અમદાવાદની તાકાત હવે સસલા જેવી નહિ, પણ સિંહની ત્રાડ જેવી થઈ
ભારતમાં જ ભાગ્યે જ કોઈ એવું હશે જેને અમદાવાદ અને અમદાવાદીઓને પરચો ન થયો હોય. હાલ ભારતના નક્શામાં મેગા સિટી તરીકે અંકિત થયેલા અમદાવાદના વિકાસ માટે એમ કહી શકાય છે કે, દિવસ કરતા રાત્રે વધુ ફેલાઈ રહ્યું છે. અમદાવાદના વિકાસના કોઈ સીમાડા નથી રહ્યાં. મુંબઈ, બેંગલોર, દિલ્હી જેવું સિટી થવા થનગની રહેલા અમદાવાદમાં હવે બહારથી વસવાટ કરવા આવનારા લોકોની સંખ્યા વધી રહી છે. ભારતના અનેક પ્રાંતોના લોકો માટે અમદાવાદ ફર્સ્ટ ચોઈસ બની રહ્યું છે. અમદાવાદની લાઈફસ્ટાઈલ હંમેશાથી આકર્ષાતી રહી છે. આજે જાણી લો કે, ખાણીપીણી, સેફ્ટી, પહોળા રોડ, વિકાસ વગેરે જેવી બાબતોમાં અમદાવાદમાં એવું તો શું છે કે વિદેશી કંપનીઓની બાજ નજર પણ અમદાવાદ પર રહે છે.
Trending Photos
અમદાવાદ : ભારતમાં જ ભાગ્યે જ કોઈ એવું હશે જેને અમદાવાદ અને અમદાવાદીઓને પરચો ન થયો હોય. હાલ ભારતના નક્શામાં મેગા સિટી તરીકે અંકિત થયેલા અમદાવાદના વિકાસ માટે એમ કહી શકાય છે કે, દિવસ કરતા રાત્રે વધુ ફેલાઈ રહ્યું છે. અમદાવાદના વિકાસના કોઈ સીમાડા નથી રહ્યાં. મુંબઈ, બેંગલોર, દિલ્હી જેવું સિટી થવા થનગની રહેલા અમદાવાદમાં હવે બહારથી વસવાટ કરવા આવનારા લોકોની સંખ્યા વધી રહી છે. ભારતના અનેક પ્રાંતોના લોકો માટે અમદાવાદ ફર્સ્ટ ચોઈસ બની રહ્યું છે. અમદાવાદની લાઈફસ્ટાઈલ હંમેશાથી આકર્ષાતી રહી છે. આજે જાણી લો કે, ખાણીપીણી, સેફ્ટી, પહોળા રોડ, વિકાસ વગેરે જેવી બાબતોમાં અમદાવાદમાં એવું તો શું છે કે વિદેશી કંપનીઓની બાજ નજર પણ અમદાવાદ પર રહે છે.
સસલાએ વસાવ્યું શહેર
અમદાવાદના વિકાસની વાત આવે એટલે બધાના મોઢે એક જ વાક્ય રમતુ હોય છે. ‘જબ કુત્તે પે સસ્સા આયા, તબ બાદશાહને યે શહેર બસાયા...’ અહેમદશાહ બાદશાહ જ્યારે રાજ્ય માટે રાજધાનીના શોધમાં હતો ત્યારે તેણે અહીં કૂતરા પર ભારે પડેલો સસલો જોયો હતો. જેના બાદ તેણે આ જગ્યાને રાજ્યની રાજધાની બનાવવાનું નક્કી કર્યું હતું. અહેમદશાહે રાજધાની માટે જે જગ્યાની પસંદગી કરી હતી તે સ્થળ એટલે આજનું મણિનગર. જોકે, અહેમદશાહ તો બહુ જ પછી આવ્યો. અમદાવાદનો ઉલ્લેખ 11 સદીમાં જોવા મળે છે. જ્યાં તેનું આશાવલ અથવા આશાપલ્લી હોવાનું કહેવાય છે. બાદમાં તે કર્ણાવતી થયુ. જોકે, આ શહેરનું નામ અમદાવાદ બદલીને ફરીથી કર્ણાવતી કરવાનું જૂની જંગ અને રાજકારણથી તો બધા માહિતગાર હશે જ.
આ તો અમદાવાદની શાન છે...
બહારનો વ્યક્તિ ગુજરાતમાં ફરવા આવે તો તેની સૌથી પહેલી ચોઈસ અમદાવાદ હોય છે. અહીં સાબરમતી આશ્રમ, રિવરફ્રન્ટ, મ્યૂઝિયમ, સીદ્દી સૈયદની જાળી, રાણીનો હજીરો, અડાલજની વાવ, કાંકરિયા તળાવ, જામા મસ્જિદ, કેલિકો મ્યૂઝિયમ, હઠીસિંગના દેરા, લો ગાર્ડન, સરખેજના રોજા વગેરે ફરવા જેવા સ્થળો છે. અને અમદાવાદની પોળો ન ફર્યાં, તો આ બધુ જ બેકાર છે. અમદાવાદની પોળો જોવા માટે અહીં ખાસ હેરિટેજ વોક યોજાય છે. તહેવારોની વાત કરીએ તો અમદાવાદની ઊત્તરાયણની વાત જ કંઈક નોખી છે. અહીંની નવરાત્રિ પણ જોવા જેવી હોય છે.
ગરમ મસાલેદાર ખાટીમીઠ્ઠી વાનગી...
સ્વાદના શોખીનો માટે અમદાવાદ સ્વર્ગ સમાન છે. અહીં રોજ નવી રેસિપી અને રેસ્ટોરન્ટ જોવા મળતા હોય તેવું લાગે છે. જ્યાં સુધી અમદાવાદીઓને બટર, મસાલાની સોડમ ન આવે ત્યાં સુધી તેમને સંતોષ ન થાય. અમદાવાદનું રિયલ ખાણીપીણીના બજારો તો માણેકચોક અને લો ગાર્ડન છે. પરંતુ હવે એસજી હાઈવે પર નવા ખાણીપીણીના અડ્ડા રોજેરોજ બની રહ્યાં છે. રાણીનો હજીરો અને બાદશાહના હજીરા વચ્ચે ભરાતુ માણેકચોક બજાર અમદાવાદની ઓળખ કહેવાય છે. અહીં પ્રવેશો એટલે બટરથી તરબોળતી પાવભાજી અને ચોકલેટ સેન્ડવીચની સુગંધ તમને ઘેરી વળશે. અમદાવાદની અન્ય એક ઓળખ અહીંની ગુજરાતી થાળી છે. અહીંની પતંગ હોટલ અમદાવાદની ખાણીપીણીમાં મોરપંખની જેવી છે.
વેપાર-વિકાસ
અમદાવાદ આજે પણ વેપારનું મુખ્ય કેન્દ્ર કહેવાય છે. કાપડ, રંગ, કેમિકલ અને જ્વેલરીના વેપારે અમદાવાદની આ ઓળખ મજબૂત બનાવી છે. આજે પણ ગુજરાતની અનેક કંપનીઓની તથા વિદેશની અનેક કંપનીઓની હેડ ઓફિસ અમદાવાદમાં આવેલી છે.
ખાસિયતોથી બન્યું ખાસ શહેર...
- દેશમાં બીઆરટીએસ સૌથી પહેલા હોવાનું ગર્વ અમદાવાદે લીધું છે. બીઆરટીએસને કારણે અમદાવાદની ટ્રાન્સપોર્ટ સુવિધા વ્યવસ્થિત બની છે. 2009માં અમદાવાદમાં બીઆરટીએસની શરૂઆત થઈ હતી.
- રિવરફ્રન્ટ આવ્યા બાદ અમદાવાદની રોનક બદલાઈ ગઈ છે. પૂર્વ અને પશ્ચિમ અમદાવાદને જોડવા માટે રિવરફ્રન્ટ મહત્ત્વનો સેતુ બની રહ્યો છે. જ્યાં લોકો માટે 10.4 કિલોમીટર સુધીનો રસ્તો ખુલ્લો મૂકી દેવાયો છે.
- ડો.વિક્રમ સારાભાઈની મદદથી અમદાવાદમાં ઈસરો આવ્યું, જેને કારણે અમદાવાદ અવકાશીય એક્ટિવિટીનું માધ્યમ બની ગયું.
- અમદાવાદમાં એશિયા સ્તરની અનેક એવી ઈન્સ્ટિટ્યૂટ આવેલી છે. જેમ કે, આઈઆઈએમ, નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઈન, ધીરુભાઈ અંબાણી ઈન્ફોર્મેશન એન્ડ ટેકનોલોજી સંસ્થા.
- 600 વર્ષનો જાજરમાન ઈતિહાસ ધરાવતા અમદાવાદને વર્લ્ડ હેરિટેજ સિટી તરીકે ઓળખ મળી ગઈ છે. આ સાથે જ અમદાવાદ ભારતનું પ્રથમ હેરિટેજ સિટી બન્યું છે. અહીં 25 જેટલી આર્કિયોલોજિકલ સાઈટ્સ આવેલી છે.
- હાલ અમદાવાદમાં બૂલેટ ટ્રેનનો પ્રોજેક્ટ આકાર લઈ રહ્યો છે, જે 2023 સુધી કાર્યરત થઈ જશે. જેના બાદ અમદાવાદની દિશા અને વિકાસને ચારેતરફથી વેગ મળશે.
અમદાવાદનું રાજકારણ
1915માં ગાંધીજી ગુજરાતમાં આવ્યા તે પહેલાથી અમદાવાદમાં કોંગ્રેસ હતું. પરંતુ આ કામગીરી અત્યંત નબળી હતી. ગાંધીજીના આગમન બાદ અમદાવાદના રાજકીય માનસમાં પરિવર્તન થયું હતું. જોકે, બાદમાં સરદાર વલ્લભભાઈ પટેલ જોડાતા અમદાવાદ રાજકીય ક્ષેત્રે વધુ ઉભરવા લાગ્યું હતું. અમદાવાદના હાલના રાજકારણની વાત કરીએ તો છેલ્લા કેટલાક વર્ષોથી ગુજરાત પર ભાજપનો દબદબો છે. 1960 બાદ ગુજરાતમાં કોંગ્રેસની સત્તા હતી, પણ બાદમાં સત્તાનું પરિવર્તન થતું ગયું. ગુજરાત ભાજપમાં કેશુભાઈ પટેલનો રોલ પણ મહત્ત્વનો રહ્યો છે. તો 2001માં મુખ્યમંત્રીનું પદ નરેન્દ્ર મોદી પાસે આવતા ગુજરાતના વિકાસ તથા રાજકારણમાં વેગ આવ્યો હતો. હાલ વિજય રૂપાણી ગુજરાતના મુખ્યમંત્રી છે.
અમદાવાદની ભૂગોળ
અમદાવાદનું મૂળ એટલે સાબરમતી નદીના કિનારે વસેલું અસલી શહેર. જેને આજે જૂના અમદાવાદ તરીકે લોકો જાણે છે. અમદાવાદની પોળો જગવિખ્યાત છે. અહીંની ઊત્તરાયણની વાત જ અદભૂત છે. જોકે, અમદાવાદના વિકાસને ખરો વેગ અંગ્રેજોના શાસનકાળમાં મળ્યો હતો. અહીં તેમણે નગરપાલિકા, કોર્ટ વગેરેની સ્થાપના કરી હતી. તે સમયે અમદાવાદમાં કાપડની મિલો વિકસી હતી. અમદાવાદ શેઠની નગરી બની ગયું હતું. કાપડની મિલોને કારણે જ અમદાવાદ પૂર્વનું માન્ચેસ્ટર કહેવાતું હતું. ગુજરાત અને મહારાષ્ટ્ર જ્યારે 1મે, 1960ના રોજ અલગ પડ્યા, ત્યારે તો અમદાવાદ જ ગુજરાતનું પાટનગર હતું. પણ સમય જતા ગાંધીનગરને પાટનગરની ઓળખ બની. હાલ ગાંધીનગર રાજકીય તો અમદાવાદ વાણિજ્યિક પાટનગર કહેવાય છે. હાલ વસ્તીની દ્રષ્ટિએ જોઈએ તો અમદાવાદ 8 મિલિયનથી વધુના આંકને આંબી ગયું છે તેવું કહી શકાય.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે