દેશના ગૃહમંત્રીને ચૂંટણી સંગ્રામમાં સીધી ટક્કર આપનાર પાટીદાર મહિલા કોણ, હાઈપ્રોફાઈલ બેઠક પર મોટી જંગ
Amit Shah Vs Sonal Patel : હાઈ પ્રોફાઈલ ગાંધીનગર લોકસભા બેઠક પર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સામે કોંગ્રેસે સોનલ પટેલને મેદાનમાં ઉતાર્યા, હોટ સીટ ગાંધીનગરમાં શાહ સામે મેદાનમાં ઉતરનારા સોનલ પટેલ કોણ છે તો જાણી લો આ રિપોર્ટ
Trending Photos
Gandhinagar Loksabha Election : કોંગ્રેસે ભાજપના દિગ્ગજ નેતા અમિત શાહ સામે ગાંધીનગર બેઠક પર સોનલ પટેલને મેદાનમાં ઉતાર્યા છે. ગાંધીનગર લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર સોનલ પટેલ 16 એપ્રિલે ફોર્મ ભરશે. કોંગ્રેસે અમિત શાહ સામે મહિલા ચહેરો મેદાને ઉતાર્યો છે. ત્યારે કોણ છે સોનલ પટેલ તેના પર એક નજર કરીએ.
મહારાષ્ટ્રના સહપ્રભારી છે સોનલ પટેલ
ગત લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસે ગાંધીનગરથી સી.જે. ચાવડાને ટિકિટ આપી હતી. સીજે ચાવડા લોકસભા ચૂંટણી પહેલા જ ધારાસભ્ય તરીકે રાજીનામું આપીને ભાજપમાં જોડાઈ ગયા છે. સોનલ પટેલ પૂર્વ મહિલા કોંગ્રેસ અધ્યક્ષ રહી ચૂક્યા છે. સોનલ પટેલ હાલમાં કોંગ્રેસના રાષ્ટ્રીય સેક્રેટરી તરીકે કાર્યરત છે. સોનલ પટેલ આ ઉપરાંત અત્યારે મહારાષ્ટ્રના સહપ્રભારીની જવાબદારી નિભાવી રહ્યાં છે. કોંગ્રેસે ગાંધીનગર બેઠક પર સોનલ પટેલને ટિકિટ આપી છે. સોનલ પટેલ કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત સામે કેટલી ટક્કર લઈ શકે તે ચૂંટણી પરિણામો જ બતાવશે.
ગાંધીનગર હોટ સીટ
છેલ્લાં 35 વર્ષથી આ બેઠક ભાજપનો ગઢ મનાય છે. અટલ બિહારી વાજપેયી અને લાલકૃષ્ણ અડવાણી જેવા દિગ્ગજ નેતાઓને સંસદમાં મોકલનાર આ શહેરી બેઠક લાંબા સમયથી ભાજપનો ગઢ રહી છે. હવે તેનું પ્રતિનિધિત્વ શાહ કરે છે, જેમણે 2019ની ચૂંટણીમાં કોંગ્રેસના સીજે ચાવડાને 5.57 લાખ મતોથી હરાવ્યા હતા. ગાંધીનગર ગુજરાતની રાજધાની હોવાના સાથે તે ભારતના સૌથી પ્રતિષ્ઠિત સંસદીય મતવિસ્તારોમાંનું એક છે. આ લોકસભા બેઠક 1967માં અસ્તિત્વમાં આવી છે. આ બેઠક પર પ્રથમ સાંસદ કોંગ્રેસના સોમચંદ સોલંકી હતા. ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી, ભૂતપૂર્વ નાયબ વડાપ્રધાન લાલકૃષ્ણ અડવાણી, પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા આ બેઠક પર પ્રતિનિધિત્વ કરી ચુક્યા છે. વર્તમાન ગૃહપ્રધાન અમિત શાહ આ લોકસભા બેઠક પરથી જ 2019માં ચૂંટાયા હતા. ગાંધીનગર લોકસભા મત વિસ્તારમાં ગાંધીનગર ઉત્તર, કલોલ, સાણંદ, ઘાટલોડિયા, વેજલપુર, નારણપુરા, સાબરમતીનો સમાવેશ થાય છે.
ભાજપ લોકોની આશાઓ પર ખરી ઉતરવામાં અસફળ રહી છે
હાલ સોનલ પટેલના નામની જાહેરાત થતા ગાંધીનગર બેઠક ચર્ચામાં આવી છે. આ બેઠક પર સોનલ પટેલની જંગ દેશના ગૃહમંત્રી સામે છે. અમિત શાહ સામે મહિલા ઉમેદવાર હોવાથી ગાંધીનગર બેઠક ચર્ચામાં આવી છે. સોનલ પટેલે દાવો કર્યો છે કે, ભાજપ લોકોની આશાઓ પર ખરી ઉતરવામાં અસફળ રહી છે. તેથી સત્તા વિરોધી લહેર છે. તેમણે સત્તારુઢ પાર્ટી પર પોતાના મત ક્ષેત્રમાં કોંગ્રેસના કાર્યકર્તાઓને ધમકાવવાનો પણ આરોપ લગાવય છે. સાથે જ તેમણે કહ્યું કે, તેઓ ભાજપના દિગ્ગજ નેતા સામે લોકસભા ચૂંટણી લડવામાં જરા પણ દુવિધામાં નથી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે