નવસારી: પ્રાર્થનાસભાના નામે હિંદુ દેવી-દેવતાઓનું અપમાન કરતા હોવાની ફરિયાદ
જિલ્લામાં થોડા મહિનાઓથી આદિવાસીઓનાં ધર્મ પરિવર્તનનો મુદ્દો વિવાદિત બન્યો છે
Trending Photos
સ્નેહલ પટેલ/ નવસારી: જિલ્લામાં થોડા મહિનાઓથી આદિવાસીઓનાં ધર્મ પરિવર્તનનો મુદ્દો વિવાદિત બન્યો છે. જેમાં ગરીબ આદિવાસીઓ ભોળવાઈને ખ્રિસ્તી ધર્મ અપનાવતા હોવાના આક્ષેપો થયા છે. ત્યારે નવસારીના અષ્ટગામ ગામે ખ્રિસ્તી ધર્મ પાળનારા બહારના લોકોએ ગામમાં પ્રવેશ ન કરવો ના બોર્ડ લગાવી ધર્મ પરિવર્તનનો વિરોધ કરવામાં આવ્યો છે. જેની સામે ખ્રિસ્તી ધર્મમાં જોડાયેલા પરિવારોએ જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી સમસ્યાના સમાધાનની માંગણી કરી છે.
નવસારી જિલ્લાનાં ગામડાઓમાં વસતા આદિવાસી સમાજનાં ઘણા લોકો ખ્રિસ્તી ધર્મ અપનાવતા થયા છે. જેમાં આદિવાસીઓને જ ખ્રિસ્તી ધર્મના પ્રચારક બનાવી દેવામાં આવતા લગભગ દરેક ગામોમાં ખ્રિસ્તી ધર્મ પાળતા આદિવાસીઓની સંખ્યા વધી છે. ધર્મ પરિવર્તન બાદ એક બીજાનાં ગામોમાં જઇ શુક્રવારે અને રવિવારે પ્રાર્થના સભાઓ પણ કરતા મૂળ આદિવાસી સમાજ સાથે સંકળાયેલા લોકોમાં નારાજગી પ્રવર્તી રહી છે. નવસારીના તાલુકાના અષ્ટગામ ગામે પણ પ્રાર્થના સભાઓને કારણે ગામના લોકો વચ્ચે વિવાદ સર્જાયો છે. જેમાં ખ્રિસ્તી ધર્મ અંગીકાર કર્યા બાદ પરિવારમાં જ વિખવાદ ઉભા થયા છે, તેઓ હિંદુ રીતિ રીવાજોને માનતા બંધ થયા છે સાથે જ હિંદુ દેવી દેવતાઓના ફોટોને પણ અપમાનિત કરતા હોવાના આક્ષેપો હળપતિ સમાજના લોકો કરી રહ્યા છે. સાથે જ ખ્રિસ્તી ધર્મ સામે વિરોધ નહિ, પણ તેઓને આદિવાસીઓને મળતા લાભો બંધ કરીને સરકાર તેમની ખ્રિસ્તીઓ તરીકે જ નોંધણી કરે એવી માંગણી કરી રહ્યા છે.
ધર્મ પરિવર્તનના વિવાદ સામે ખ્રિસ્તી ધર્મ અપનાવારાઓનું કહેવું છે કે ખ્રિસ્તી ધર્મમાં આવવાથી અમારા જીવનમાં પરિવર્તન આવ્યા છે. કુટેવોથી અમે દુર થયા છે, સાથે જ સારી રીતે જીવતા પણ થયા છે. જયારે ભારતના બંધારણે જ એમને ધાર્મિક સ્વતંત્રા આપી છે. અમે ખ્રિસ્તી ધર્મ અનુસાર શુક્રવાર અને રવિવારે પ્રાર્થના સભા કરીએ છે, ત્યાં આવીને અમને યેન કેન પ્રકારે ધમકાવવામાં આવે છે. અમે વિવાદમાં નથી પડવા માંગતા એટલે જ જિલ્લા કલેકટરને આવેદન પત્ર આપીને ન્યાયની માંગ કરી છે. જિલ્લા કલેકટર અમને સહકાર આપીને સમસ્યાનું સમાધાન કરાવે એજ આશા છે.
જિલ્લામાં આદિવાસીઓમાં ચાલતા ધર્મ પરિવર્તનના વિવાદને કારણે આદિવાસી સમાજમાં પણ સરકારી તંત્રને મધ્યસ્થી કરી, ખ્રિસ્તી ધર્મ અપનાવનારા આદિવાસીઓનો સર્વે કરાવી એમને આદિવાસી સમાજમાંથી બહાર કાઢી તેમની ખ્રિસ્તી તરીકે નોંધણી કરે એવી માંગ કરી રહ્યો છે. ત્યારે જિલ્લા વહીવટી તંત્ર સમગ્ર મુદ્દે શું પગલા લે છે એ જોવું રહ્યું.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે