Junagadh: ખેડૂતોએ અખતરા માટે વાવી સ્ટ્રોબેરી, થયું મબલખ ઉત્પાદન

ખેડૂત તાલીમ કેન્દ્ર દ્વારા ખેતીલક્ષી વિવિધ અખતરાઓ કરવામાં આવતાં હોય તે અંતર્ગત હાલની રવિ ઋતુમાં જીલ્લામાં સૌપ્રથમવાર સ્ટ્રોબેરીનો અખતરો કરવામાં આવ્યો અને તેમાં સફળતા પણ મળી છે.

Junagadh: ખેડૂતોએ અખતરા માટે વાવી સ્ટ્રોબેરી, થયું મબલખ ઉત્પાદન

સાગર ઠાકર, જૂનાગઢઃ સામાન્ય રીતે ઠંડા અને પહાડી પ્રદેશમાં ઉત્પાદિત થતી સ્ટ્રોબેરીનું હવે જૂનાગઢ તાલુકામાં પણ સફળ ઉત્પાદન થયું છે. ખેડૂત તાલીમ કેન્દ્ર દ્વારા રવિ ઋતુના અખતરામાં સ્ટ્રોબેરીનું સૌપ્રથમવાર ઉત્પાદન કરવામાં સફળતા મળી છે. જૂનાગઢ તાલુકાના સાત ગામોમાં સ્ટ્રોબેરીનો અખતરો કરવામાં આવ્યો અને તેમાં સફળતા પણ મળી છે, રવિ પાક તરીકે આ નવા અખતરાનો ખેડૂતોની આવકમાં વધારો અને એગ્રો ટુરીઝમ વિકસિત કરવાનો ઉદ્દેશ્ય છે.

ખેડૂતોનો અખતરો સફળ
ખેડૂત તાલીમ કેન્દ્ર દ્વારા ખેતીલક્ષી વિવિધ અખતરાઓ કરવામાં આવતાં હોય તે અંતર્ગત હાલની રવિ ઋતુમાં જીલ્લામાં સૌપ્રથમવાર સ્ટ્રોબેરીનો અખતરો કરવામાં આવ્યો અને તેમાં સફળતા પણ મળી છે. જૂનાગઢ તાલુકાના ભીયાળ, ચોકલી, ચોરવાડી, આણંદપુર, પ્રભાતપુર સહીતના ગામોમાં સ્ટ્રોબેરીના પાકનો અખતરો કરવામાં આવ્યો હતો.

આ અખતરામાં હિમાચલ પ્રદેશથી સ્ટ્રોબેરીના રોપા લાવીને તેનું વાવેતર કરવામાં આવ્યું. ભીયાળ ગામે ભરતભાઈ કરકર નામના ખેડૂતે પોતાના ખેતરમાં 1500 રોપાનું વાવેતર કર્યું જેમાં સ્ટ્રોબેરીની બે વેરાયટી કામારોઝા અને વિન્ટર ડાઉનનું વાવેતર કરાયું. કામારોઝા વેરાયટીનું ફળ સ્વાદમાં મીઠાશવાળું, મધ્યમ કદનું અને ટકાઉ હોય છે જ્યારે વિન્ટર ડાઉન સ્વાદમાં ખટમીઠું અને કદમાં મોટું હોય છે. 

સાનુકુળ વાતાવરણ રહે તો છોડનો સારો વિકાસ થાય છે અને ફુલ પણ સારા આવે છે, સ્ટ્રોબેરીના પાકને 15 થી 30 ડીગ્રી સુધીનું તાપમાન અનુકુળ રહે છે. સ્ટ્રોબેરીનું વાવેતર કર્યા પછી અઢી મહિને ફળ આવે છે. સિઝનમાં ચાર મહિના સુધી છ થી સાત વખત ફાલ આવે છે એક છોડમા અંદાજે બાર થી પંદર નંગ એટલે કે અંદાજે પાંચસો ગ્રામ સ્ટ્રોબેરીનું ઉત્પાદન થાય છે. આમ હિસાબ કરીએ તો 1500 છોડ પર 750 કિલોનું ઉત્પાદન થાય છે. જો વાતાવરણમાં ફેરફાર થાય કે વાવેતર મોડું થાય તો પણ ઓછામાં ઓછું 500 કિલોનું ઉત્પાદન તો મળે જ છે. આમ ખેડૂતોને સ્ટ્રોબેરીનું વાવેતર કર્યા પછી કોઈ નુકશાની થતી નથી. સ્ટ્રોબેરી બજારમાં 100 રૂપીયા થી લઈને 300 રૂપીયા પ્રતિ કિલોના ભાવે વેંચાય છે. આમ સ્ટ્રોબેરીની એક સિઝન ખેડૂતને એક લાખથી લઈને સવા બે લાખ સુધીની કમાણી કરાવી આપે છે.

જો ખર્ચની વાત કરીએ તો એક વિઘાના હિસાબે વાવેતર માટે અંદાજે એક લાખનો ખર્ચ થાય છે. જો તેમાં સબ્સિડી મળે તો આ ખર્ચ ઘટીને 45 હજાર થઈ જાય છે. વિઘે અંદાજે 5 ટનનું ઉત્પાદન થાય છે. વાવેતર સમયે દેશી ખાતર અને જીવામૃતનો ઉપયોગ કરી શકાય છે. ફુલ આવવા સમયે ફ્લાવરીંગ એજન્ટનો છંટકાવ કરી શકાય છે. આમ સ્ટ્રોબેરીની ખેતી ખર્ચાળ નથી અને ફાયદાકારક છે.

લોકો મહાબળેશ્વર, માથેરાન, પંચગીની જેવા હિલ સ્ટેશનો પર ફરવા જાય ત્યારે ત્યાં સ્ટ્રોબેરીની મજા માણે છે. પ્રવાસીઓમાં મહાબળેશ્વરની સ્ટ્રોબેરી પ્રખ્યાત છે ત્યારે જૂનાગઢમાં જ્યારે ગિરનાર રોપવે અને ગિરનાર નેચર સફારી જેવા પ્રવાસન માટે આકર્ષણના કેન્દ્રો છે ત્યારે ગિરનારની ગોદમાં ઉત્પાદિત સ્ટ્રોબેરીનું પ્રવાસન સ્થળો પર વેચાણ કરવામાં આવે તો ખેડૂતોની આવકમાં વધારો થાય અને એક પ્રકારે એગ્રો ટુરીઝમનો પણ વિકાસ થાય. ખેડૂત તાલીમ કેન્દ્રના આ સફળ અખતરાને લઈને આગામી દિવસોમાં હવે તમને ગિરનારમાં લાઈવ સ્ટ્રોબેરી ખાવા મળે તો નવાઈ નહીં.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news