કાલોલના ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ આકરા પાણીએ : મામલતદારને જાહેરમાં લઈ લીધા

MLA Fatehsinh Chauhan : અધિકારી બાદ હવે સસ્તા અનાજના દુકાનદારોને આપી ચીમકી... કેટલીક દુકાનો પરવાનેદારની જગ્યાએ અન્ય લોકો કરે છે વહીવટ... 
 

કાલોલના ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ આકરા પાણીએ : મામલતદારને જાહેરમાં લઈ લીધા

જયેન્દ્ર ભોઈ/પંચમહાલ : કાલોલના ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ આકરા પાણીએ જોવા મળ્યાં છે. અધિકારી બાદ હવે સસ્તા અનાજના દુકાનદારોને ચીમકી આપી છે. કેટલીક દુકાનો પરવાનેદારની જગ્યાએ બીજા વહીવટ કરતાં હોવાના મુદ્દે ધારાસભ્ય ધુંઆપુઆ થયા હતા. તેઓએ સસ્તા અનાજની દુકાન ચલાવતા ઠેકેદારોને ગરીબોને અનાજ પૂરું વિતરણ કરવા માટે સૂચના આપી છે.  

ગુજરાતમાં રેકોર્ડબ્રેક જીત બાદ હવે ભાજપના ધારાસભ્યો પણ આકરા પાણીએ બની રહ્યાં છે. દરેક પોતાના મતવિસ્તારમાં કામ કરવા લાગ્યા હોય તેમ જાહેરમાં દેખાઈ રહ્યા છે. હજુ ફરી મંત્રીમંડળના વિસ્તરણની નેતાઓ રાહ જોઈને બેઠા છે. આજે કાલોલના ધારાસભ્યને એકાએક શું થયું કે તેઓએ મામલતદારને જાહેરમાં લઈ લીધા હતા. હાજર લોકો પણ ધારાસભ્યના આ રૂપને જોઈને અવાક થઈ ગયા હતા. ધારાસભ્યએ અધિકારી બાદ સસ્તા અનાજના દુકાનદારોને પણ ચીમકી આપી દીધી હતી. 

કાલોલમાં સરકારી સસ્તા અનાજના દુકાનદારોએ ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણનો સત્કાર સમારંભ યોજ્યો હતો. જે દરમિયાન કેટલીક દુકાનો પરવાનેદારની જગ્યાએ બીજો વ્યક્તિ વહીવટ કરતાં હોવાના મુદ્દે ધારાસભ્ય ધુંઆપુઆ થયા હતા. ગરીબોને અનાજ પૂરું વિતરણ કરવા માટે દુકાનદારોને સૂચના આપી હતી. ખોટું કરતા દુકાનદારો સામે પોલીસ ફરિયાદ કરવા સુધીની ફતેસિંહ ચૌહાણની ચીમકીથી હાજર દુકાનદારોમાં તો કેટલાક સ્તબદ્ધ બની ગયા હતા. કારણ કે અનાજના દુકાનદારોએ તો તેમને સન્માન માટે બોલાવ્યા હતા પણ કેટલાકનો વારો પડી ગયો હતો. 

આ પણ વાંચો : 

ચાલુ કાર્યક્રમમાં જ ધારાસભ્યે મામલતદારને ફોન કરી જવાબ માગ્યો હતો. કાલોલ તાલુકામાં કેટલીક સસ્તા અનાજની દુકાનોનો વહીવટ પરવાનેદારની જગ્યાએ બીજા ચલાવતાં હોવાની વિગતો બહાર આવી છે. જેમાં નામ બીજાનું અને કામ બીજાનું જેવો ઘાટ ઘડાતાં ધારાસભ્યએ જિલ્લા કક્ષાએ તપાસ માટે રજૂઆત કરી હતી. આ સાથે એવી પણ ચિમકી આપી હતી કે, આગામી દિવસોમાં પરિણામ નહિ મળે તો  આ મુદ્દે પગલાં લેશે. કાર્ડ ધારકને ઓછું અનાજ આપી બહાર વેચાણ કરી સરકાર બદનામ થાય એવી પ્રવૃત્તિ નહિં સાંખી લેવાય.  અત્રે નોંધવું ઘટ કે, અગાઉ રાજ્યમાં ચકચાર જગાવનાર કથિત અનાજ કૌભાંડ કાલોલથી બહાર આવ્યું હતું. જે ગુસ્સો આજે ધારાસભ્યનો બહાર આવ્યો હોવાની ચર્ચાઓ છે.

અનાજ કૌભાંડ ઝડપાયુ હતું
ઉલ્લેખનીય છે કે, અગાઉ રાજ્યમાં ચકચારી જગાવનાર કથિત અનાજ કૌભાંડ કાલોલથી સામે આવ્યું હતું. કાલોલના વેજલપુરમાં પોલીસે કાર્યવાહી કરીને ચોખાનો શંકાસ્પદ જથ્થો ઝડપી પાડ્યો હતો. પોલીસે મામલતદારને રિપોર્ટ કરતા કાર્યવાહી ચાલુ કરી હતી. જેમાં 218 જેટલી ચોખાની શંકાસ્પદ બોરી ઝડપાઇ હતી. આ બાદ મામલતદારે સરકારી અનાજ ન હોવાનું પ્રાથમિક તારણ આપી ભીનું સંકેલવાના પ્રયાસ કર્યા હતા. મામલતદારે ચોખાના સેમ્પલ લઈ માત્ર ખાના પૂર્તિ કરી હતી. ચોખાનો જથ્થો જે વાહનમાંથી ઝડપાયો તે કથિત અનાજ માફિયાની છબી ધરાવે છે. 

કાલોલ વિધાનસભાના ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ તેમના અનોખા અંદાજ માટે પ્રખ્યાત છે. બે દિવસ પહેલા તેઓ સત્સંગ કરતા જોવા મળ્યા હતા. ફતેસિંહ ચૌહાણને ભજન ગાવાનો શોખ છે. તેઓ ખૂબ જ સુરીલા અંદાજમાં ભજનની ધુણી ધખાવે છે. ભજનનો મહિમા સમજાવતા ફતેસિંહ શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી દે છે. ખૂબ જ ગ્રાઉન્ડ લેવલના નેતા પોતાની ભજનિક છબી થકી ભારે લોકપ્રિયતા ધરાવે છે. ફતેસિંહ ધારાસભ્ય બન્યા બાદ સતત પોતાના વિસ્તારમાં તમામ ભજન સત્સંગના કાર્યક્રમોમાં હાજરી પણ આપે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news