રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં લેવાયા મહત્વના નિર્ણયો, કચ્છમાં ૨૦ હજાર જેટલાં મકાનોના માલિકી હક્ક અપાશે
મુખ્યમંત્રી દ્વારા અધિકારીઓને હકારાત્મક અભિગમ રાખીને પ્રશ્નોના નિરાકરણ લાવવા સૂચન કરાયુ છે તેમ જણાવી મંત્રીએ કહ્યું હતું કે, તા.૧૧ ફેબ્રુઆરીના રોજ વલસાડ ખાતે મહેસૂલ મેળાનું આયોજન હાથ ધરવામાં આવશે. આ મહેસૂલ મેળા સતત ચાલતી પ્રક્રિયા હોવાથી આવનારા સમયમાં એક દિવસમાં બે જિલ્લામાં મહેસૂલી મેળાનું આયોજન હાથ ધરવામાં આવશે.
Trending Photos
બ્રિજેશ દોશી, ગાંધીનગર: પ્રવક્તા મંત્રી અને મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું છે કે, રાજ્યના નાગરિકોને મહેસુલી સેવાઓના લાભો ઘર આંગણે સત્વરે મળી રહે તેમજ પ્રશ્નોનો સ્થળ પર નિકાલ થાય તે માટે મહેસૂલ વિભાગે નવતર અભિગમ હાથ ધર્યો છે. જેના ભાગરૂપે આગામી સમયમાં રાજ્યભરમાં જિલ્લા મથકોએ ‘મહેસૂલ મેળા’ યોજવાનો નિર્ણય કર્યો છે. આજે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને મળેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં નાગરિકોના હિતલક્ષી લેવાયેલા મહત્વના નિર્ણયોની વિગતો પ્રવકતા મંત્રીઓએ આપી હતી.
પ્રવક્તા અને મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ કહ્યું હતું કે, મહેસૂલી સેવાઓ તેમજ પ્રશ્નોના સ્થળ પર જ નિકાલ માટે આવતીકાલ તા.૧૦ ફેબ્રુઆરીથી નવસારી જિલ્લામાંથી મહેસૂલ મેળાનો રાજ્યવ્યાપી શુભારંભ કરવામાં આવશે. બપોરે ૧૨ કલાકેથી શરૂ થનાર મહેસૂલ મેળામાં જિલ્લા કક્ષાના આઠ અલગ અલગ વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહેશે. કોવિડની ગાઇડલાઇનને ધ્યાને રાખીને યોજાનાર મેળામાં નામ કમી કરવુ, નવું ઉમેરવું, સર્વે, નવી એન્ટ્રી તેમજ રિ-સર્વે સહિતના પ્રશ્નોનો સ્થળ પર નિકાલ કરવાનો પ્રયાસ કરાશે. તેમાં જરૂર પડ્યે વિભાગનું માર્ગદર્શન પણ લેવામાં આવશે.
મુખ્યમંત્રી દ્વારા અધિકારીઓને હકારાત્મક અભિગમ રાખીને પ્રશ્નોના નિરાકરણ લાવવા સૂચન કરાયુ છે તેમ જણાવી મંત્રીએ કહ્યું હતું કે, તા.૧૧ ફેબ્રુઆરીના રોજ વલસાડ ખાતે મહેસૂલ મેળાનું આયોજન હાથ ધરવામાં આવશે. આ મહેસૂલ મેળા સતત ચાલતી પ્રક્રિયા હોવાથી આવનારા સમયમાં એક દિવસમાં બે જિલ્લામાં મહેસૂલી મેળાનું આયોજન હાથ ધરવામાં આવશે. આ ઉપરાંત મહેસૂલ કચેરીની ઓચિંતી મુલાકાત લેવાનું ચાલુ રહેશે તેમ પણ મંત્રીએ ઉમેર્યુ હતું.
મંત્રીએ જણાવ્યુ હતું કે, ગુજરાત હંમેશા ટ્રસ્ટીશિપના સિદ્ધાંતને અનુસરવાવાળુ રાજ્ય છે. રાજ્યમાં આગામી સમયમાં તમામ જિલ્લામાં ચેરિટી કમિશનરની કચેરીના નવા સંકુલનું નિર્માણ કરવામાં આવનાર છે. જેના ભાગરૂપે ભરૂચ અને ગોધરા ખાતે ચેરિટી કમિશનરની કચેરીના નવા ભવનનું તાજેતરમાં ઉદઘાટન કરવામાં આવ્યુ છે.
આગામી સમયમાં અરવલ્લીના મોડાસામાં નવા ભવનનું ઉદઘાટન કરવામાં આવશે આ ઉપરાંત મુખ્યમંત્રીના હસ્તે વધુ સાત જિલ્લામાં નવા ચેરિટી કમિશનરની કચેરીના ભવનનું ઇ-ખાતમુહૂર્ત કરવામાં આવનાર છે. ગુજરાતમાં હાલમાં ૩,૨૪,૨૯૪ ટ્રસ્ટો નોંધાયેલ છે જે વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરે છે. આ ટ્રસ્ટોના ૧૮,૦૦૦થી વધુ કેસો પડતર હતા. છેલ્લા ૫ વર્ષમાં ૧૮,૦૦૦ કેસોનો નિકાલ કરવામાં આવ્યો છે.
તેમણે કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડિજિટલ ઇન્ડિયાના સ્વપ્નને સાકાર કરવાના ભાગરૂપે સંપૂર્ણ પારદર્શક વહીવટ માટે અત્યાર સુધીમાં ચાર કરોડ દસ્તાવેજોનું ડિજિટિલાઈઝેશન કરીને ઓનલાઇન ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. આગામી સમયમાં ટ્રસ્ટ અને ટ્રસ્ટીઓની વિગતોની પણ SMS દ્વારા સંબંધિત ટ્રસ્ટોને જાણ કરવામાં આવશે.
મંત્રીએ જણાવ્યુ હતું કે, વર્ષ ૨૦૦૧માં કચ્છમાં આવેલા ભૂકંપમાં મોટી સંખ્યામાં મકાનો પડી ગયા હતા. આ ઘટના બાદ વિવિધ સેવાભાવી સંસ્થાઓ અને NGO ધ્વારા ૨૦ હજાર જેટલા મકાનો તૈયાર કરીને લોકોને આશરો આપ્યો હતો. આમાંથી ૬,૦૦૦ જેટલા મકાનોની સનદ તૈયાર કરી છે. જ્યારે આગામી એક માસમાં બાકીના મકાનોની સનદો તૈયાર કરીને તેમને મકાન માલિકીના હક્કો- અધિકારો આપવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે.
પ્રવક્તા મંત્રી જીતુભાઇ વાઘાણી ઉમેર્યું કે ગરીબ પરિવારોને આર્થિક રીતે પગભર કરવા તથા સહાયરૂપ બનવા માટે તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શરૂ કરેલ ગરીબ કલ્યાણ મેળાનો ૧૨મો તબક્કો આગામી તા.૨૪, ૨૫ અને ૨૬મી ફેબ્રુઆરી દરમિયાન રાજ્યના તમામ જિલ્લા મથકોએ યોજાશે જે અંતર્ગત અંદાજે ૩૭ ગરીબ કલ્યાણ મેળાનું આયોજન કરાયું છે.
તેમણે ઉમેર્યું કે રાજ્યકક્ષાના ગરીબ કલ્યાણ મેળાઓ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના અધ્યક્ષે યોજાશે. મુખ્યમંત્રી તા. ૨૪મી ફેબ્રુઆરીના રોજ દાહોદ ખાતે, તા.૨૫મી ફેબ્રુઆરીના રોજ મોરબી ખાતે અને તા.૨૬મી ફેબ્રુઆરીના રોજ અમરેલી ખાતે કાર્યક્રમ યોજશે. જિલ્લા મથકોએ યોજાનાર કાર્યક્રમમાં જિલ્લાના પ્રભારી મંત્રીઓ, સાંસદસભ્યો, ધારાસભ્યો, ઉચ્ચ અધિકારીઓ સહિત મહાનુભાવો ઉપસ્થિત રહેશે.
પ્રવકતા મંત્રીએ ઉમેર્યું કે ગરીબ પરિવારોને સ્વરોજગાર માટે કીટો તથા વ્યક્તિગત સહાય જેવી કે પ્રધાનમંત્રી આવાસ યોજના, મા અમૃતમ, મિશન મંગલમ યોજના અંતર્ગત સેવાઓ પૂરી પડાશે. કીટ ગુણવત્તાલક્ષી મળે એ માટે પણ સંપૂર્ણ તકેદારી રાખવા સૂચનાઓ આપવામાં આવી છે.
પ્રવક્તા મંત્રી જીતુભાઇ વાઘાણી ઉમેર્યું કે રાજ્યના યુવાઓને સરકારી સેવાઓનો લાભ મળે એ માટે પણ રાજ્ય સરકારે ખાસ ધ્યાન કેન્દ્રિત કરીને વિવિધ વિભાગોમાં ભરતી પ્રક્રિયાઓ હાથ ધરી છે. જે અનુસાર વનવિભાગમાં વનરક્ષકની ૩૩૪ જગ્યાઓ માટે સીધી ભરતી કરવામાં આવશે. વર્ષ-૨૦૧૮માં અનિવાર્ય સંજોગોને કારણે મોકૂફ રહેલી આ ભરતી પ્રક્રિયા આગામી સમયમાં હાથ ધરાશે. જેમાં ઉમેદવારો દ્વારા જે તે વખતે ભરેલા ફોર્મ માન્ય રહેશે. આ ભરતી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ અંદાજે ૭૭૫ જેટલી વધુ નવી જગાઓ માટે પણ ભરતી પ્રક્રિયા હાથ ધરાશે.
પ્રવક્તા મંત્રી જીતુભાઇ વાઘાણી ઉમેર્યું કે દેશના નાગરિકોને કોવિડ-19થી સુરક્ષિત કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ વિશ્વનુ સૌથી મોટુ રસીકરણ અભિયાન દેશભરમાં યોજાઈ રહ્યું છે. જે અંતર્ગત મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાતે ૧૦ કરોડથી વધુ ડોઝથી નાગરિકોને સુરક્ષિત કરીને દેશભરમાં અગ્રીમ સ્થાન હાંસલ કર્યું છે.
આગામી સમયમાં પણ ૧૦૦ ટકા રસીકરણ થાય એ માટેના સંનિષ્ઠ પ્રયાસો રાજ્ય સરકાર દ્વારા હાથ ધરાઇ રહ્યુ છે. રાજ્યમાં ૧૦ કરોડથી વધુ ડોઝ નાગરિકોને આપવા બદલ મુખ્યમંત્રીએ તમામ આરોગ્ય કર્મીઓ તથા સહકાર આપનાર સ્વૈચ્છિક સંસ્થાઓને અભિનંદન પાઠવ્યા છે.
પ્રવક્તા મંત્રી વાઘાણી ઉમેર્યું કે ગુજરાત સહકારી ક્ષેત્રે દેશભરમાં મોખરાનું સ્થાન ધરાવે છે ત્યારે સહકાર ક્ષેત્રે પણ નવીન અભિગમ હાથ ધરાય એ માટે સહકાર વિભાગ દ્વારા ચિંતન શિબિરનું આયોજન કરાયું છે. જેમાં રાજ્યપાલ અને મુખ્યમંત્રીએ વર્ચ્યુઅલી માર્ગદર્શન પૂરું પાડયું છે. આ ચિંતન શિબિરમાં થયેલ આદાન-પ્રદાન આગામી સમયમાં મહત્વનું પુરવાર થશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે