ભાજપના રાજમાં ન્યાય નથી મળતો કહી BJPના જ નેતાએ કરી ઇચ્છામૃત્યુની માગ
વડોદરા તાલુકાના બક્ષીપંચ મોર્ચાના ભાજપના મહામંત્રીએ કલેકટરને આવેદનપત્ર આપી ઈચ્છામૃત્યુની માગ કરતા હડકંપ મચી જવા પામ્યો છે. ભાજપ કાર્યકર સંજય પંચાલે ભાજપના રાજમાં જ ન્યાય ન મળતો હોવાનો આક્ષેપ કરતા હડકંપ મચ્યો છે.
Trending Photos
રવિ અગ્રવાલ/વડોદરા: વડોદરા તાલુકાના બક્ષીપંચ મોર્ચાના ભાજપના મહામંત્રીએ કલેકટરને આવેદનપત્ર આપી ઈચ્છામૃત્યુની માગ કરતા હડકંપ મચી જવા પામ્યો છે. ભાજપ કાર્યકર સંજય પંચાલે ભાજપના રાજમાં જ ન્યાય ન મળતો હોવાનો આક્ષેપ કરતા હડકંપ મચ્યો છે.
ભાજપ કાર્યકર સંજય પંચાલ વડોદરાના સાંકરદા ગામમાં રહે છે. જ્યાં તેમની છેલ્લા ઘણા સમયથી ભાજપ નેતા દક્ષાબેન ઠક્કર સાથે તકરાર ચાલી રહી છે. જેમાં તેમણે દક્ષાબેન પર ખોટી રીતે ગર્ભપાતની હોસ્પિટલ ચલાવતા હોવાનો આરોપ લગાવી જિલ્લા આરોગ્ય કેન્દ્રમાં ફરિયાદ કરી હતી. ત્યારબાદ સંજય પંચાલે તેનું અપહરણ થયું હોવાની ફરિયાદ કરી હતી. જેમાં પોલીસે કોઈ જ કાર્યવાહી ન કરી હોવાનો આક્ષેપ કર્યો. તો સંજય પંચાલે પોતાની પત્ની પર તલવારથી હુમલો કરવામાં આવ્યો હોવા છતાં પોલીસ ફરિયાદ ન લેવાનો પણ આક્ષેપ કર્યો હતો.
છાણી પોલીસ સ્ટેશનમાં તેની સામે ખોટી ફરિયાદ દાખલ કરાઈ હોવાનો પણ આરોપ લગાવ્યો. આ તમામ બાબતોને લઇ તેને અત્યારસુધી 7 વખત કલેકટરને આવેદનપત્ર આપી રાજ્ય સરકારને રજૂઆત કરી છે તેમ છતાં આજદિન સુધી કોઈ કાર્યવાહી ન થતાં તેને આજે સાંસદ રંજનબેન ભટ્ટના નિઝામપુરા કાર્યલય બહાર જ દેખાવો કર્યા હતા, અને સરકારી તંત્ર તેમને ન્યાય ન આપતા હોવાનો આક્ષેપ કર્યો હતો.
સંજય પંચાલ છેલ્લા 5 વર્ષથી તેમના ઉપર થતા અત્યારચાર સામે ન્યાય મેળવવા લડી રહ્યા છે. તેમ છતાં ન્યાય ન મળતાં આખરે તેમને કલેકટરને આવેદનપત્ર પાઠવી ઈચ્છામૃત્યુની માંગ કરી છે. સાથે જ ભાજપના કાર્યકર હોવા છતાં ભાજપ સરકારમાં ન્યાય ન મળતાં હોવાનો ગંભીર આક્ષેપ કર્યો હતો. મહત્વનું છે કે, સંજય પંચાલે આ અગાઉ કલેકટરને આવેદનપત્ર આપી સરકાર પાસેથી દારૂના વેચાણની પરવાનગી માગી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે