વંદે ભારત ટ્રેનને વારંવાર થતા અકસ્માતને રોકવા લેવાયો મોટો નિર્ણય
Vandebharat Train Accident : વંદે ભારત ટ્રેન સાથે અકસ્માત રોકવા રેલવેનો મોટો નિર્ણય... સુરત-અમદાવાદ રેલવે લાઈનની બંને બાજુ લગાવાશે ક્રેશ બેરિયર... ક્રેશ બેરિયર લગાવવા માટે ટેન્ડર બહાર પાડવામાં આવ્યા
Trending Photos
Vandebharat Train Accident રવિ અગ્રવાલ/વડોદરા : ઉદઘાટન બાદથી વંદેભારત ટ્રેન પાટા પર દોડાવવી મુશ્કેલ બની છે. આ ટ્રેનને અત્યાર સુધી પાંચ અકસ્માત થયા છે. ટ્રેનને આડે રખડતા ઢોર આવતા ટ્રેનને નુકસાનીનો સામનો પણ કરવો પડ્યો છે. આ કારણે વંદેભારત ટ્રેનનો અકસ્માત સતત ચર્ચામાં રહે છે. ત્યારે હવે આ અકસ્માતો રોકવા માટે રેલવે વિભાગ દ્વારા મોટો નિર્ણય લેવાયો છે. અકસ્માત રોકવા સુરતથી અમદાવાદ રેલવે લાઈનની બંને બાજુ મેટલ ક્રેશ બેરિયર લગાવાશે તેવો નિર્ણય લેવાયો છે.
વંદે ભારત ટ્રેન સાથે વારંવાર પશુ અથડાવવાની ઘટનાઓ રોકવા રેલ્વે વિભાગનો મોટો નિર્ણય લીધો કે, સુરતથી અમદાવાદ રેલવે લાઈનની બંને બાજુ મેટલ ક્રેશ બેરિયર લગાવાશે. 140 કરોડના ખર્ચે 170 કિમીના અંતરમાં રેલવે લાઈનની બંને બાજુ થ્રી લેયર મેટલ ક્રેશ બેરિયર લગાવાશે. વડોદરા ડિવિઝન દ્વારા આ માટે ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે. મેટલ બેરિયરની કામગીરી માટે 15 કંપનીઓએ ટેન્ડર ભર્યા છે. 2023 માં આ કામ પૂરું કરવાનું આયોજન છે.
ક્ષમતાથી ઓછી સ્પીડમાં દોડી રહી છે ટ્રેન
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગાંધીનગર અને મુંબઈ વચ્ચે ચાલનારી સેમી-હાઈ સ્પીડ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનના નવા અને અપગ્રેડેડ વર્ઝનને 30 સપ્ટેમ્બરે લીલી ઝંડી દેખાડી સેવાની શરૂઆત કરી હતી. દેશમાં ચાલનારી આ ત્રીજી વંદે ભારત ટ્રેન છે. આ ટ્રેન 180 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડી શકે છે, પરંતુ હાલ ટ્રેન 130 કિમીની ઝડપે ચાલી રહી છે.
પીએમ મોદીએ તાજેતરમાં જ વંદેભારત ટ્રેનને લીલીઝંડી બતાવીને રવાના કરી હતી. ત્યારે આ જ ટ્રેનને રખડતા ઢોરોનો ત્રાસ નડ્યો છે. આ કારણે ટ્રેનને પાટા પર દોડાવવી મુશ્કેલ બની હતી. દેશના 6 રૂટ પર દોડતી વંદે ભારત ટ્રેનને 6 મહીનામાં 68 પશુઓ સાથે અકસ્માત થયો છે.
પશુ માલિકો વિરુદ્ધ કેસ
વંદે-ભારત એક્સપ્રેસ ટ્રેન તાજેતરમાં ગુજરાતમાં ભેંસોના ટોળા સાથે ટકરાયા બાદ રેલવે સુરક્ષા દળે આ પશુ માલિકો વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો. પશ્ચિમ રેલવે તરફથી જાહેર નિવેદનમાં કહેવામાં આવ્યું કે ભેંસોની ટક્કર બાદ ક્ષતિગ્રસ્ત ભાગનું સમારકામ મુંબઈમાં કરી દેવામાં આવ્યું છે. દુર્ઘટનામાં ચાર ભેંસના મોત થયા હતા. પશ્ચિમ રેલવેના વરિષ્ઠ પ્રવક્તા (અમદાવાદ મંડળ) જિતેન્દ્ર કુમાર જયંતે કહ્યુ- આરપીએફે અમદાવાદમાં વટવા અને મણિનગર રેલવે સ્ટેશનો વચ્ચે ભારત ટ્રેનના રસ્તામાં આવનાર ભેંસોના અજાણ્યા માલિકો વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે