યુઆંક 14 પર પહોંચ્યો

ગીરમાં સિંહના થઈ રહેલા મોતોને લઈને વન વિભાગની કામગીરી પર અનેક સવાલો ઉઠી રહ્યાં છે. 
 

દલખાણીયા રેન્જમાં વધુ એક સિંહનું મોત, કુલ મૃત્યુઆંક 14 પર પહોંચ્યો

અમરેલીઃ ગીર પૂર્વ વન વિભાગ હેઠળ આવતા દલખાણીયા રેન્જમાં વધુ એક સિંહનું મોત થયું છે. આ સાથે સિંહના કુલ મોતનો આંકડો 14 પર પહોંચી ગયો છે. 

12 સપ્ટેમ્બરથી લઇ 25 સપ્ટેમ્બર સુધીની સમયગાળામાં ગીર પૂર્વ વન વિભાગ હેઠળ આવતા દલખાણીયા અને જસાધાર ફોરેસ્ટ રેન્જમાં કુલ 14 સિંહોનાં મોત થયા છે. જેમાં 2 સિંહો જસાધાર રેન્જમાં મૃત્યુ પામ્યા છે જ્યારે 12 સિંહો દલખાણીયા રેન્જમાં મૃત્યુ પામ્યા છે. સિંહણના ટીસ્યુ બ્લડ સેમ્પલને લેબોરેટરીમાં તપાસ માટે મોકલાયા છે. વધુ એક સિંહણના મોત સાથે સિંહનો મૃત્યુંઆંક 14 પર પહોંચી ગયો છે. મહત્વનું છે કે વન વિભાગની 102ની ટીમના 399 કર્મચારી દ્વારા ગીરના 785 ચોરસ કીલોમીટર વિસ્તારમાં તપાસ કરાઈ હતી. જેમાં 164 સિંહ જોવા મળ્યા હતા. આ 164 સિંહમાંથી ચાર સિંહમાં સામાન્ય ઈજા હતી. તો 1 સિંહણ કમજોર જ્યારે 1 સિંહણ બિમાર હાલતમાં હતી. તો 158 સિંહ તંદુરસ્ત હોવાનો દાવો વન વિભાગે કર્યો છે. સામાન્ય ઈજા વાળા સિંહને સ્થળ પર જ સારવાર આપી મુક્ત કરાયા છે. તો એક કમજોર સિંહણને રેસ્ક્યુ સેન્ટરમાં દાખલ કરાઈ છે.

ગઈકાલે થયા હતા બે સિંહના મોત
ગીર પૂર્વનાં દલખાણીયાના રેન્જનાં વિસ્તારને પ્રાથમિકતા આપીને આઠ જેટલી ટીમો દ્વારા 8000 હેકટરથી વધારે વિસ્તારનાં અંતરીયાળ તેમજ કોતરમાં ચકાસણી કરવામાં આવેલ ચકાસણી દરમિયાન 3થી 4 વર્ષની એક સિંહણ બિમાર અવસ્થામાં સ્ટાફ દ્વારા શોધી કાઢવામાં આવેલ અને તેને સારવાર અર્થે નિરિક્ષણમાં રાખવામાં આવ્યા હતા. પરંતુ સારવાર આપતા પહેલા જ તેનું મૃત્યુ થયું હતું. મૃત સિંહણની તપાસ કરતા તેના શરીરમાં ચીપ જોવા મળેલ જેના ઉપરથી જાણવા મળ્યું કે, આ જ સિંહણ ગયા વર્ષે સપ્ટેમ્બર માસમાં બિમાર હતી, અને તેને સારવાર આપવામાં આવેલ હતી.

આ સિંહણની ઉંમર 8 થી 9 વર્ષની હતી અને તેના શરીરમાંથી માઇક્રો ચીપ (નં-00-0770-146સી) મળી આવી હતી. જેની આધારે જાણવા મળે છે કે, આ સિંહ 2016માં ચોથી સપ્ટેમ્બરના રોજ આ જ વિસ્તારમાંથી બિમાર હાલતમાં મળી હતી અને સારવાર કરી તેને મુક્ત કરવામાં આવી હતી. તેના બ્લડ સેમ્પલ, ટીસ્યુ, તેમજ અન્ય ચકાસણીની કાર્યવાહી ચાલુ છે. તે સિવાય એક કમજોર દેખાતી સિંહણને સારવાર અર્થે રેસ્ક્યુ કરવાની કામગીરી ગતિમાં છે. દલખાણીયા રેન્જના સરસીયા વીડી વિસ્તારમાં સિંહોના નિરીક્ષણ અને પકડવાની કામગીરી ગતિમાં છે. રેસ્ક્યુ કર્યા બાદ તેમના આરોગ્યની ચકાસણી કરવામાં આવશે.

સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ, સિંહોના મૃત્યુનો આંકડો હજુ પણ વધે તેવી શક્યતા છે. કેમ કે, કેટલાક સિંહો હજુ પણ બિમાર છે એમ જાણવા મળે છે.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news