ખેડૂતો કદાચ સોનું પણ ઉગાડશે તો વચેટિયા મફતમાં ભાવે જ ખરીદશે, ડુંગળીના ભાવ વાંચી આંખોમાં આંસુ આવશે

જિલ્લાના ખેડૂતોને ડુંગળીના ભાવ તળીયે બેસી જતા રોવાનો વારો આવ્યો છે. ભાવનગર અને મહુવા માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીના ભાવ ગગડી રહ્યા છે. ૨૫૦ થી ૩૦૦ રૂપિયે પડતર થતી ખેડૂતોની ડુંગળી ૬૦ થી ૭૦ રૂપિયા પ્રતિમણ વેચાઈ રહી છે. જેથી ખેડૂતોને ખૂબ મોટી નુકસાની વેઠવી પડી રહી છે, ત્યારે સરકાર દ્વારા ડુંગળીના યોગ્ય પોષણક્ષમ ભાવ નક્કી કરવા અને ખેડૂતો ને વળતર ની યોગ્ય રકમ ચૂકવવા માંગ કરવામાં આવી છે. 

ખેડૂતો કદાચ સોનું પણ ઉગાડશે તો વચેટિયા મફતમાં ભાવે જ ખરીદશે, ડુંગળીના ભાવ વાંચી આંખોમાં આંસુ આવશે

ભાવનગર : જિલ્લાના ખેડૂતોને ડુંગળીના ભાવ તળીયે બેસી જતા રોવાનો વારો આવ્યો છે. ભાવનગર અને મહુવા માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીના ભાવ ગગડી રહ્યા છે. ૨૫૦ થી ૩૦૦ રૂપિયે પડતર થતી ખેડૂતોની ડુંગળી ૬૦ થી ૭૦ રૂપિયા પ્રતિમણ વેચાઈ રહી છે. જેથી ખેડૂતોને ખૂબ મોટી નુકસાની વેઠવી પડી રહી છે, ત્યારે સરકાર દ્વારા ડુંગળીના યોગ્ય પોષણક્ષમ ભાવ નક્કી કરવા અને ખેડૂતો ને વળતર ની યોગ્ય રકમ ચૂકવવા માંગ કરવામાં આવી છે. 

સમગ્ર ગુજરાતમાં ભાવનગર જિલ્લો ડુંગળીના વાવેતરમાં મોખરાનું સ્થાન ધરાવે છે. ભાવનગર જિલ્લામાં રાજ્યની સરેરાશ ૩૩ ટકાથી વધુ ડુંગળીના પાકનું ઉત્પાદન કરવામાં આવે છે, પરંતુ ખેડૂતોને ડુંગળીના પોષણક્ષમ ભાવ ના મળતા હોવાના કારણે ખેડૂતો મુશ્કેલી અનુભવી રહ્યા છે. ચાલુ વર્ષે શિયાળુ અને ઉનાળુ એમ બંને સીઝનમાં ખેડૂતોએ ડુંગળીનું પુષ્કળ પ્રમાણમાં વાવેતર કર્યું છે, પરંતુ ખેતરોમાં તૈયાર થયા બાદ ખેડૂતો ભાવનગર જિલ્લાના મુખ્ય બે યાર્ડ જેમાં એક ભાવનગર અને બીજું મહુવા માર્કેટ યાર્ડ ખાતે વેચવા માટે લાવતા હોય છે. 

અગાઉ સીઝનના પ્રારંભે જ્યારે ૧૦ થી ૨૦ હજાર ગુણી ડુંગળીની આવક હતી ત્યારે ખેડૂતો ને ડુંગળીના ખૂબ સારા ૫૦૦ થી ૫૫૦ સુધીના ભાવો મળી રહ્યા હતા, પરંતુ જેમ જેમ આવક વધતી ગઈ તેમ તેમ ડુંગળીના ભાવો ઘટતા ગયા. હાલ બંને યાર્ડમાં સરેરાશ ૮૦ હજારથી વધુ ગુણી ડુંગળીની આવક થઈ રહી છે. ત્યારે આવકનો વધારો થતાં ડુંગળીએ ખેડૂતોની ચિંતામાં પણ વધારો કર્યો છે. હાલ બંને યાર્ડ ખાતે ડુંગળીના ભાવ તળિયે બેસી ગયા છે. યાર્ડમાં ૫૦૦ થી ૫૫૦ રૂપિયા પ્રતિમણના ભાવે વેચાઈ રહેલી ડુંગળી હાલમાં ૬૦ થી ૭૦ રૂપિયા પ્રતિમણ વેચાઈ રહી છે. ડુંગળીના ભાવો એકાએક નીચે બેસી જતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે, કારણ કે જે ડુંગળી ૨૫૦ થી ૩૦૦ રૂપિયા ઘરમાં પડતર છે એ ડુંગળી માટીના ભાવે વેચાઇ રહી છે. ત્યારે ડુંગળીના યોગ્ય ભાવ આપવા સરકાર પાસે ખેડૂતો માંગ કરી રહ્યા છે. 

ખેડૂતોએ સીઝનના પ્રારંભે જ્યારે ડુંગળીનું વાવેતર કર્યું હતું એ સમયે બિયારણ ખૂબ મોંઘું હતું. ખેડૂતો એ ૩૦૦૦ હજાર થી ૩૫૦૦ રૂપિયાના મોંઘા ભાવે બિયારણ લાવી વાવેતર કર્યું હતું. જેમાં ખાતર, દવાઓનો છંટકાવ, માવજત, મજૂરી અને વેચાણ માટે યાર્ડ સુધી પહોંચાડવાનું ભાડું સહિતની ગણતરી કરતા ખેડૂતોને ૨૫૦ થી ૩૦૦ રૂપિયા પ્રતિમણ ના ભાવે ડુંગળી ઘરમાં પડે છે, પરંતુ જ્યારે ડુંગળીનું વેચાણ થાય છે ત્યારે ખેડૂતોને ખર્ચની સામે પોષણક્ષમ ભાવ મળતા નથી, ત્યારે સરકારે બીજી જણસી ની જેમ ડુંગળીમાં પણ યોગ્ય ભાવ મળી રહે તેવું આયોજન કરવું જોઈએ. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news