'મહોબત સે દે રહા હું' નામના કોડવર્ડથી રાજ્ય વ્યાપી ગેરકાયદેસર હથિયાર વેચાણના નેટવર્કનો પર્દાફાશ

ક્રાઇમ બ્રાન્ચની કસ્ટડીમાં જોવા મળતા આરોપી હનીફ ઉર્ફે સબીર બેલીમ, અસલમ સોલંકી, મોહંમદખાન ઉર્ફે જામ મલેક અને આસિફખાન ઉર્ફે રેબર મલેકને સાણંદ નજીકથી 12 હથિયાર સાથે ઝડપી લીધા.

'મહોબત સે દે રહા હું' નામના કોડવર્ડથી રાજ્ય વ્યાપી ગેરકાયદેસર હથિયાર વેચાણના નેટવર્કનો પર્દાફાશ

મૌલિક ધામેચા /અમદાવાદ: રાજ્ય વ્યાપી ગેરકાયદેસર હથિયાર વેચાણના નેટવર્કનો ક્રાઇમ બ્રાન્ચે પર્દાફાશ કર્યો છે. 12 હથિયાર સાથે કુખ્યાત આરોપી હનીફ બેલીમ સહિત 4 આરોપીની ધરપકડ કરીને ખેડબ્રહ્માના આંગડિયા પેઢીની લૂંટ વીથ મર્ડરનો ભેદ ઉકેલ્યો હતો.

ક્રાઇમ બ્રાન્ચની કસ્ટડીમાં જોવા મળતા આરોપી હનીફ ઉર્ફે સબીર બેલીમ, અસલમ સોલંકી, મોહંમદખાન ઉર્ફે જામ મલેક અને આસિફખાન ઉર્ફે રેબર મલેકને સાણંદ નજીકથી 12 હથિયાર સાથે ઝડપી લીધા. તેમની પાસેથી બંદૂક, તમંચો, રિવોલ્વર, પિસ્તોલ અને કાર્ટુસ જપ્ત કરવામાં આવ્યા. આરોપીની પૂછપરછમાં રાજ્ય વ્યાપી ગેરકાયદેસર હથિયાર વેચાણના નેટવર્કનો ખુલાસો થયો. આરોપી હનીફ ઉર્ફે સબીર નેટવર્કનો માસ્ટર માઈન્ડ છે. હનીફ એ વેચાણ આપવા માટે અસલમ સોલંકી, મોહમ્મદ ઉર્ફે જામ તથા આસિફખાનને બોલાવ્યા હતા. આ આરોપીઓ હથિયાર ખરીદીને જઈ રહયા હોવાની બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચે હથિયારનો સોદો કરતા રંગે હાથે ઝડપી લીધા હતા.

આ હથિયારના વેચાણના નેટવર્કના તાર પાટણ સુધી પહોંચ્યા છે. હનીફે પાટણના સંખેશ્વરના રહેવાસી મૌલિકસિંહ ઉર્ફે મુનાબાપુ વાઢેર પાસેથી તમામ હથિયાર લીધેલ હતા. જેમાંથી એક બંદૂક પાટણના કાળુભા રાઠોડને વેચી હતી. અને થોડા સમય રાખ્યા બાદ આ બંદૂક પરત આપીને પિસ્તોલ મંગાવી હતી. આ હથિયારના વેચાણ માટે તેઓ 'મહોબત સે દે રહા હું નામથી કોડવર્ડ' નો ઉપયોગ કરતા હતા. 

પકડાયેલ આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ છે. હનીફ ઉર્ફે સબીર વિરુદ્ધ ખેડબ્રહ્મામાં લૂંટ વિથ મર્ડર, હિંમતનગર, પાટણ અને અમદાવાદમાં હથિયારના કેસમાં વોન્ટેડ હતો.. આ ઉપરાંત અગાઉ દારૂ, જુગાર અને હથિયાર ના કેસમાં ઝડપાયો હતો. તેને એક વખત પાસા પણ કરવામાં આવી હતી. જ્યારે અન્ય આરોપી મોહમદ ખાન ઉર્ફે જામ સુરેન્દ્રનગરમાં હથિયારના કેસમાં ઝડપાયો હતો.જ્યારે આસિફ ખાન મારામારીને 2 કેસોમાં ઝડપાયો હતો.

કુખ્યાત આરોપી હનીફ 3 વર્ષ પહેલાં ખેડબ્રહ્મા માં આંગડિયા લૂંટ અને હત્યા બાદ રાજેસ્થાન, પંજાબ, યુપી, બિહાર, તમિલનાડુ, કર્ણાટકમાં છુપાતો હતો. અને આ દરમ્યાન તેને હથિયારોના વેચાણનું નેટવર્ક શરૂ કર્યું.મધ્યપ્રદેશ થી હથિયાર લાવીને ગુજરાત માં વેચાણ કરતો હતો. આ નેટવર્ક માં મૌલિકસિંહ ઉર્ફે મૂનાબાપુ વાઢેર અને કાળુભા રાઠોડ હજુ વોન્ટેડ છે. જેથી ક્રાઇમ બ્રાન્ચએ બન્ને આરોપીની શોધખોળ શરૂ કરી છે. 

આરોપી મૌલિકસિંહ પણ સોમનાથના ઉનામાં થયેલ આંગડિયા લૂંટમાં વોન્ટેડ છે. હાલમાં ક્રાઇમ બ્રાન્ચે આરોપીએ હથિયાર કોને કોને વેચ્યા અને તેનો કોઈ ગુનાખોરી માં ઉપયોગ થયો હતો કે નહીં તે મુદ્દે આરોપીઓની વધુ પુછપરછ શરૂ કરી.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news